ભાગ · અધ્યાય ૫૨

વિશ્વાવસુ ગાંધર્વે પોતાની ત્રણસો કન્યા અનાદિશ્રીકૃષ્ણનારાયણને અર્પણ કરી

શ્રીકૃષ્ણ કહે : રાધા, કરોડો અસુરોનો નાશ થયો, ત્યારે બાકી રહેલા અસુરોમાં હાહાકાર થયો અને કહેવા લાગ્યા, આપણો રાજા ન્યાય વિનાનો છે, અધર્મી છે. આટલી સંપત્તિ, રાજ્ય પત્નીઓ છે, છતાં વધારે તૃષ્ણા રાખી દેશ, રાજ્ય, કુટુંબ, સંપત્તિ સર્વનો નાશ નોતરે છે. કૂતરો પોતાની શેરીનો રોટલો મૂકી ગર્વથી બીજી શેરીમાં રોટલો ખાવા જાય, ત્યાં બીજા કૂતરાં ફાડી-ચીરી મારી નાખે. પાડો પોતાના ખેતરનું ઘાસ છોડીને અભિમાનથી જંગલમાં જાય ત્યાં સિંહ ફાડી ખાય. રાજ્ય, સંપત્તિ, શરીર, ભોગ, વિલાસ સર્વે ક્ષણિક છે. એવું જાણીને પોતાનું કલ્યાણ સાધે તો ક્યારેય પણ અધ:પતન ન થાય. ગર્વથી, તૃષ્ણાથી, અતિભોગથી, ઈચ્છાથી, ચારેકોર દોડતો ફરે તો કાળના ઝપાટામાં આવીને કલ્યાણના માર્ગથી પડી જાય છે.

શ્રીકૃષ્ણ કહે : રાધા ઘર, કુટુંબ, પતિ-પત્ની, સંતાન, સંપત્તિ તે બંધન કરતા નથી પણ તે સર્વમાં વાસના તે બંધન કરે છે. જ્ઞાન વિના અશાંતિ અને રાગ રહે છે. ગર્વ કરનારાને સર્વ દોષ ભક્ષણ કરી જાય છે. તામસી વૃત્તિવાળા અસુરો, દૈત્યો, મ્લેચ્છો, દાનવો જગતને ઉદ્વેગમાં મૂકી દે છે. સૈન્ય અને યુદ્ધ રક્ષણ માટે છે, પ્રજાના નાશ માટે નહીં, તેથી સર્વે તૃષ્ણા વાસનાનો નાશ કરવો, કામતૃષ્ણા યુગલને જેલમાં જકડી રાખે છે. લોભ, તૃષ્ણા, પ્રવૃત્તિના પ્રવાહમાં લઇ જાય છે. મોહ, તૃષ્ણા, પ્રાપ્તિના પ્રવાસમાં દોડી જાય છે. ક્રોધ, તૃષ્ણાવિવાદ અને કલેશમાં નાખે છે. મદ, તૃષ્ણા, અહં મમતા કરાવે છે. જ્ઞાનીઓ અજ્ઞાની બંને યુદ્ધ કરે છે. તેમાં અજ્ઞાનીઓ પશુની જેમ દેહ માટે અને વિષય મેળવવા માટે યુદ્ધ કરે છે. જ્ઞાનીઓ માયાના દુર્ગુણો, દોષરૂપી જે શત્રુઓ તેની સાથે યુદ્ધ કરી જિતેન્દ્રિય બને છે. પૂર્વે ચિત્રકેતુ, યયાતિ, નહુષ વગેરે રાજાઓ અનેક પત્નીઓ સંપત્તિ હોવા છતાં તૃષ્ણાથી તૃપ્તિ ન પામ્યા અને નરનારાયણ ભગવાન, કપિલ ભગવાન, દત્તાત્રેય ભગવાન, લોમશ ઋષિ, સનકાદિકો સદા તપમાં રહી તૃપ્તિ પામ્યા. સતી શંકરમાં સદા તૃપ્ત રહ્યા. સાધુ- સાધ્વીઓ શ્રીહરિમાં સદા તૃપ્ત રહે છે. એકવાર વિશ્વાવસુદેવ ત્રણસો કન્યા લઇને સ્વયંપ્રકાશ ઋષિને દેવા આવ્યા. સૂર્ય જેવા તેજસ્વી મુનિને પગે લાગી કહે, તમે શ્રીકૃષ્ણનારાયણના શિષ્ય મહાયોગી ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છો. અનેક રૂપને ધારણ કરનારા છો. તો આ મારી ત્રણસો કન્યાઓ તમારે યોગ્ય છે. તેને ગ્રહણ કરો. તેનું કલ્યાણ થાય, જો તમારું મન માનતું હોય તો, તેજસ્વીઓને લાલન-પાલન કોઇ દબાવી શકતું નથી.

સ્વયંપ્રકાશ કહે : તારું માનસ સત્ય છે. કન્યાઓનું કલ્યાણ કરવું તે પિતાનો ધર્મ છે, પરંતુ જેને કન્યાની ઈચ્છા હોય તેને કન્યા આપવી. પણ જેને કન્યાની ઈચ્છા ન હોય તેને કન્યા આપવાથી કન્યાને ક્લેશ થાય છે. હું આત્મા, જન્મ, મૃત્યુ, રાગ, દ્વેષ, હર્ષ, શોક વગેરે દ્વંદ્વથી રહિત છું. શરીર દ્વંદ્વથી ભરેલું છે. સવારે, બપોરે, સાંજે, મળ, મૂત્ર, પરસેવો, થુંકવું, લાળલીટ, છીંકવું થયા જ કરે છે તે દેહની શુદ્ધિમાં જ સમય ચાલ્યો જાય છે. અને આ દેહની શાંતિના પરિશ્રમમાં જ, ભોજનમાં જવા આવવામાં મારો સમય જાય છે. તો હે વિશ્વાવસુ ગંધર્વરાજ તારી ત્રણસો કન્યાઓને શાંતિ સુખ આપવાનો મારી પાસે સમય જ ક્યાં છે. એક દેહની સેવામાં પણ પાર પહોંચતો નથી, તો ત્રણસો દેહની સેવા કરવાથી પાર કેમ આવે ? માટે મારી તો જરા પણ ઈચ્છા નથી. હું તો આત્મસુખથી પૂર્ણ છું. પછી વિશ્વાવસુ ગંધર્વે ત્રણસો કન્યાઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને અર્પણ કરી. તેથી જ્ઞાની, યોગીઓ ક્યારે પણ કલેશ માયાના દોષમાં પડતા નથી. ધન, સ્ત્રી, રાજ્ય, વિષયો તે સર્વે કલેશ આપનારા છે.