શાવદીનનો પુત્રપ્રાપ્તિ માટે મહાકાલીને બાળકના બલિનો પ્રયત્ન
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચોથે વર્ષે માઘસ્નાનનો નિયમ નગરવાસીઓએ લીધો. અશ્વપટ સરોવરમાં વિપ્રો વગેરે સર્વે ઋષિઓ, માનવો, બાળકો રોજ સ્નાન કરતા. સરોવરમાં મોટાં મગર રહેતા. તે પાંચ છ બાળકોને રોજ પકડતા તેથી સર્વે ભય પામતા. આરદેશનો શાવદીન રાજા તેને સો પત્ની હોવા છતાં પુત્ર ન હતો. તેથી તેના ગુરુ યતિદીને રાજાને કહ્યું, તારા ભાગ્યમાં પુત્ર નથી. તો મહાકાલી માતાને એક પુત્રનો બલિ ચડાવ તો તને પુત્ર લાભ થાય. રાજાએ પૂછ્યું, બલિ માટે બાળક કેવો જોઇએ ? યતિદીન કહે : પાંચ વર્ષનો તેજસ્વી, મત્સ્ય, ધનુષબાણ ચિહ્નવાળો, ચક્રવર્તી રાજા થાય એવો બાળક જોઇએ. રાજાએ એવો બાળક લાવવા શાવદીનને સૌરાષ્ટ્રમાં મોકલ્યો. તે મલિન વિદ્યાવાળો હતો. તે અશ્વપટ સરોવર આવી તેવા બાળક કંભરાનંદન અનાદિશ્રીકૃષ્ણનારાયણને જોઇ રાજા પાસે જઇ કહ્યું. રાજાએ યતિદીન વગેરેને અશ્વપટ સરોવર કુંકુમવાપી મોકલ્યા. તે સર્વે રોજ પાંચ-છ બાળકોનું અપહરણ કરી રાજા પાસે મોકલે. એવી રીતે ઘણા બાળકોને ઉપાડી ગયો. ગામમાં હાહાકાર થયો.
બાલકૃષ્ણ સ્નાન કરવા માતા સાથે અશ્વપટ સરોવર આવ્યા ત્યાં વિકરાળ મોટી દાઢ્યોવાળો જલમાનવ જોયો. તેણે બાલપ્રભુને પકડ્યા. પ્રભુએ બે સ્વરૂપ ધારણ કર્યા. ભક્તજનો ભય પામી ગામમાં જતા રહ્યા. લોમશ ઋષિને આવી કહ્યું, જલમાનવ બાળકોને, જનોને ત્રાસ આપે છે. તેના નાશ માટે શું કરવું. લોમશ ઋષિ ધ્યાન કરી કહે : યતિદીન, કાસદીન વગેરે પાંચ યતિઓ મલીન વિદ્યાવાળા અસુરો છે. તે રાક્ષસોના નાશ માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો અવતાર છે. એમ કહી શ્રીહરિને સંભાર્યા. પ્રભુ કિશોર રૂપ ધારણ કરી ગરૂડ પર બેસી ચક્ર લઇને આવ્યા. લોમશ ઋષિએ સર્વ વૃતાંત કહ્યું. શ્રીહરિ તરત અશ્વપટ સરોવર ગયા. ત્યાં સરોવરમાં જલ માનવ સાથે યુદ્ધ કરી ચક્રથી તેનું મસ્તક કાપી સરોવર બહાર ફેંક્યું. ભક્તજનો સર્વ જોઇને આશ્ચર્ય પામ્યા. બીજા ચાર યતિ પ્રભુને શરણે આવ્યા. પ્રભુએ તેમને અભયદાન આપ્યું. પછી પ્રભુ શ્રીહરિ આકાશ માર્ગે આરદેશ આવ્યા. જ્યાં પૃથ્વી રાતી, પાણી રાતુ, માનવો રાતા હતા. જ્યાં રાજા શાવદીન ગુરુ યતિદીન કાલિમાતા હતી ત્યાં આવ્યા. રાણી રાજકન્યાઓ બાલકૃષ્ણને જોઇને કહે : આ બાળક સર્વાંગે સુંદર કેટલો યોગ્ય છે. પ્રભુએ ત્યાં પાંચસો બાળકોને કેદમાં રાખેલા જોયા પછી રાજાએ સેનાપતિને કહ્યું, આ બાળકને પકડીને જેલમાં રાખો. કન્યાઓ શ્રીહરિનું બલિદાન થાય રાણીને પુત્ર થાય તેવું ઈચ્છતી હતી. સર્વ કન્યાઓ શ્રીહરિમાં મોહ પામી હતી તેથી પ્રાર્થના કરવા લાગી, હે શાવદીના મહાકાલી આ બાલકૃષ્ણનો બલિ ન થાય તો અમે એક માસ દૂધ પીને તારું વ્રત કરશું, રોજ પૂજન કરશું, પાંચ માળા ફેરવશું, તમને મિષ્ટાન્ન જમાડશું એ રીતે પ્રાર્થના કરતી હતી. શ્રીહરિએ બીજે સ્વરૂપે કુંકુમવાપીમાં આરદેશની સર્વ વાત કરતા હતા. લોમશ ઋષિ તે વાત સાંભળી આશ્ચર્ય પામતા હતા.