બાલપ્રભુ અને સૂર્યદેવ દ્વારા ઉર્જવૃતની કોઢના રોગથી મુક્તિ
પૂર્વે સ્તંભપુરમાં રાજ્યનો કર્મચારી ઉર્જવૃત નામે કાયસ્થ હતો. લેખ લખવાનું કામ કરતો. ખોટા લેખ લખી ધન ભેગું કર્યું તેથી કોઢનો રોગી થયો. દવા કરવા છતાં રોગ મટ્યો નહીં. ત્યારે પ્રભુનો જપ કરતો તીર્થ કરવા નીકળ્યો. દ્વારિકા, સોમનાથ, સરસ્વતી તીર્થ કર્યા પણ રોગ ન મટ્યો. માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે, હે રામ, હે કૃષ્ણ મેં પાપ કર્યું છે તેથી મને રોગ થયો હવે મારું રક્ષણ કરો, રોગ નાશ કરો. એમ પ્રાર્થના કરી ત્યાં પ્રભુ વિપ્રવેશે આવી કહે, “નમો બ્રહ્મ સાવિત્રે તે કુષ્ટહંત્રે નમો નમ:” આ સૂર્યમંત્રનો જપ કર. તેથી ઉર્જવૃત જપ કરવા બેસી ગયો. ત્યાં તેજસ્વી સૂર્યનારાયણે આવી દર્શન દઇ કહે અશ્વપટ સરોવરમાં સ્નાન કરી એક લાખ સૂર્યમંત્રનો જપ કરવાથી તારું પ્રાયશ્ચિત થશે અને રોગ નષ્ટ થશે. માટે અક્ષરધામ તુલ્ય કુંકુમવાપી ક્ષેત્ર જઇને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો આશ્રય કરી ભજન અને મંત્ર જપ કરજે. ઉર્જવૃત અશ્વપટસરોવર આવી સ્નાન કરી આંકડાના વૃક્ષ નીચે જપ કરવા બેસી ગયો. એકવીશ દિવસે જપ પૂરા થયા અને સૂર્યનારાયણ અને અનાદિશ્રીકૃષ્ણનારાયણ બંને તેજસ્વી બાળસ્વરૂપે આવી દર્શન આપી સ્પર્શ કરી તેનો રોગ નષ્ટ કર્યો. ઉર્જવૃતે ચરણમાં પડી નમસ્કાર કર્યા. સૂર્યે કહ્યું, તું અહીં મારું મંદિર કરાવજે. અહિં જે સ્નાન કરી દાન કરશે અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરશે તે કોઢના રોગથી મુક્ત થશે. ત્યાં સર્વરોગને નાશ કરનારું સૂર્ય તીર્થ થયેલું છે. પછી તે કાયસ્થે સૂર્ય આજ્ઞાથી ત્યાં સૂર્યમંદિર કરાવી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી અક્ષરધામમાં ગયો.