ભાગ · અધ્યાય ૨૭૨

ગોપાલકૃષ્ણનું તપ - અશ્વપટ સરોવર ઉત્પત્તિ - અશ્વપાટલ રાજાની ત્યાગીદીક્ષા

લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, પૂર્વે કુંકુમવાપીનાં નરનારાયણ તીર્થમાં ગોપાલકૃષ્ણે સો વર્ષ સુધી દારૂણ તપ કર્યું. ત્યારે નરનારાયણ ભગવાન હરિકૃષ્ણ પ્રસન્ન થઇને કહે કે, મહાવિષ્ણુ તમે તપ શા માટે કરો છો. તમારે શું ઈચ્છા છે ?

પિતા ગોપાલકૃષ્ણ કહે : દેવોના પિતૃના માનવોના પશુ પક્ષીના સર્વના કલ્યાણ માટે હે પ્રભુ તમે મારા પુત્રો રૂપે થાવ. તે ચાર નારાયણો કંભરાલક્ષ્મીના બાળકરૂપે થયા. તેમાં નારાયણ તે મોટા ભગવાન ભાઇ થયા. નર તે પોપટભાઇ થયા. કૃષ્ણ તે અક્ષરાધિપતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભ થયા. હરિ તે વલ્લભભાઇ થયા. હે અશ્વપાટલ રાજા, જ્યાં ગોપાલકૃષ્ણે તપ કર્યુ ત્યાં અશ્વપટસરોવરકાંઠે નરનારાયણ હરિ અને કૃષ્ણ સર્વતીર્થોમાં ઉત્તમ તીર્થ થયું છે. તે બ્રહ્મતીર્થ કહેવાય છે. તથા સર્વ યજ્ઞનું ફળ અહીં જ્ઞાન પૂજન કરવાથી થાય છે.

અશ્વપાટલ રાજા કહે : હે ગુરુ, આ અશ્વપટ સરોવર તીર્થરૂપે ક્યારે થયું ? લોમશ ઋષિ કહે, અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વના કલ્યાણ માટે પૃથ્વી પર માનવરૂપે થવાના હતા ત્યારે સર્વે મુક્તો, અવતારો, નારાયણો, ઇશ્વરો, મુક્તાનિઓ, દેવ-દેવીઓ, પિતૃઓ, સર્વે કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રભુ પાસે વાસ કરવા આવ્યા. ત્યારે પરમધામમાં બ્રહ્મપત્ની માણિકી તે પૃથ્વી પર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારી ઘોડીરૂપે વાહનરૂપે થઇ. અને તે જ્યાં વ્યાધ્રારણ્યમાં ફરી ત્યાં ત્યાં અશ્વપટ સરોવર નામે તીર્થ પ્રસિધ્ધ થયું. અને તે અશ્વપટ સરોવરમાં પરમધામમાંથી દિવ્ય બ્રહ્મધરાઓ આવી જલરૂપે નિવાસ કર્યો. હે રાજા, તે આ માણિકી તીર્થ થયું છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણની સાથે રાધા, લક્ષ્મી, પાર્વતી, પદ્મા, રમા, જયા, રતિ, લલીતા, પદ્મીની, રંભા, માણિકી, શ્રી સરસ્વતિ, ગંગા, દુર્ગા, સાવિત્રી, સંજ્ઞા, યમૂના, રોહિણી, મંજુલા, સગુણા, હંસા, હેમા, શાંતિ, પુષ્પા, મનુ, કસ્તુરી, દેવી, ચંપા, અંબા વગેરે કરોડો બ્રહ્મપત્નીઓ આવી ત્યાં વાસ કર્યો તથા સર્વે નદીઓ સરોવરો તીર્થો સમુદ્રો તે સર્વે અશ્વપટ સરોવર આવી વાસ કર્યો. જ્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભ વાસ કરતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણના પ્રાગટ્ય દિવસે શ્રીકૃષ્ણ ગોપ, ગોપીઓ ત્યાં આવવાથી તે તીર્થો થયા છે.

શ્રીકૃષ્ણ કહે : રાધા, વૈરાટનારાયણ અનંત બ્રહ્માંડોનું સર્જન કરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કરે છે કે, હે હરિ પુરુષોત્તમ નારાયણ મારા બ્રહ્માંડમાં પધારી તમે ધર્મ અને વ્યવહારની સર્વે સ્થાપના કરો. તે પ્રભુ શ્રીહરિ સર્વે બ્રહ્માંડોમાં પ્રગટ થઇ દેવો માનવોના ધર્મ સ્થાપન કરી દૈત્યો દાનવોનો નાશ કરી, વેદ, યજ્ઞ, દીક્ષા, સાધુના ધર્મ સ્થાપન કરે છે.

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન સેવા વિના કોઇની પરમધામમાં ગતિ થતી નથી. સર્વના ધર્મો પ્રભુ પોતે સ્થાપન કરે છે. તે પ્રભુની સાથે દિવ્ય ઐશ્વર્ય મુક્તો, મુક્તાનિઓ સર્વ આવે છે. જેનાથી અનંત કૃષ્ણ પ્રગટ થાય છે, તે આ કંભરાપુત્ર બાલકૃષ્ણવલ્લભ કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રગટ થયેલા છે. અશ્વપાટલ રાજા અનાદિશ્રીકૃષ્ણનારાયણનો આવો મહિમા સાંભળી જાણીને રાજ્યનો મોહ છોડી લોમશ ઋષિ પાસે ત્યાગી દીક્ષા ગ્રહણ કરીને ચિત્ત્પ્રકાશ નામ ધારણ કર્યું.