હિરણ્યકુર્ચ અને હિરણ્યઅંડનો નાશ - મેરૂ પર્વતથી પૃથ્વી-ગ્રહોની ઉત્પત્તિ
શ્રીકૃષ્ણ કહે : રાધા, હિરણ્મય પુરુષથી એવા મહાવિષ્ણુ પ્રગટ થયા. તેમ મહાવિષ્ણુથી વૈરાટનારાયણ પ્રગટ થયા. તેનાથી આઠ આવરણવાળા અનેક બ્રહ્માંડો થયા. તે વૈરાટના નાભિમાંથી એક કમળ થયું તે કમળમાં બ્રહ્માએ પ્રગટ થઇ શ્રીહરિની આજ્ઞાથી ચૌદ લોકની રચના કરીને વચ્ચે મેરૂ પર્વત થાંભલાની જેમ રાખ્યો. વૈરાટની સાથે બે અસુરો ઉત્પન્ન થયા. તે પણ વૈરાટ જેવડા હતા. તે બ્રહ્માંડને ગજાવતા, ઇશ્વરોને ત્રાસ આપતા, ભૂખ્યા ચારેકોર દોડતા, વૈરાટને ઉપાડી ચાલતા થયા. ત્યારે વૈરાટ નારાયણે પિતા મહાવિષ્ણુને સંભાર્યા, સ્તુતિ કરી. તરત મહાવિષ્ણુ અનેક આયુધો લઇને આવ્યા. જોરથી શંખનાદ કર્યો. તે સાંભળીને સંકર્ષણ પ્રભુ વૈરાટ અને મહાવિષ્ણુ વગેરેનું રક્ષણ કરવા દિવ્ય ગદા લઇને આવ્યા.
જેનું મસ્તક વૈકુંઠધામને અડેલું, દશ હજાર હાથવાળા, દશ હજાર પગવાળા, હાથમાં બ્રહ્માંડને દડાની જેમ રમાડતા, એવા સંકર્ષણ સાથે બંને હિરણ્યકુર્ચ અને હિરણ્યઅંડ અસુરોએ ગદાથી ભયંકર યુદ્ધ કર્યું. અસુરોએ મહાવિષ્ણુને લલાટમાં ગદા મારી મૂર્છા પમાડી. પછી અસુરો બ્રહ્માંડને પકડીને સંકર્ષણ ઉપર ફેંકતા હતા. સંકર્ષણે ગદાથી તે બ્રહ્માંડને ભાંગી નાખ્યું અને હિરણ્યકુર્ચે અસુરની છાતીમાં ગદા મારી મૃત્યુદંડ આપ્યો. એટલે બીજો અસુર બ્રહ્માંડની અંદર મેરૂ પર્વતમાં સૂક્ષ્મરૂપ ધારણ કરી ગુફામાં સંતાઇ ગયો. સંકર્ષણે તેની પાછળ મેરૂ પર્વતમાં આવી તેને પકડ્યો. અસુર ત્યાંથી માયાવી વિદ્યા કરી મેરૂની પ્રદક્ષિણા કરી, સંકર્ષણને પીઠમાં ગદા મારી, સંકર્ષણે પણ તેના માથામાં ગદા મારી. તે બંનેની ગદાથી મેરૂ પર્વતમાંથી અગ્નિ ઝરતો હતો અને પૃથ્વી જેવડા ટુકડા થઇ ચારેકોર પડતા હતા.
ચારેકોર લાગેલા અગ્નિને મહાવિષ્ણુએ અમૃતથી શાંત કર્યો. દશ, વીશ, પચીશ, ત્રીસ, ચાલીશ, પચાસ, સાઠ, સીતેર, એશી હજાર યોજનનાં તથા લાખ યોજનના ગ્રહો કાળા વર્ણવાળા, સ્વર્ગ નીચે આકાશમાં ઉડતા હતા. કેટલાંક કટકા પાણીમાં, કેટલાક કટકા વાયુમાં તારોડીયા થઇ રહેતા હતા. પછી સંકર્ષણે અસુરને જોરથી ગદા છાતીમાં મારી મૃત્યુને શરણ કર્યો. તે સમયે સંકર્ષણની ગદાથી મેરૂ પર્વતનો જમણો ભાગ ખર્યો તે એક લાખ ગાઉનો પૃથ્વીનો ભાગ ખારા સમુદ્ર સાથે થયો તે સાથે હિમાલય, મહેન્દ્ર, ઉરલ, આમ્રિક, અબ્રિકત વગેરે પર્વતો થયાં તથા સમુદ્રમાં હજારો બેટ થયા. એવી રીતે સાંઠ હજાર ગાઉનો ખારો સમુદ્ર થયો અને ચાલીશ હજાર ગાઉમાં પૃથ્વીનો ભાગ થયો. એક લાખ ગાઉનો ગ્રહ આકાશમાં થયો. તેમાં પણ કાળ પ્રમાણે જળ હોય ત્યાં સ્થળ થાય છે. સ્થળ હોય ત્યાં જળ થાય છે. વન હોય ત્યાં વસવાટ થાય છે અને વસવાટ હોય ત્યાં વન થાય છે. એવી રીતે હે રાધા સર્વ પરિવર્તન થાય છે. અત્યારે ભગવાન નરનારાયણ જ્યાં તપ કરે છે તે હિમાલયના પવિત્ર આનર્ત દેશમાં સૌરાષ્ટ્રમાં કુંકાવાવમાં અશ્વપટ સરોવર કાંઠે ગોપાલકૃષ્ણ અને કંભરાલક્ષ્મીથી પ્રાદુર્ભાવ પામેલા પરમેશ્વર અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શને જઇએ. સંકર્ષણના હાથે મરાયેલો અસુર તેની આ મેરૂ પર્વતની હિરણ્યમય ભૂમિ તેમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા તે પહેલાની આ બ્રહ્માંડની પૃથ્વીની ઉત્પત્તિની કથા તને કહી. તે આ પવિત્ર ભૂમિમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયેલા છે.