પુલસ્ત્ય ઋષિ દ્વારા પત્ની ઐલવિલાને ચાર યુગનાં ધર્મનું જ્ઞાન
આ અધ્યાય 84–85 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, બ્રહ્માના પુત્ર પુલસ્ત્ય તેની પત્ની ઐલવિલા હતી. તે તૃણબિંદુ ઋષિની પુત્રી હતી. મહાભક્તિવાળી તેણે એકવાર પતિને પૂછ્યું, પૂર્વે યુગ ધર્મ કેવા હતા ? પુલસ્ત્ય ઋષિ કહે : સત્યુગમાં ધ્યાન અને તપનો ધર્મ હોય છે. ત્રેતાયુગમાં જ્ઞાન અને યજ્ઞપરાયણ મનુષ્યો રહે છે. દ્વાપરયુગમાં એકલા યજ્ઞ, ધર્મ હોય છે અને કળીયુગમાં લોકો દાનપરાયણ જ થશે અને અતિ કળીયુગ વ્યાપે ત્યારે તપસ્વી તામસી થશે. દુષ્કાળ પડશે. અધર્મી, અસત્ય બોલનારા, ચોરી હિંસા કરનારા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એક પંક્તિમાં જમનારા થશે. બ્રહ્મહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા, બાળહત્યા થશે. વેદધર્મનો લોપ થશે. ગુરુઓ શિષ્યોનું હરણ કરનારા થશે. ઊચનીચ નાશ પામશે, નરનારીનો ભેદ નહીં રહે. વિપ્રો શુદ્ર જેવા થશે. શુદ્ર વિપ્ર જેવા થશે. માંસ, મદિરાનું સેવન કરી વ્યભિચાર કરનારા થશે, અંતે પ્રજા ધર્મકર્મથી રહિત થશે. માતા-પિતા, પતિ-પત્ની, કુટુંબ જેવું ક્યાંય જોવા નહીં મળે. દીક્ષા, મંત્ર, શાસ્ત્ર, ગુરુ, સર્વનો લોપ થશે. મનુષ્ય પશુની જેમ જીવન જીવશે. નારી બે વર્ષ ગૌરી, ત્રણ વર્ષે કન્યા, ચાર વર્ષે યુવતી, પાંચમે વર્ષ ગર્ભવાળી, વર્ષમાં બે વાર પ્રસૂતિવાળી થશે, મનુષ્યોનું દશ-બાર વર્ષે મરણ થશે. પત્ની ઐલવિલાને પુલસ્ત્ય ઋષિ કહે : પછી પ્રભુ યુગપરિવર્તન કરવા પૃથ્વી પર પ્રગટ થાય છે. ઐલવિલા કહે : તે પ્રભુ આપણને કેમ મળે ? ઋષિ કહે : તપ અને ભક્તિથી પ્રભુ પ્રાપ્ત થાય છે. આ સાંભળી ઐલવિલા અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રસન્ન કરવા સહ્યાદ્રિ પર્વત પર તપમાં બેસી ગઇ.
પતિએ આપેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિનારાયણનો મંત્ર જપ કરતી ઐલવિલા પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણ તેની જપ, તપ, ભક્તિથી પ્રસન્ન થઇ અનેક સ્વરૂપે તેની પાસે રહેતા. ઐલવિલાને તપ કરતા માથે રાફડો થયો. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, શંકર દેવો આવી કહે : તારે શું જોઇએ. ઐલવિલા અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જપ કરતા કહે : હું તો જેનો જપ કરું છું તેની પાસે વરદાન માંગીશ. ત્યાં પ્રભુએ સાક્ષાત્ પ્રગટ થઇ દિવ્ય દર્શન આપ્યા. સાથે રાધા, રમા, પ્રભા, પાર્વતી, જયા, લલિતા, હેમંત, ભગવંત, દેવપ્રકાશ, કેશવ પાર્ષદે આવીને ઐલવિલાને માથે હાથ મૂકી આશિર્વાદ આપ્યા. દેવોએ શ્રીહરિની સ્તુતિ કરી. પછી ઐલવિલા કહે : પ્રભુ પુત્ર અને પુત્રનો વંશ આપો. જેથી વંશના યોગે યુગપરિવર્તન થાય. તમે પ્રગટ થાવ. તમારી ભક્તિ થાય અને જીવાત્માનું કલ્યાણ થાય.
ઐલવિલા કહે : પ્રભુ, સર્વ ધર્મમાં શ્રેષ્ટ ધર્મ સાધન કયો છે ? પ્રભુ કહે : જ્યાં પરમધામનાં પતિ પ્રગટ થયેલા છે એવા કુંકુમવાપી ક્ષેત્રમાં મારા ભક્તો જ્યાં વાસ કરી મારું ભજન કરે તેને કાંઇ સાધન જપ-તપ કરવું બાકી રહેતું નથી. પરંતુ મુમુક્ષુ પુણ્યવાળા, ભક્તિવાળા, દિવ્યદૃષ્ટિવાળા જ ભક્તો મને જાણી શકે છે. તમોગુણવાળા અજ્ઞાનીઓ અને મારી અક્ષરભૂમિને જાણી શકતા નથી અને મને પામી શકતા નથી. હું યજ્ઞથી, દાનથી, પુણ્યથી, વ્રતથી, વિદ્યાથી, પ્રાપ્ત થતો નથી પણ પરાભક્તિથી પ્રાપ્ત થાઉં છું તથા હું જ્યાં જ્યાં વિચર્યો છું તે નદી, પર્વત, તળાવ, સરોવર વગેરે તીર્થોથી જીવાત્મા મારી ઉત્તમગતિ, અક્ષરગતિને પામે છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણના મુખેથી આવો મહિમા સાંભળીને ઐલવિલા અતિ આશ્ચર્ય પામી અને સર્વ ઇશ્વરોના ઇશ્વર, સર્વે અવતારોના અવતારી એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન-સ્મરણ કરવા લાગી.