પાપનો નાશ કરી શાશ્વત શાંતિ આપનારું તીર્થ કયું છે ?
શ્રીકૃષ્ણ કહે : રાધા, એકવાર પ્રયાગમાં સર્વે ઋષિ મુનિઓ શ્રાવણમાં કુંભમેળામાં સ્નાન કરવા આવ્યા. ભારતનાં સર્વે તીર્થો, નદી, સરોવર, પર્વતો વગેરે તથા દેવો, દૈત્યો, માનવો પણ સર્વે કુંભસ્નાન કરવા આવ્યા. તેમાં બ્રહ્માના પુત્ર સનતકુમારને પાંચ વર્ષના તેજસ્વી જોઇ સર્વે નદીએ પૂછ્યું, સર્વે માનવો અમારામાં સ્નાન કરી પાપ મૂકી જાય છે. અમે બાર વર્ષે થતા પ્રયાગમાં કુંભસ્નાનમાં સર્વ પાપો ધોઇએ છીએ પણ સર્વ પાપ નષ્ટ થાય, બળી જાય અને શાશ્વત શાંતિ મળે એવું તીર્થ કયું છે ? સનતકુમાર કહે : એવું તીર્થ તો પરબ્રહ્મ પુરુષોત્તમ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે જ છે. જે સર્વ અવતારોના અવતારી છે. જે પરમધામના પતિ છે. જેના યોગથી સર્વના કલ્યાણ થયા છે. જે પ્રભુ અત્યારે અશ્વપટ સરોવર કાંઠે કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રગટ થયેલા છે. તે પ્રભુના દર્શનથી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે તેમજ શાશ્વત શાંતિ મળે છે.