શ્રીનારાયણ દ્વારા બ્રહ્માજીને જીવાત્માનાં મોક્ષ માટે જ્ઞાનઉપદેશ
જયામઘ કહે : દેવી સાંભળો. શ્રીકૃષ્ણની શક્તિ મહામાયા જેનાથી આ સૃષ્ટિ થયેલી છે. તે સર્વને મોહ કરનારી છે. તેને તરવા બ્રહ્માદિ દેવો, ઇશ્વરો પણ સમર્થ નથી. તે માયાને તરવા શ્રીકૃષ્ણનારાયણની આરાધના ભક્તિ પરાયણ થાય તો મનુષ્ય તરી જાય છે. એકવાર પરમભક્ત ઇન્દ્રદ્યુતિ બ્રાહ્મણને માયા જોવાનું મન થયું. લક્ષ્મીએ તેને દર્શન દીધા. બ્રાહ્મણે પૂછ્યું, તમે કોણ છો ? લક્ષ્મી કહે : હું મહામાયા છું મને દેવોમુનિઓ પણ જોઇ શકતા નથી તો મનુષ્ય ક્યાંથી જોઇ શકે. મારામાં અને નારાયણમાં જરા પણ ભેદ નથી. જ્ઞાન અને કર્મભક્તિથી જે અનાદિશ્રીકૃષ્ણનારાયણને ભજે છે તે ભક્તો મને માયાને તરી મોક્ષ મેળવે છે. બ્રાહ્મણે પૂછ્યું, તે પ્રભુને કેમ જાણવા ? લક્ષ્મી કહે : તે તો પ્રભુ જ કહી શકે. એમ કહી અદૃશ્ય થયા. શ્રીહરિએ કૃપા કરી પ્રગટ થઇને દિવ્ય કિશોર સ્વરૂપે દર્શન આપ્યા. બ્રાહ્મણ સ્તુતિ કરવા લાગ્યો, સગુણ નિર્ગુણરૂપને ધારણ કરનારા અનંતરૂપે રહેલા, સર્વના માતા-પિતા બંધુ સર્વસ્વ તમને નમો નમ: હે પ્રભુ તમારી ભક્તિ અને જ્ઞાન આપજો. પણ તમારી માયા ન આપશો. બ્રાહ્મણની સ્તુતિથી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સ્પર્શ કર્યો ત્યાં બ્રાહ્મણના દિવ્ય ચક્ષુ થયા. પ્રભુ કહે : આ મારા દિવ્ય સ્વરૂપનું હૃદયમાં સદા ધ્યાન કરજે. માયિક જગતનો સંગ તજી કાર્યકારણરૂપે રહેલો અન્વય વ્યતિરેક રૂપે રહેલો હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારી ભક્તિ કરજે. શ્રીકૃષ્ણવલ્લભ વિના અણુ પણ ખાલી નથી. પોતાના આત્માને બ્રહ્મરૂપ માની કરેલા કર્મો બ્રહ્મને અર્પણ કરતો રહે તો કર્મથી લેપાતો નથી. તેવું જ્ઞાન નહીં જાણવાથી મૂઢપણે શ્રીહરિનો આશરો શરણાગતિ લઇને ભજન ભક્તિ કરનારો પણ પરબ્રહ્મને પામે છે.
તે પ્રભુની આરાધના ભક્તિ કરનારો ભક્ત ઐશ્વર્ય વિભૂતિને પામે છે. પરબ્રહ્મ સ્વામિનારાયણ એવો હું મેં પૂર્વે વિરાટ સર્જ્યો. તેનાથી બ્રહ્મા વિષ્ણુરૂપ થયા. બ્રહ્માએ મહામાયાને જોઇને શ્રીહરિને કહ્યું. આ માયાને સૃષ્ટિમાં મોકલી સૃષ્ટિની વૃદ્ધિ કરો. જે નરનારી શ્રીહરિના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના, સાત્ત્વિક ગુણો તજી દેશે તેને આ માયા બંધન કરી વારંવાર સંસારમાં ભ્રમણ કરાવશે. જપ, તપ, યોગ, યજ્ઞ, દાન, પુણ્ય, સ્વાધ્યાય ઇશ્વરને અર્પણ કરનારાથી માયા દૂર રહેશે. મારા સાધુ, સાધ્વીની સેવા કરનારાને માયા બંધન કરતી નથી. મારો ભક્ત મારી માયા શક્તિ રૂપે રહેલી લક્ષ્મીનું પૂજન કરે છે તેને લક્ષ્મી યશ, ધન, બલ સર્વે આપે છે. તેથી પ્રવૃત્તિમાર્ગ અને નિવૃતિમાર્ગ બે કહેલા છે. નિવૃતિમાર્ગ તે જ્ઞાન પરાયણ છે. પ્રવૃતિમાર્ગ તે જો ભક્તિવાળો થાય તો પરમપદ પ્રાપ્ત કરાવે છે. નિવૃત્તિ માર્ગ જ્ઞાનપૂર્વક નિષ્કામ ભાવનાથી નિ:સ્વાર્થપણે સેવા કરે તો તે પણ મોક્ષને અપાવે છે.
દયા, ક્ષમા, શમ, દમ, નિર્લોભ, સરલતા, સત્ય, રાગદ્વેષથી રહિત સંતોષ, આસ્તિકપણુ, શ્રદ્ધા, ઇન્દ્રિયોનો નિગ્રહ, દેવતા પૂજન, અહિંસા, પ્રિયવાણી આ સર્વે સાધુના ધર્મ છે. તે સાધુ, યતિ, સતિ, બ્રહ્મચારી, ઋષિઓ, ત્યાગીઓ, યોગીઓ તે સર્વે ધર્મ પાલન કરીને વૈરાજપદને પ્રાપ્ત કરે છે તથા ભૂમાપુરુષ પદને અવ્યાકૃત ધામને પામે છે. આત્મા અને સર્વસ્વ અર્પણ કરનારા અને દૃઢ ભક્તિવાળા એવા બ્રહ્મઐશ્વર્યવાળા ભક્તો અનાદિશ્રીકૃષ્ણનારાયણના પરમધામને પામે છે.
પરબ્રહ્મને પામવાના બે માર્ગ છે. એક ત્યાગ માર્ગ છે. બીજો ગૃહસ્થ માર્ગ છે. ત્યાગ માર્ગ દેહ આત્માના વિવેક જ્ઞાનવાળો, આત્મતૃપ્તિવાળો, જ્ઞાનથી મોક્ષ મેળવનારો છે અને ગૃહસ્થ માર્ગ તે ભક્તિવાળો પ્રભુ સેવા પરાયણ છે. ગૃહસ્થને અનાસક્ત યોગી કહ્યો છે. હું આત્માબ્રહ્મ છું, પરબ્રહ્મનો ભક્ત છું આવી રીતે રહેનારો ગૃહસ્થ યોગીની જેમ નિર્લેપ રહે છે. એવી રીતે મેં પ્રજાને ત્રણ માર્ગ મોક્ષ માટે આપેલા છે. આ જ્ઞાન મેં બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ ઋષિઓ, મુનિઓને આપ્યું. તે દિવ્યજ્ઞાન વડે ભક્તિવાળા સાત્ત્વિક આત્માઓ પ્રભુને પામે છે. બીજા જીવ પ્રાણીમાત્ર માયાના ત્રણ ગુણના કર્મથી એકબીજા સાથે જોડાયેલા રહે છે. તે પરમેશ્વરને ઓળખી-જાણી શકતા નથી. તેથી માયાને પણ તરી શકતા નથી અને ચોરાશી લાખ યોનિના ભ્રમણમાં ભમ્યા કરે છે અને જે સાત્વીક મારા ભક્તો છે તે જીવનપર્યંત મારી ભક્તિ કરી વૈષ્ણવ ચિહ્ન તિલક, ચાંદલો ધારણ કરી લલાટમાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને ધારણ કરે છે. તે આ બ્રહ્મજ્ઞાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને ઇન્દ્રદ્યુતિ વિપ્રને આપ્યું. વિપ્રે જયામઘ રાજાને આપ્યું. જયામઘ રાજાએ પોતાની પત્ની ધનાલસાને આપ્યું.