ભાગ · અધ્યાય ૬૫–૬૬

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો વૈશાખ સુદ ત્રીજમાં યજ્ઞોપવીત મહોત્સવ

આ અધ્યાય 65–66 સંયુક્ત છે

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણને આઠમે વર્ષે વૈશાખ માસમાં લોમશ ઋષિ ગોપાલકૃષ્ણને કહે : આ બાલકૃષ્ણ હવે ઉપવિત આપવાને યોગ્ય થયા છે. જે વેદના પ્રણેતા છે. જેણે બ્રહ્માને સર્વ સૃષ્ટિનું જ્ઞાન આપી સર્વ ધર્મ સમજાવ્યા છે. જેના સ્પર્શથી નરનારી પવિત્ર થાય છે. જેના સ્પર્શથી વૃક્ષવેલી, પશુ-પક્ષી, ભૂતપ્રેત, પિશાચ સર્વે શુદ્ધ થાય છે. તે પ્રભુ પણ આ લોકની રીતિ પ્રમાણે જનોઇ લઇને દ્વિજપણાને પામે છે. પિતા ગોપાલકૃષ્ણે આમંત્રણ પત્રિકા લખી મારા પુત્રને વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાને દિવસે ઉપવિત આપવાની છે તો સહકુટુંબ સાથે પધારજો.

પ્રભુના પાર્ષદોને પત્રિકાઓ લઇને સર્વસૃષ્ટિઓમાં, સર્વ ધામોમાં મોકલ્યા. સર્વ અવતારો મુક્તો, મુક્તાનીઓ સાથે આવજો, સર્વ ઇશ્વરો-ઈશ્વરાણી, પાર્ષદો-પાર્ષદાણીઓ, સેવકો સાથે આવજો, સર્વે દેવો, વિદ્યાધરો, ગાંધર્વો, ચારણો, કિન્નરો કુટુંબ સાથે પધારજો. ઋષિ-મુનિઓ, યતિ, બ્રહ્મચારીઓ, સાધુ-સાધ્વીઓ, સર્વે મારા પુત્રના યજ્ઞસૂત્ર ઉત્સવમાં આવી અને આશિર્વાદ આપશો. પછી અક્ષરધામના મુક્તોએ બ્રહ્મધામના, ગોલોકના, વૈકુંઠના, અમૃતધામના, ઇશ્વરલોક, સત્યલોકના વગેરે સર્વલોકના મહેમાનો માટે ભક્ષ્ય ભોજન, લેહય, ચોસ્ય વગેરે ખાવા-પીવાની દિવ્ય સામગ્રીઓ તેના ગંજના ગંજ કરતા હતા. તથા સર્વ લોકમાંથી રસોઇના પાત્રો આવતા હતા. આસન, પાગરણ, જમવાના પાત્રો વગેરે સર્વ ત્યાં આવતાં હતાં. ઘી, મધ, દહીં, રસ, અમૃતના કુંડો ભર્યા હતા. ગોળ, સાકરના પર્વતો કર્યા હતા તથા દાન ભેટ આપવા સોના-ચાંદીના રૂપિયાના પર્વતો કર્યા હતા. હીરા, મોતી, રત્નો, વસ્ત્રો, અલંકારોના ગંજ કર્યા હતા. તે સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિનારાયણ સર્વભક્તોને સંભારતા હતા. વૈશાખ સુદ ત્રીજે સવારે સર્વલોકના વાસી મહેમાનો આવ્યા. મુક્તો, અવતારો, ઇશ્વરો, સર્વદેવો, ચૌદલોકના વાસી, સ્થાવર જંગમ સર્વે તીર્થો આવતા હતા. બ્રહ્મપ્રિયા, કૃષ્ણપ્રિયા, દેવપ્રિયા, બ્રહ્મકન્યા, ઋષિકન્યા, જલકન્યા, નાગકન્યા, રાજકન્યા, કુબેરકન્યા, વાયુકન્યા, ઋતુ કન્યા, વિશ્વકર્માકન્યા વગેરે કરોડો અબજો કન્યાઓ આવીને અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંગલ કિર્તનો ગાતી હતી.

અનાદિશ્રીકૃષ્ણનારાયણને આઠમે વર્ષે ઉપવિત-જનોઇ આપી શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ઉપવિત મહોત્સવમાં દેશાંતરોથી અગણિત ઋષિઓ પત્નીઓ સાથે પધારતા હતા. તથા સાધુ-સાધ્વીઓ યતિ, બ્રહ્મચારીઓ, સતિ, યોગિનીઓ આવતાં હતાં. બ્રહ્મા સાવિત્રી સાથે, શંકર સતી સાથે ગણેશ, કાર્તિક, નંદી, યમ, વરુણ, કુબેર, ઇન્દ્ર વગેરે આવતા હતા. ગોપાલકૃષ્ણ સર્વેને દંડવત્, પ્રણામ, વંદન કરતા હતા. પછી પિતા ગોપાલકૃષ્ણ સર્વનો સત્કાર કરી કહે : આજ મારું મહાભાગ્ય છે. પરપુરુષોત્તમ નારાયણ મુક્તો સાથે મારે ઘેર વાસ કરે છે. અહોભાગ્ય જે મારે ત્યાં અવતારો, ઇશ્વરો, ધામધામના મુક્તો, વૈરાજનારાયણ, મહાવિષ્ણુ, બ્રહ્મા વગેરે સર્વે આવ્યા છે. ચૌદલોકના વાસી સર્વ દેવ-દેવીઓ આવ્યા છે. તેથી કંભરાલક્ષ્મી ધન્ય છે. અશ્વપટ સરોવર ધન્ય છે. કુંકુમવાપી ધન્ય છે. સૌરાષ્ટ્ર દેશ ધન્ય છે. જ્યાં પુરુષોત્તમ નારાયણ વાસ કરે છે અને તેના દર્શન કરવા પધાર્યા છે. આજ મારો જન્મ સફળ થયો. મારે ત્યાં બ્રહ્મસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, જીવસૃષ્ટિ સર્વ આવ્યા. એમ અભિવાદન કરી પિતા ગોપાલકૃષ્ણે સર્વેને યોગ્ય આસનો આપ્યા અને સર્વનું પૂજન કર્યું. પછી લોમશ ઋષિનું પૂજન કરી, ગણેશ સ્થાપન કરી સર્વ મંગલ માટે વિધિથી ગણેશ પૂજન કર્યું. પછી રાધા-લક્ષ્મી, શ્રી, માણિકી, પાર્વતી, પ્રભા, રમા, મંજુલા, હંસા, સગુણા, જયા, લલિતા, દયા તથા સતી, સાધ્વીઓની પૂજા કરી. માતા કંભરાલક્ષ્મીએ સર્વે દેવીઓની પૂજા કરી, પરસ્પર કુશળ સમાચાર પછી ભેટી મંદિરમાં ઉતારો આપ્યો તથા સર્વે કન્યાઓની પૂજા કરી.

પછી સર્વેની મહાસભા થઇ. તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણ પિતા સાથે સભામાં પધાર્યા. સર્વે અવતારો, ઇશ્વરો ઋષિ-મુનિઓએ સ્તુતિ પ્રાર્થના કરી, હે પ્રભુ તમે સાક્ષાત્ પરબ્રહ્મ બાલકૃષ્ણ સ્વરૂપે વિરાજમાન છો. તમે સર્વે અવતારોને ધારણ કરનારા છો. સર્વના સાક્ષી છો. સર્વ સૃષ્ટિઓના કારણ છો. નિર્લેપ છો, અમે સર્વે મહાવિષ્ણુ, વૈરાટ, ભૂમા, શેષનારાયણ, બ્રહ્મા વગેરે તમારી પાસે મચ્છર જેવા છીએ. અસંખ્ય બ્રહ્માંડો શેષનારાયણને આધારે રહે છે. શેષનારાયણ કૂર્મ પ્રભુને આધારે રહે છે. કુર્મ જલને આધારે, જલ તેજને આધારે. તેજ વાયુને આધારે. વાયુ ચીદાકાશને આધારે રહે છે. ચીદાકાશ અક્ષરને આધારે રહે છે. બ્રહ્મભાવ અને અક્ષર પરમેશ્વરમાં રહે છે. તે તમે પરબ્રહ્મ કંભરાસુત, ગોપાલ બાલરૂપે, અમારા સર્વના નયનગોચર વર્તો છો.

આ પ્રમાણે અવતારો ઇશ્વરોએ સ્તુતિ કરાયેલા બાલકૃષ્ણ પ્રભુએ અતિ તેજસ્વી સ્વરૂપે સર્વ અવતારોને દ્વિભૂજરૂપે દિવ્યદર્શન આપ્યા. પછી ઋષિ બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવી. લોમશ ઋષિની આજ્ઞાથી બ્રાહ્મણોને દાન આપતા હતા. પછી વિષ્ણુ, શિવ, ગણેશ, પાર્વતી, સૂર્ય, અગ્નિ વગેરે દેવોનું પૂજન કરી પિતા ગોપાલકૃષ્ણ પુત્ર બાલકૃષ્ણને વસ્ત્રો પહેરાવી કટીસૂત્ર કૌપીન ઉપવિત આપતા હતા. અને લોમશ ઋષિ ત્રણ વાર ગાયત્રી મંત્ર બોલાવીને મૌંજીબંધન, ઉપવિત વગેરે પહેરાવતા હતા અને મુનિધર્મનો ઉપદેશ આપતા હતા. પછી સર્વ દેવીઓએ ભિક્ષા આપી, આશિર્વાદ આપ્યા. ત્યાં આવેલા સર્વ બાલકૃષ્ણને આશિર્વાદ આપતા હતા. કન્યાઓ જનોઇના ગીત ગાતી હતી. પછી પિતા એ ગોત્ર પ્રવર વેદશાખા શીખવતા હતા. ગોત્ર તમે પોતે છો. અક્ષર શ્રીકૃષ્ણ શ્રીનારાયણ આ ત્રણ પ્રવરો છે. તમારા મુખેથી નીકળેલો વેદ શામ છે. શાખા પત્નીવ્રત્ત દ્વિજ છે.