ભાગ · અધ્યાય ૧૭

બાલપ્રભુએ દૈત્યપત્નીઓનો ઉદ્ધાર કર્યો ❖ છ પ્રકારની ભક્તિ

શ્રીકૃષ્ણ કહે : રાધા, કંકતાલ દૈત્યો પાછા ન આવ્યા. એટલે તેની દશ હજાર પત્નીઓ કુંકુમવાપી લોમશ ઋષિના આશ્રમમાં આવી. ત્યાં સાધુ-સાધ્વીઓ વાસ કરતા. તેમાં કેટલાક ઉપવાસ કરનારા, કેટલાક ફલાહાર, કેટલાક કંદમૂળ ખાનારા, કેટલાક આત્મનિષ્ટાવાળા, આવા અનેક પ્રકારે તપ કરતા હતા. જ્યાં કંભરાલક્ષ્મી, ગોપાલકૃષ્ણ, બાલકૃષ્ણ પ્રભુ હોવાથી શાશ્વત શાંતિ, સુખ અને આનંદ વર્તાતો હતો. અશ્વપટ સરોવર કાંઠે રહેલા બગીચામાં અનેક દેવો ફળ પુષ્પોવાળા વૃક્ષોના રૂપ ધારણ કરી, પ્રભુની શોભારૂપી સેવા કરી રહ્યા હતા. તે દરેક વૃક્ષોમાં સર્વે કન્યાઓ, શ્રાવણ માસમાં હીંડોળો બાંધીને બાલકૃષ્ણ પ્રભુને ઝૂલાવતી હતી. વૃક્ષરૂપે રહેલા દેવો, બીજે રૂપે શસ્ત્ર હાથમાં લઇને બાલપ્રભુની રક્ષા કરતા હતા. દૈત્યપત્નીઓ આ દૃશ્ય જોઇને અતિ ક્રોધ પામી અને દેવો સાથે અસ્ત્રો શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગી. દેવો સ્ત્રીઓને મારતા ન હતા.

અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ દેવોનો અભિપ્રાય જાણીને તરત કાલ લક્ષ્મીનું રૂપ ધારણ કરી, હજાર હાથવાળા થઇ, શ્વેત હાથી પર બેસી, આકાશમાંથી પૃથ્વી પર આવ્યા. ત્યાં સર્વે દૈત્યપત્નીઓ ભય પામી. કેટલીકને હાથીએ મારી, કેટલીક શસ્ત્રોથી મરી ગઇ, તે સર્વેનું તેજ બાલપ્રભુમાં લય પામ્યું. પછી કાલ લક્ષ્મીનું રૂપ અદૃશ્ય થયું. પછી પ્રભુએ કિશોર સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે સર્વ બાકી રહેલી દૈત્ય પત્નીઓ પ્રભુને શરણે આવી. પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ અમને અનાથને શરણે લઇને કન્યાઓમાં વાસ આપો. અમને લોમશ ઋષિના આશ્રમમાં રાખી તમારી સેવા આપો. શ્રીહરિ કહે : તથાસ્તુ. પછી લોમશ ઋષિએ “ૐ શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” એ મંત્ર આપી. તુલસીની કંઠી, માળા આપી. આશ્રમમાં વાસ આપ્યો, તથા બાલકૃષ્ણ પ્રભુના ચરણકમળો ધોઇને પાણી પાયું. પ્રસાદીનું અન્ન આપ્યું અને પ્રભુ ભક્તિનો ઉપદેશ આપ્યો, સો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ધર્મવાળી કન્યા થાય. લાખ જન્મના પુણ્ય, ભક્તિ ભેળા થાય ત્યારે પ્રભુની પત્ની થવાનો યોગ આવે છે. તમે સર્વે સાક્ષાત્ પ્રભુ મળવાથી માયાથી રહિત થઇને, લક્ષ્મી સમાન થઇ છો. તેથી તમારે સર્વે ક્રિયા ભક્તિમય જ કરવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મારા આશ્રમમાં માયાના દોષ કામ, ક્રોધ, લોભ વગેરે બળીને ભસ્મ થઇ જાય છે. અહીં પશુને પણ રાગદ્વેષ થતા નથી. અહીં આશ્રમમાં વાસ કરનારા સર્વ દિવ્ય થાય છે.

માટે તમે સર્વ કન્યાઓ છ પ્રકારની પ્રભુની શરણાગતિ લઇને કેવળ પ્રભુનીજ ભક્તિ કરો. વિશ્વાસ - પ્રભુનો રાખવો. વરણં - પ્રભુને જ વરવું. ન્યાસ - પ્રભુમાં જ સર્વ અર્પણ કરવું. કાર્પણ્યં - પ્રભુને દીન-આધીન રહેવું. સ્થિરામતી - પ્રભુમાંથી સ્થિર બુદ્ધિ કરવી. અનુકૂલ વર્તન - મારા પ્રભુના ગમતામાં રહેવું. એવી રીતે વર્તીને કંભરાનંદન અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ધ્યાન, ભજન, પૂજન, નવધા ભક્તિ કરવા. તે પ્રભુ કર્તા-અકર્તા, અન્યથા કર્તા છે. સર્વનો ઉદ્ધાર કરનારા છે. દૈત્યોને પણ દૈવ બનાવે છે. દેવને મુક્ત સમાન બનાવે છે.