ભાગ · અધ્યાય ૧૯૬

ફેનતંતુ રાજાની ત્રિનયાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, ફેનતંતુ રાજાની પ્રાર્થનાથી શ્રીહરિ ફાલનાદ ઋષિ સાથે વિમાનમાં બેસી ભાદરવી ચૌદશે ત્રિનયાનગરીમાં આવ્યા. રાજા-પ્રજાએ સ્વાગત કરી શહેરમાં ફેરવી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનને રાજમહેલમાં લાવ્યા. પ્રભુએ રાત્રિએ સભામાં ઉપદેશ આપ્યો, સંસારમાં વાસનાવાળા મનને જીતવું. પંચવિષય ઇન્દ્રિયોને જીતવા, પરમેશ્વરને તજીને ખોટી ચિંતા ન કરવી. ભગવાનની ભક્તિ વિના વ્યર્થ દિવસ ન જવા દેવો. સંત સેવા વિના વ્યર્થ આયુષ્ય ન જવા દેવું. મારા નામ સ્મરણ, કિર્તન વિના વ્યર્થવાણી ન બોલવી. મારા ધ્યાન વિના રાત્રિ વ્યર્થ ન જવા દેવી. મારા મંદિર વિના ધન વ્યર્થ ન જવા દેવું. મારા વિના આત્મા બીજે ન જોડવો. મારી પૂજા કરી મને અર્પણ કર્યું તેનું સર્વે સાર્થક થયું. દ્રોહ ન કરવો, અભિમાન ન કરવું. સદ્ગુણ પ્રાપ્ત કરવા તેથી મુક્તિ થાય, તે મોક્ષ આપનારો હું છું. અહિંસા, સત્યવચન, શામ, દામ આ મહાતપ છે.

શરીરના તપથી મનનું તપ મહાન છે. મનના તપથી પ્રભુની દાસ્યભક્તિ મહાન છે. મારી આજ્ઞામાં રહેલો દાસભક્ત દૂર હોવા છતાં મારી પાસે જ છે. મારી આજ્ઞા નહીં પાળનારો પાસે હોવા છતાં દૂર છે. તેથી મારી આજ્ઞાનું મારા ભક્તોએ પાલન કરવું. તથા ગુરુની પિતાની પૂજ્ય વર્ગની જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરવું. આલોકમાં ક્ષણેક્ષણે દુ:ખ અને આપત્ આવે છે. સંતયોગ અજ્ઞાન અને દુ:ખનો નાશ કરે છે. આપત્ અંદર-બહાર બે પ્રકારે છે. બહારનું આપત્ દુખ, દ્રવ્ય દાન, અન્નદાનથી ટળે છે. અંદરનું દુ:ખ જ્ઞાનથી સહન કરવાથી ટળે છે. તથા સર્વદુ:ખ નાશનું કારણ સંતના આશીર્વાદ છે. શ્રીહરિનો આશ્રય કરવાથી સર્વ સુખ મળે છે. જ્યાં હું છું ત્યાં સુખ-આનંદ રહેલા છે. જ્યાં પ્રભુ નથી ત્યાં દુર્ગુણ વાસ કરે છે. તથા જ્યાં રાજા દુર્બલ અને અધર્મી હોય ત્યાં પ્રજાને આપતકાળ આવે છે. એવો અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ઉપદેશ સાંભળી સર્વે રાજી થયા. પછી પ્રભુએ સર્વને વૈષ્ણવમંત્ર આપ્યો. પછી ભોજન કરી રાજાએ શ્રીહરિનું પૂજન કરી બે કન્યા અર્પણ કરી ભેટ આપી.