ભાગ · અધ્યાય ૮૩

જયધ્વજ રાજાનો પર્વતોને બ્રહ્મઉપદેશ - રાજાની મોક્ષગતિ

શ્રીકૃષ્ણ કહે : રાધા, ચાર પર્વતોએ જયધ્વજ રાજાને પૂછ્યું, તમે અનાદિશ્રીકૃષ્ણનારાયણના ભક્ત છો, માટે કહો મનુષ્ય પાપરહિત થઇ, માયા કેમ તરી જાય અને કોના સમાગમથી મુક્તિ થાય ? આલોકમાં નિર્લેપ કેમ રહેવાય ? જયધ્વજ રાજા કહે : મેં ઋષિમુનિઓ પાસેથી મેં લક્ષ્મીનારાયણ સંહિતાની કથામાં સાંભળ્યું છે કે, તીર્થમાં પાપ નષ્ટ થાય છે. તે તીર્થ સ્થાવર જંગમ બે પ્રકારના છે. સંતતીર્થ, આત્માતીર્થ મહાન છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ તીર્થ ઉત્તમમાં ઉત્તમ છે. ભક્ત સંત, સાધ્વી, યોગી, ધ્યાની, જ્ઞાની, વૈરાગી, સંન્યાસી આ સર્વ તીર્થો ચેતન આત્માઓને તારનારા છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીહરિના યોગવાળા એવા પશુ-પક્ષી, વૃક્ષવેલી, વાડી, ખેતર, ગામ, શહેર, વન, પર્વત, નદી, તળાવ, સરોવર, સમુદ્ર, સર્વે શ્રીહરિના યોગથી તીર્થ રૂપ છે, અને તારનારા છે તથા શ્રીહરિને ધારી રહેલા સંત તે આત્મા, પરમાત્માનું જ્ઞાન આપી જીવાત્માને દિવ્ય બનાવીને માયાના દુર્ગુણો, દોષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, તૃષ્ણા વાસનાનો નાશ કરે છે. એવા બ્રહ્મનિષ્ટ સંત શ્રીહરિ સમાન છે.

સંતપુરુષ સંસાર સમુદ્રમાં નૌકારૂપ થાય છે. જ્ઞાનરૂપી દીપક બને છે. માયાના ઝેરને ઉતારે છે. મહાભવ રોગને નાશ કરવામાં સંત ધન્વંતરી છે. જેમાં નારાયણ મૂર્તિમાન રહે છે. તેથી સાધુ-સાધ્વી, ગુરુ તીર્થ મહાન કહ્યાં છે. કાષ્ટને યોગે લોઢું જેમ તરે છે તેમ સંતને યોગે પાપી તરે છે. કમળને જેમ પાણીનો લેપ લાગતો નથી, તેમ જ્ઞાની ભક્તને સંસારના કોઇ કર્મનો લેપ લાગતો નથી. જેમ તેલ પાણીમાં ઉપર તરે છે. તેમ જ્ઞાની પાપીની મધ્યમાં પણ પાપથી રહિત રહે છે. જ્ઞાન સંસારના પાપ કર્મને બાળે છે. તેમ જેને સુખમાં રાગ થતો નથી. દુ:ખમાં દ્વેષ થતો નથી, તે સંસારના કોઇ કર્મોથી લેપાતો નથી. જેને સંસારના કોઇ પદાર્થની ઈચ્છા નથી તે કર્મમાં બંધાતો નથી. જેના સર્વે ભોગ ભગવાનમય છે. જેણે દેહ ઈન્દ્રિયોની અંત:કરણની ક્રિયા કૃષ્ણાર્પણ કરી છે. તે પાપ અને પુણ્ય કર્મમાં નિર્લેપ રહે છે. આવા રાગદ્વેષથી રહિત તૃષ્ણા વિનાના શાંત જ્ઞાની સંત ભક્તથી શાશ્વતશાંતિ અનુભવાય છે. તેથી મોક્ષની ઈચ્છાવાળાએ ક્ષણિક સુખની અપેક્ષા ન રાખવી, પણ જડતા અજ્ઞાનનો ત્યાગ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી દિવ્યરૂપ થઇ શાશ્વત સુખ- શાંતિ મેળવવી.

હે પર્વતો, તે પ્રભુ અત્યારે અશ્વપટ સરોવર કાંઠે કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રગટ થયેલા છે. તેના દર્શન કરી દિવ્ય થાવ. જયધ્વજ રાજાના આ બ્રહ્મઉપદેશને સાંભળી ચાર પર્વતો રાજાને પગે લાગીને જતા હતા. ત્યાં કોલાર સરોવર, ચીલ સરોવર, શંભલ સરોવર, નારાયણ સરોવર આ ચારે સાથે સર્વે જયધ્વજ રાજા સાથે કુંકુમવાપી આવ્યા. અશ્વપટ સરોવરમાં સ્નાન કરી લોમશ ઋષિ પાસેથી “ઓં નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” એ મંત્ર ગ્રહણ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી ચરણામૃત પીધું અને પ્રાર્થના કરી હે પ્રભુ અમારો મોક્ષ કરો. શ્રીહરિએ કૃપા કરી તે સર્વેના ત્રણ રૂપ કર્યા. એક રૂપે તેના સ્થાનમાં વાસ આપ્યો. બીજે રૂપે પોતાના પાસે રાખ્યા. ત્રીજે રૂપે ધામમાં વાસ આપ્યો. જયધ્વજ રાજા પણ માગશર માસ એક મહિનો પ્રભુની સેવા કરીને શ્રીહરિના વિમાનમાં બેસી પરમપદને પામ્યો.