શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પુષ્પદોલોત્સવ ❖ સાલમાલ અસુરનો ઉદ્ધાર
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણને ત્રીજે વર્ષે ફાગણ માસમાં, વસંત ઉત્સવ, પુષ્પ દોલોત્સવ કર્યો. તે ચરિત્ર કહું સાંભળ. સર્વ ઋતુમાં, શ્રેષ્ટ ઋતુરાજ વસંતમાં, સર્વ વૃક્ષ વેલી, ફળ-ફૂલ ખીલવાથી, પ્રભુને બોલાવતા હોય તેમ ઝૂલતા હતા. અશ્વપટ સરોવરમાં ખીલેલા કમળો પણ પ્રભુને બોલાવતા હોય તેમ દેખાતાં હતા. સર્વે પક્ષીઓ પણ પોતાની ભાષામાં બાલકૃષ્ણને બોલાવતા હોય તેમ કિલ્લોલ કરતા હતા. તે સમયે હજારો બાલબાલિકાઓ અશ્વપટ સરોવર કાંઠે વૃક્ષોમાં હીંડોળા બાંધીને અબીલ, ગુલાલ, કંકુ, કેશર, કેશુડાના લાલ, પીળા, રંગથી રમતા હતા. રંગ ઉત્સવમાં કૃષ્ણના કિર્તનો ગાતાં હતાં તથા સર્વેએ સર્વ પુષ્પોથી વસંત ઋતુની પૂજા કરી પછી વસંત ઋતુએ પોતાની પત્ની સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી. હીંડોળામાં પધરાવી આરતી ઉતારી, તે સમયે કિશોરસ્વરૂપ ધારણ કરી, સર્વને અલૌકિક દર્શન આપી, સૌ સાથે રંગે રમી, ફરીથી બાલસ્વરૂપ ધારણ કર્યું. પછી માતા અશ્વપટ સરોવરમાં રંગવાળા પ્રભુને સ્નાન કરાવવા લઇ ગયા. ત્યાં સરોવરમાં ત્રીશ હાથના માછલાએ બાલપ્રભુને પકડ્યા. માતા ભય પામ્યાં.
રાધાએ પૂછ્યું, તે માછલો કોણ હતો ? શ્રીકૃષ્ણ કહે : પૂર્વે હીરણ્યકુર્ચ અસુરની ચામડીમાંથી જન્મેલો તે અસુર સાલમાલ નામનો સાત તાડીયા ઊચો, સાલમાલ વનમાં રહેતો. તે પિતાનું વેર સંભારી શ્રીહરિને મારવા આવ્યો. બાલપ્રભુએ પાણીમાં મગરનું રૂપ લીધું અને બીજે રૂપે બાળરૂપે કાંઠે બેઠા. ત્યારે તે અસુર માછલામાંથી મનુષ્યરૂપ લઇ ગદા ધારણ કરી મગરના માથામાં મારી. પ્રભુએ તરત અદૃશ્ય થઇ ગદા ધારણ કરી. ત્યારે સાલમાલસુર સાત તાડીયા જેટલો ઊચો થઇને પ્રભુની સામે યુદ્ધ કરવા આવ્યો. અસુરે શ્રીહરિના માથામાં ગદા મારવાથી ગદા ભાંગી ગઇ. શ્રીહરિએ અસુરની છાતીમાં ગદા મારી મૂર્છિત કર્યો. અસુર બેઠો થઇ મુદગર લઇ પ્રભુને મારવા દોડ્યો. ત્યારે પ્રભુ શ્રીહરિએ સુદર્શન ચક્ર મૂક્યું. સૂર્યસમાન તેજસ્વી હજાર આરાવાળા તે સુદર્શન ચક્રે અસુરનાં મસ્તકને કાપી નાખ્યું. મહા હાહાકાર થયો. દેવો પ્રસન્ન થયા. એક ગાઉમાં તે અસુરનો દેહ પડવાથી કેટલાય વૃક્ષો ભાંગી ગયા પછી ગરૂડ તેના શરીરને ઉપાડીને સાલમાલ વનમાં નાખી આવ્યા. ત્યાં સર્વે દૈત્યો તથા સાલમાલની સો પત્નીઓ અતિશોક કરવા લાગી. પછી પોતાની જાતિને અનુસારે તે અસુરની ઉર્ધ્વ દૈહિક ક્રિયા કરી. તે પાંચસો દૈત્યો, સો પત્નીઓ અને હજાર પુત્રો ક્યાંય સુખ ન પામવાથી વેર વાળવા વિચારવા લાગ્યા. પછી બાલકૃષ્ણ પ્રભુ સર્વની સાથે પુષ્પ દોલોત્સવ કરી. માતા-પિતા સાથે ઘેર આવ્યા. કન્યાઓ સર્વ લોમશ ઋષિના આશ્રમમાં ગઇ. સર્વેજનો ગામમાં પ્રભુના ચરિત્રને સંભારતા આવતા હતા. શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના આ પુષ્પદોલોત્સવ તથા ચમત્કાર ચરિત્રને જે નરનારીઓ ગાશે, સાંભળશે તે પરમધામને પામશે.