ભાગ · અધ્યાય ૧૬૨

મુંગા વેયુને શ્રીહરિએ કપિલરૂપે દર્શન આપી બોલતો કર્યો

શ્રીકૃષ્ણ કહે : રાધા, પાંચાલ દેશમાં સતોયુ નામે વૈષ્ણવ ભક્ત અપુત્ર હતો. તે શિબીકા ચલાવતો, મજૂરી કરતો. તેણે કથામાં સાંભળીને પાર્વતીની આરાધના કરી. પાર્વતી પ્રસન્ન થયા અને કહ્યું, તારે પુત્ર થશે પણ મુંગો થશે. દેવી પાર્વતીના આશીર્વાદથી પુત્ર થયો પણ મુંગો. કાંઇ બોલે નહીં. એકવાર સતોયુ યાત્રાળુ સાથે કુંકુમવાપી તીર્થમાં આવ્યો. ત્યાં લોમશ ઋષિના આશ્રમમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વંચાતી હતી. તેમાં આવ્યું અત્યારે પ્રગટ થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ દયા કરી દરિદ્રને ધન આપે છે, બહેરાને સાંભળતા કરે છે. અંપગને ચાલતા કરે છે. રોગીને રોગ મુક્ત કરે છે. અંધને દેખતા કરે છે.

એવું સાંભળીને પોતાના પુત્ર વેયુને લઇને કુટુંબ સાથે અશ્વપટસરોવર કુંકુમવાપીમાં આવી લોમશ ઋષિ પાસે મંત્ર “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામીને સ્વાહા” એ મંત્ર લઇ શ્રીકૃષ્ણવલ્લભના મંદિરે જઇને ચરણામૃત જલ પીને નામ મંત્રનો જપ કરવા લાગ્યો. છ માસ સુધી તપ કરી જપ કર્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણે કપિલરૂપે, સાધુરૂપે આવી દર્શન દીધા અને ચિહ્નવાળા કરકમલથી કમંડલમાંથી પાણીની અંજલિ છાંટી. ત્યાં વોઢુ બોલતો થયો અને પ્રભુના આશીર્વાદથી, વેદવાણીથી સ્તુતિ કરવા લાગ્યો, દેવો-ઇશ્વરોને પણ અગોચર એવા હે ભગવાન તમે મારું રક્ષણ કરો. સર્વ અવતારોને ધારણ કરનારા અનાદિશ્રીકૃષ્ણનારાયણ તમે મારું રક્ષણ કરો. એ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણની કૃપાથી વોઢુ બોલતો થયો, સર્વ શાસ્ત્ર વિશારદ થયો, અને સર્વને પ્રગટ પ્રભુનું જ્ઞાન આપ્યું.