ભાગ · અધ્યાય ૩૯

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો છઠ્ઠો જન્મજયંતિ મહોત્સવ

અનાદિશ્રીકૃષ્ણનારાયણના છઠ્ઠા જન્મજયંતિ મહોત્સવમાં શ્રરાધાજીએ કૃષ્ણને કહ્યું, હે સ્વામિનાથ, આજે બાલકૃષ્ણનું દર્શન પૂજન કરવા જઇએ. શ્રીકૃષ્ણ ભગવાન પૂજાની સામગ્રીથી રથ તૈયાર કરી રાધાને રથમાં બેસાડી પોતે રથ ચલાવતા, ઇશ્વરોના લોક ઉલ્લંઘી સત્યલોકમાં થઇ પૃથ્વી પર આવ્યા. રાધા-કૃષ્ણના રથ પાસે સૂર્ય-ચંદ્રના તેજ ઝાંખા પડતા હતા. અશ્વપટ સરોવરકાંઠે કુંકુમવાપી બાલકૃષ્ણ પ્રભુને આંગણે આવી રાધાકૃષ્ણે બાલકૃષ્ણની પૂજા કરતાં સર્વે કન્યાઓને જોઇ. તે સર્વે કન્યાઓ રાધા કરતા અનેકગણી રૂપવાળી તેજસ્વી હતી.

રાધા કહે : આજ મારું ધન્ય ભાગ્ય. એમ કહી ગોલોકથી લાવેલા દૂધથી બાલકૃષ્ણને સ્નાન કરાવી સર્વ તીર્થજલથી સ્નાન કરાવી, વસ્ત્ર-અલંકારો, મુગટ, મોરપીંછ ધારણ કરાવી, અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, ચંદનથી પૂજા કરી, આરતી કરી, આશિર્વાદ આપ્યા, દુખણા લીધા. પછી ગોલોકથી લાવેલા પેંડા, બરફી, દૂધપાક, પૂરી, મિષ્ટાન્ન ભોજન કરાવી, રાધાજી અતિ આનંદ પામ્યા. પછી શ્રીકૃષ્ણે બાલકૃષ્ણને સુરવાલ પહેરાવ્યો, ખેસ ઓઢાડ્યો, હાર પહેરાવ્યા. મખમલની મોજડી પહેરાવી, છત્ર, ચામર વગેરે અર્પણ કર્યાં. બંસી આપી, સર્વે સિદ્ધિવાળી છડી અર્પણ કરી સ્તુતિ કરી કે, હે સર્વે અવતારના કારણ પુરૂષોત્તમ નારાયણ પરમધામના પતિ તમને નમસ્કાર. તમારા એક અંશમાં સર્વે ધામ અવતારો લય થાય છે. એવા તમને નમો નમ:, હે મહાયોગેશ્વર, સર્વજ્ઞ સાધુ, દયાળુ, સર્વરૂપે રહેલા તમને નમો નમ:, ભક્તો ઉપર કૃપા કરીને પ્રગટ થયેલા તમને નમો નમ: એવી રીતે રાધાકૃષ્ણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુની સ્તુતિ કરી, કંભરામાતા, ગોપાલ પિતાને નમસ્કાર કરી ગોલોક ધામ ગયા.

પછી વૈકુંઠથી લક્ષ્મીનારાયણ પૂજા કરવા આવ્યા. વાસુદેવાદિ, ચતુર્વ્યુહ, ભૂમાપુરુષ, નરનારાયણ ભગવાન, મહાવિષ્ણુ, શેષનારાયણ, મત્સ્ય, કુર્મ, વરાહ, કપીલ ભગવાન, હરિપૃથુ, દત્તાત્રેય, હંસ, નરસિંહ, ઋષભ, વામન, પરશુરામ, યજ્ઞ, રામ, હયગ્રીવ, નારદ, રાજ રાજવી વગેરે અવતારો આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની જય થાઓ. એમ કહી બાલકૃષ્ણ પ્રભુને અભિષેક કરી, પંચામૃતથી જલથી સ્નાન કરાવી, ચંદન, અક્ષતથી પૂજા કરી, ચાંદલો, તિલક કરી, પુષ્પહારો પહેરાવ્યા. પછી ધૂપદીપ, નવેદ્ય ધરી, બરાસ કપૂરની આરતી ઉતારી. પછી સર્વે દેવો, પિતૃઓ, ઋષિ-મુનિઓ, બ્રાહ્મણો, માનવો સર્વે બાલકૃષ્ણ પ્રભુની પૂજા કરવા આવ્યા. પ્રભુની પૂજા કરી પ્રસન્ન કર્યા પછી સ્થાવર જંગમ સર્વે તીર્થ, બાલકૃષ્ણ પ્રભુની પૂજા કરવા આવ્યા. પ્રભુની પૂજા કરી પ્રસન્ન કર્યા. પછી સ્થાવર જંગમ સર્વે તીર્થ બાલકૃષ્ણ પ્રભુની પૂજા કરી આશિર્વાદ આપ્યા. પછી પિતા ગોપાલકૃષ્ણ, લોમશ ઋષિ, બ્રહ્મકન્યાઓ વગેરે શ્રીહરિની પૂજા કરી આશિર્વાદ આપ્યા પછી ગોપાલકૃષ્ણે સર્વે મહેમાનોને મિષ્ટાન્ન, ભોજન કરાવી તૃપ્ત કર્યા. સર્વે ગયા પછી એક યુગલ આવ્યું. નારી કાજળ જેવી, નર કોઢનો રોગી. તે પ્રભુ પાસે આવી કહે : અમારો ઉદ્ધાર કરો. શ્રીહરિએ જાણવા છતાં પૂછ્યું, તમે કોણ છો ? તમે શું પાપ કર્યું છે ? તમે કેમ રૂદન કરો છો ? તે પુરુષ કહે : અમે પૂર્વે જન્મમાં ગુજરાતમાં શ્રીનગરમાં દેવમંદિરમાં બ્રાહ્મણ પૂજારી હતા. શિયાળામાં સ્નાન કર્યા વિના દેવપૂજા કરવાથી તે અપરાધથી અતિ તાવ આવ્યો. મરણ પામીને સશ્વપચને ત્યાં જન્મ આવ્યો છે. પણ અમને પ્રભુની પૂજાના પુણ્યથી સ્વપ્નમાં તમારા દર્શન થયા કે, તમે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયા છો અને અમે સાંભળ્યું છે કે, તમે અનેક જીવાત્માના પાપ બાળી ઉદ્ધાર કર્યો છે તેથી અમે અહીં આવ્યા છીએ. આ સાંભળી શ્રીહરિ કહે : તમે અશ્વપટ સરોવરમાં સ્નાન કરી પાણી પીને મારું ચરણામૃત પીઓ. તેથી તમારો મોક્ષ થશે. તેથી તેઓ શ્રીનગરથી કુંકુમવાપી ચાલીને આવ્યા. તેના જેટલાં પગલાં થયાં તેટલાં યજ્ઞનું ફળ પુણ્ય પ્રાપ્ત કરી, દિવ્ય દેહધારણ કરી વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા.

શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રત્યક્ષ ભગવાન અને બ્રહ્મનિષ્ટ સંતના દર્શન કરવા જતાં પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. આ તને છઠ્ઠા વર્ષની જન્મજયંતિનું અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુનું ચરિત્ર કહ્યું.