ભાગ · અધ્યાય ૧૬૩

શ્રીહરિ દ્વારા વૈશ્યભક્ત દ્યુવિશ્રામની ગાયોની રક્ષા

શ્રીકૃષ્ણ કહે : રાધા, કામ્યકપુરમાં દ્યુવિશ્રામ વૈશ્યભક્ત પશુપાલન કરી ખેતી કરતો. તે ધર્મકર્મ, દેવપૂજન કંઇ ન જાણતો. ગાયોના પગલાની રજ તે તેનું સ્નાન. ગાયોના નામ તે તેનો જપ. ગાયોનું રક્ષણ તે તેનું પૂજન. ગાયોને ઘાસ આપવું તે તેની સંધ્યા. ગાયોની સેવા તે પૂજન. તે બીજું કાંઇ ન જાણતો. એકવાર ભક્તમંડલ સાથે અશ્વપટસરોવર તીર્થ દર્શન કરવા ગયો. સૌની સાથે ધૂનકિર્તન કરતા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું નામ સ્મરણ ભજન કરવા લાગ્યો. સર્વે ભક્ત મંડળે પ્રગટ પ્રભુની સ્તુતિ કરી, સર્વ અવતારોને ધારણ કરનારા કૃષ્ણવલ્લભ પ્રભુ તમે જડ ચેતનમાં અંતર્યામિપણે રહેલા છો. સર્વના કર્મફળને આપનારા, વિપ્રોને ધર્મ, ક્ષત્રિયોને બળ, વૈશ્યોને સંપત્તિ, શુદ્રોને સેવા આપનારા આપ બાલકૃષ્ણ છો. સર્વના નિયંતા સર્વનું તેજ સર્વરૂપે રહેલા આપ બાલકૃષ્ણ છો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સને ગ્રહણ કરી ભક્તોનું કલ્યાણ કરનારા, અનાસક્ત રહેનારા આપ બાલકૃષ્ણ છો. ભક્તમંડળની સ્તુતિ સાંભળી દ્યુવિશ્રામે તેની પાસે મંત્ર લઇ કંઠી માળા લીધી અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરવા લાગ્યો અને સર્વતીર્થના દર્શન કરી પોતાને ગામે ગયો. ફરી એકવાર કુટુંબ સાથે કુંકુમવાપી દર્શન કરવા આવ્યો. ત્યાં રાત્રે વિશ્રામ કરતા સિંહો આવ્યા અને ગર્જના કરવા લાગ્યા. દ્યુવિશ્રામ કહે, પ્રભુ અત્યારે આ સિંહોથી ગાયો, વાછડાઓની રક્ષા કરો. તમને ગાય આપશું, દૂધ પાસું. તરત અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ સુદર્શન ચક્રને ધારણ કરી સિંહોનો નાશ કર્યો. જે જે ગાયોને સિંહોએ નખથી ઘાયલ કરી હતી ત્યાં પ્રભુએ હાથ ફેરવી સાજી કરી. પછી ભક્તો પાસે પ્રભુએ આવી દર્શન દીધા. ભક્તે ગાયો દોહીને પ્રભુને દૂધ પાયું.