પ્રભુએ સંતાપન રાક્ષસોનો ઉદ્ધાર કરી વિપ્ર બાળકોને સજીવન કર્યા
આ અધ્યાય 75–76 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, તાપી નદીકાંઠે હિરણ્યકેશ ઋષિ આશ્રમમાં હજારો બાળકોને વેદાભ્યાસ કરાવતા હતા. ત્યાં વનમાં સંતાપન નામે રાક્ષસ અનેક દૈત્યો સાથે રહેતો. તે તાપીમાં સ્નાન કરવા આવતા, વનમાં ફળફૂલ ખાવા, લાકડાં લેવા આવતા તે બાળકોને દૈત્યો મારી ખાઇ જતાં. એવી રીતે બસ્સો, ચારસો, છસ્સો બાળકોને મારીને સંતાપન રાક્ષસ અને તે દૈત્યો મારી ખાઇ ગયા. તેની આખા દેશમાં પણ ખબર પડી કે વનમાં રહેનારા રાક્ષસોએ આ બાળકોને મારી નાખ્યા. તેના હાડકાંનો મોટો ઢગલો નદીકાંઠે ખાડામાં જોઇને હિરણ્યકેશ ઋષિ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, આ બાળકોના માતા-પિતાને હું શું જવાબ આપીશ. હિરણ્યકેશ ઋષિએ કૌશાંબીક ઋષિથી કુંકુમવાપીનો પ્રગટ પ્રભુનો મહિમા જાણ્યો તેથી હિરણ્યકેશ ઋષિએ પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ આ રાક્ષસ દૈત્યોથી અમારું રક્ષણ કરી બાળકોને સજીવન કરો.
ઋષિની સ્તુતિ સાંભળી શ્રીહરિ ત્યાં જઇ દશ હજાર દૈત્યો અને સંતાપન રાક્ષસોને સુદર્શન ચક્રથી નાશ કરી, બાળકોને જીવતા કરી, બંને ઋષિને દિવ્ય દર્શન આપ્યા પછી દક્ષિણ નદીના તીર્થો કરવા ચાલ્યા. પાંચ હજાર દૈત્ય કન્યાઓ પ્રભુમાં મોહ પામીને પ્રભુને વરી હતી. પછી શ્રીહરિ ત્યાંથી મહાબલેશ્વર, કૃષ્ણા, તુંગભદ્રા, ભીમા નદીમાં સ્નાન કરી. શ્રી નિલગીરી પર્વત, એલાદ્રી, કૃષ્ણ, ગોદાવરી, મંજીરા, ચંદ્રાવતી, હુગલી, ગંગા, બ્રહ્મપુત્રા, ગંડકી, ગાગરા, યમુના, જેલમ, સિંધુ, નારાયણ સરોવર, ગોમતી, ભદ્રાવતી વગેરે અનેક નદીઓમાં સ્નાન કરી તીર્થો કરી કુંકુમવાપી પધાર્યાં.