ભાગ · અધ્યાય

શ્રીબાલકૃષ્ણ પ્રભુએ દેવ-ઇશ્વર આદિક સર્વેને અધિકારો આપ્યા

શ્રીકૃષ્ણ કહે : રાધા, પરમધામ અક્ષરધામ ગોલોક વૈકુંઠ વગેરે સર્વે ધામોના મુક્તો સર્વ ઇશ્વરો આકાશમાંથી કંભરાલક્ષ્મીના ગૃહ ઉપર પુષ્પવૃષ્ટિ કરતા હતા. વાજિંત્રો વગાડી ગીત ગાતા જયઘોષ કરતા હતા. સર્વ અવતારો ઇશ્વરો ભેટ મૂકી સ્તુતિ કરતા હતા કે, હે પ્રભુ, અમે તમારું આપેલું ઐશ્વર્ય ભોગવીએ છીએ. અમે સર્વે તમારાથી પ્રગટ થઇને તમારામાં જ લીન થયા છીએ, એવા સત્ય સ્વરૂપ તમને નમો નમ: પુણ્યશાળીને સ્વર્ગ અને મોક્ષ આપનારા, દેવ, દૈત્ય માનવમાં, પિશાચમાં, વૃક્ષવેલીમાં, પશુ-પક્ષીમાં, નરનારીમાં, ચાંડાલમાં સમાન ભાવ રાખનારા તમને નમો નમ:.

બીજા બ્રહ્માંડ કરતા આ બ્રહ્માંડના મહાભાગ્ય જે તમે અહીં અવતાર ધારણ કર્યો. તમારી કૃપા ન હોય તો સમ્રાટ હોય તે ભિક્ષુક બની જાય. તમારી કૃપા જેના પર થાય તે રાંક હોય તો રાજા બની જાય. તમારી ભક્તિ ન હોય તો તેજસ્વી પણ કાળો થઇ જાય. તમારી ભક્તિવાળો કાળો હોય તે તેજસ્વી થઇ જાય છે. સૌરાષ્ટ્ર ધન્ય છે. કુંકાવાવ અશ્વપટ સરોવર ધન્ય છે. અહીંના નરનારીઓ, વૃક્ષવેલી, કીટ, પતંગને ધન્ય છે, જેને તમારો નિત્ય યોગ છે. સર્વધામના દેવ, દેવીઓ અહીં સૌરાષ્ટ્રમાં કન્યાઓના જન્મ ધારણ કરી તમારી પાસે રહેશું. એવા વરદાન પૂર્વે પ્રાપ્ત કર્યા હતા. તેથી વૃક્ષવેલીઓ તે પણ દેવ દેવીઓના અવતારો છે તથા ગાયો બળદ વગેરે પશુઓ હંસ, સારસ, મેના, પોપટ, મોર, વગેરે પક્ષીઓ પણ દેવ, દેવીઓના અવતારો છે. તે સર્વે અશ્વપટ સરોવર કાંઠે અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન સ્પર્શથી મુક્ત સ્થિતિને પામેલા છે. આવા પરમધામ કુંકાવાવમાં વિરાજતા બાલસ્વરૂપ શ્રીહરિ પાસે સર્વ અવતારો, સર્વ ઇશ્વરોના દર્શન કર્યા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને જન્મદિવસે બ્રહ્માને પરમેષ્ટિ પદ આપ્યું. લોકરક્ષા માટે વિષ્ણુને વૈકુંઠ આપ્યું. શ્વેતદ્વિપ નારાયણને, ક્ષીરસમુદ્ર શેષનારાયણને આપ્યુ. સનતકુમારને ઋષિપણું, નારદને દેવર્ષીપણું આપ્યું. ઇન્દ્રને મહેન્દ્રપદ, ધર્મરાજાને યામ્યપદ આપ્યું. કુબેરને ધનાઢ્ય પદ, વરુણને વારૂણ પદ આપ્યું, એ રીતે સર્વ અવતારો ઇશ્વરો દેવોને અધિકારો આપી મુગટ પહેરાવ્યા. પછી સર્વેએ શ્રીહરિની પૂજા કરી. પછી ગોપાલકૃષ્ણ આખો દિવસ ગાયો, વસ્ત્ર, આભૂષણો, પાત્રોના દાન આપતા હતા તથા સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવી, અનેક દાન આપતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણના જન્મદિવસે ગોપાલકૃષ્ણ અનાજ, કઠોળ, મગ, અળદ, ઘી, તેલ, ચોખા, દાળ વગેરે રાત્રિ સુધી દીન, અનાથ, ગરીબોને દાન, ભોજન, સર્વ સામગ્રી આપતા હતા. ચૌદલોકના વાસી સર્વે શ્રીહરિના દર્શન કરી આશ્ચર્ય પામી, ભેટ અને દાન લઇને જતા હતા. પછી શ્રીકૃષ્ણ કહે : રાધા, લોકદર્શિત પ્રમાણે બાલ પ્રભુનું નાલછેદ મહામાયા અને મહાપુરુષે સ્વયં આવીને કર્યું પછી સ્નાન આદિ સંસ્કાર કર્યો પછી પ્રભુએ યોગ નિદ્રા ગ્રહણ કરી.