ભાગ · અધ્યાય ૩૨

શ્રીબાલકૃષ્ણ પ્રભુની નવ ગ્રહોને આજ્ઞા - કોને નડવું - કોને ન નડવું

શ્રીકૃષ્ણ કહે : રાધા, પિતા ગોપાલકૃષ્ણે ફાગણ માસમાં વિઘ્ન શાંતિ માટે, વિષ્ણુયાગ કરી બ્રાહ્મણોને ભોજન કરાવી, દાન આપ્યા તથા બ્રાહ્મણો પાસે બાળકોની રક્ષા માટે ગૃહશાંતિ કરાવી. તથા દેવો અને માતૃકાઓનું પૂજન કરાવ્યું. શ્રીરાધાએ પૂછ્યું : હે પ્રભુ, તે બાલગ્રહ કોણ છે. બાળકોને કેમ પીડા કરે છે અને ગ્રહો કેમ થયા ? શ્રીકૃષ્ણ કહે : શંકરના ધાતુને પાર્વતીએ ગંગામાં ફેંક્યો. તે કાંઠે આવ્યો. તે તેજસ્વી હોવાથી તેને અગ્નિ માની ઋષિ પત્નીઓ તાપવા ગઇ. તેથી ગર્ભ રહ્યો અને કાર્તિક સ્વામિનો જન્મ થયો. તેથી ઋષિઓએ તેમને તજી દીધી. તે કાર્તિક પાસે આવી કહે : અમે પતિથી અને સ્વર્ગથી પતિત થયા હવે અમારે શું કરવું. તેથી હે પુત્ર તું અમારું રક્ષણ કરી ઋણરહિત થા.

કાર્તિક સ્વામિ કહે : અત્યારે ચંદ્રપત્ની રોહિણીની બહેન અભિજીત તે તપ કરવા ગઇ છે. તે નક્ષત્રનું સ્થાન ખાલી પડ્યું છે. તે સ્થાનમાં તમે રહો. એમ કહીને આકાશમાં કૃતિકા નામના નક્ષત્રમાં તે ઋષિપત્નીઓને વાસ આપ્યો. બ્રાહ્મી, મહેશ્વરી, વૈષ્ણવી, નારાયણી, ગાયત્રી, દુર્ગા અને માયા- આ સાત માતૃકાઓ છે તેનું પૂજન કરવાથી તે બાળકોનું રક્ષણ કરે છે તથા બીજા પણ પિશાચી મહા ગ્રહો છે. તે બાળકોને પીડા કરે છે. તે ગ્રહ- શાંતિ કરાવવાથી બાળકોનું રક્ષણ કરે છે. તે માતૃકાઓ સર્વે સોળ વર્ષ સુધી બાળકોનું રક્ષણ કરે છે. સોળ વર્ષના પછી ગૃહો, તેને નરગૃહો કહે છે, તથા દેવગૃહ, પિતૃગૃહ, માહેશ્વરો, રાક્ષસો, ગાંધર્વો, ગ્રહો, પિશાચો, યક્ષો વગેરે અનેક પ્રકારના ગ્રહો છે. તેનું જે અપમાન કરે છે તેને શાપ આપે છે. ભક્તિ કરનારા આળસ રહિત શ્રદ્ધાવાળા ભક્તને સાધુ-સાધ્વીને તે ગ્રહો નડતા નથી. જ્યાં હોમ હવન થતો નથી જ્યાં પ્રભુનું પૂજન થતું નથી ત્યાં ગ્રહો વાસ કરી નડતર કરે છે.

ગોપાલકૃષ્ણે કરેલા ગ્રહશાંતિમાં તે સર્વે ગ્રહો છવીશ સંખ્યાના હતા. તે સર્વે આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરીને દૂધપાક, પ્રસાદી જમ્યા. બાલકૃષ્ણ પ્રભુએ સર્વેને આશિર્વાદ આપી અશ્વપટ સરોવરમાં વાસ આપ્યો અને કહ્યું, મારા ભક્તોને, સાધુ-સાધ્વીને, બ્રહ્મનિષ્ટ વિપ્રોને જપ, તપ, વ્રત કરનારા, પુણ્ય, સત્કાર્ય કરનારાને, ગાય, વિપ્ર, સાધુની સેવા કરનારાને, ક્યારેય પણ તમારે ગ્રહ પીડા કરવી નહીં. નાસ્તિક, નિંદા કરનારા, હિંસા, ચોરી કરનારા, મદ્યમાંસ ખાનારા, ધર્મ વિનાના, એવા અસત્પુરુષોને તમારે પીડા કરવી. પછી પ્રભુની આજ્ઞાથી લોમશ ઋષિએ “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપી અને સર્વ ગ્રહોને કંઠી માળા પહેરાવી દિવ્ય વૈષ્ણવો બનાવ્યા અને કુંકુમવાપી ક્ષેત્રમાં વાસ આપ્યો. તે સર્વે ગ્રહો છાયા સ્વરૂપે આકાશમાં રહ્યા. શ્રીકૃષ્ણ કહે : રાધા, ગ્રહ શાંતિ નિમિત્તે આ પ્રભુનું દિવ્ય ચરિત્ર કહ્યું.