બાલપ્રભુના મંત્રના પ્રતાપથી મુંગો શાર્ઙ્ગધર બોલતો થયો
લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, ઋષિ શૃંગધર વિપ્રનો પુત્ર શાર્ઙ્ગધર જન્મથી મુંગો હતો. તે પૂર્વજન્મમાં દંડકારણ્યમાં વાસ કરતો શુદ્ર હતો, હિંસા કરતો. તેણે એકવાર ગોદાવરી કાંઠે મૃગની હત્યા કરી. મૃગનું તીર્થમાં મરણ થવાથી તે એક શીંગડાના ચિન્હવાળો શૃંગધર વિપ્ર થયો અને તે શુદ્ર હિંસક તેનો પુત્ર જડ જેવો અને જન્મથી જ મુંગો થયો. તેના પિતાએ તેને જનોઇ આપી, તેને માટે ઘણા જપ, તપ, તીર્થ કર્યા, તો પણ પુત્ર બોલતો ન થયો. પછી તે અન્ન, જળનો ત્યાગ કરી તપમાં બેસી ગયો. દશ વર્ષે આકાશવાણી સાંભળી તારા અને તારા પુત્રના પૂર્વ જન્મના અતિ પાપ તે જપ અને તપ કરવાથી નાશ પામ્યા છે. હવે તું અશ્વપટ સરોવર કુંકુમવાપી તીર્થમાં જા. ત્યાં “અનાદિશ્રીકૃષ્ણનારાયણ” આ મંત્રનો જપ કરજે. આકાશવાણી સાંભળીને પિતા મુંગા પુત્રને લઇને, મુક્તો, ભક્તો દેવ, દેવીઓથી સેવાયેલી કુંકુમવાપી આવ્યા. અશ્વપટ સરોવરમાં સ્નાન કરી લોમશ ઋષિ પાસે આવી પગે લાગી સેવા કરી મંત્ર જપ કરવા લાગ્યો. ત્યાં કાર્તિક સુદ બારસે સવારમાં લક્ષ્મી સાથે હયગ્રીવ ભગવાનને હાથમાં વેદને ધારણ કરી દર્શન દીધા અને કહ્યું બોલ તારી શું ઈચ્છા છે ?
શાર્ઙ્ગધર કહે : હે પ્રભુ, લોમશ ઋષિના આશીર્વાદથી અને તમારા દર્શનથી મારું મુંગાપણું બંધ થયું. મને વાણી પ્રાપ્ત થઇ. હવે મને વિદ્યા આપો, જેથી હું પિતૃ ઋણથી મુક્ત થાઉં. ભગવાન કહે, તથાસ્તુ. એમ કહી અદૃશ્ય થયા. તે શાર્ઙ્ગધર મહાન વિદ્વાન થયો અને ઔષધિ જ્ઞાનની સંહિતા રચી. હે રાજા, ત્યાં શાર્ઙ્ગધરતીર્થ થયેલું છે. ત્યાં સ્નાન દાન કરવાથી જીવાત્માનો મોક્ષ થાય છે.