ભાગ · અધ્યાય ૧૯૪

વરસિંહ રાજાની વાશીલાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુ પાલનાદ ઋષિ સાથે વરસિંહ રાજાની પ્રાર્થનાથી વિમાનમાં બેસી વાશીલાનગરીમાં આવ્યા. રાજારાણી-પ્રધાનો વગેરેએ નારાયણને હાર પહેરાવ્યા. પ્રજાએ પુષ્પોથી વધાવ્યા. વરસિંહ રાજાએ શ્રીહરિના ચરણને ધોઇ પાણી પીધું. પછી યંત્રવાળી ગાડીમાં બેસાડી નગરમાં ફેરવ્યા. માર્ગમાં, ચોકમાં, શ્રીમંતો, નગરજનો શ્રીહરિની પૂજા કરતા હતા. સ્ત્રીઓ કૃષ્ણવલ્લભની યશકીર્તિનું ગાન કરતી હતી. પછી પ્રભુએ મહેલે આવી મોટી સભા કરી ઉપદેશ આપ્યો. પરમેશ્વર કૃપા કરી પૃથ્વી પર આવે છે, તે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું. સર્વ અવતારોનો ધારણ કરનારો હું સ્વામી કૃષ્ણવલ્લભ સર્વને આ લોકમાં દર્શન આપું છું. જ્યાં મારો વાસ થાય છે ત્યાં તે ભૂમિ વૈકુંઠતુલ્ય થાય છે. જ્યારે રાજા નીતીધર્મવાળો હોય ત્યારે સત્યુગ પ્રવર્તે છે. જ્યારે રાજા ધર્મઅંશ તજે ત્યારે ત્રેતાયુગ પ્રવર્તે છે. ખેતી ખેડ્યા વિના મોક્ષ મોલ થતા નથી. રાજા ધર્મનું અર્ધુ પાલન કરે ત્યારે દ્વાપર યુગ પ્રવર્તે છે. વૃક્ષમાં, ખેતીમાં સર્વ રસોમાં અર્ધુ થવા માંડે છે. અને રાજા ધર્મ તજી અધર્મ આચરે ત્યારે કળિયુગની પ્રવૃત્તિ થાય છે. પ્રજા અધર્મ પરાયણ થાય છે. સર્વના મન ભિક્ષુક થાય, સર્વ વર્ણ નોકર થાય, વર્ણશંકરતા આવે, સત્કર્મો ઓછા થાય, વેદવાર્તા સાંભળવા ન મળે. સર્વે ઋતુઓ દુ:ખકારી થાય સર્વજનો રોગી થાય. વૃષ્ટિ ઓછી થાય. માટે યુગકાળનું કારણ રાજા કહેવાય છે. દુષ્ટનો સંગ ન કરવો. સ્ત્રીનું સેવન અતિ ન કરવું. પથ્ય ખાવું અપથ્ય ન ખાવું. વિચાર્યા વિના દંડ ન દેવો. ગુપ્ત જાહેરાત ન કરવી. ગુરુને પૂજ્ય માનવા. દેવનું પૂજન, ભક્તિ કરવા. મોક્ષને માટે, શાંતિને માટે સંતની સેવા કરવી. મનુષ્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષ તે સર્વ મારામાં અર્પણ કરવાથી આ લોકમાં સુખી થાય છે અને પરલોકમાં પણ તેની સદ્ગતિ થાય છે. માટે સર્વકાર્યો મારા આશ્રિતોએ, રાજા-પ્રજાએ મારા લેખે કરવા જેથી ભુક્તિ અને મુક્તિ બંને પ્રાપ્ત થાય. એમ ધર્મનો ઉપદેશ આપી શ્રીહરિએ મંત્ર આપ્યા પછી રાણીએ પ્રભુની પૂજા કરી પાંચ કન્યા પ્રભુને અર્પણ કરી. પછી ભોજન કરી રાત્રિ વિશ્રામ કરી સવારે નિત્ય વિધિ કરી દૂધપાન કર્યુ.