સ્તોકહોમ રાજાની ઉમાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુ સ્તોકહોમ રાજાની પ્રાર્થનાથી તેના દેશમાં ઉમાપુરીમાં જવા તૈયાર થયા. શ્રીહરિ સ્વાદન ઋષિ સાથે વિમાનમાં બેઠા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ઉમાપુરીમાં સ્તોકહોમ રાજા અને પ્રજાએ જયઘોષથી, પુષ્પહારથી સ્વાગત કરી ફળ, ફુલથી, ચોખાથી વધાવ્યા. પછી રાજાએ પ્રભુની પૂજા કરી ચરણામૃત પીધું પછી શ્રીહરિને હજાર ફેણવાળા શેષનારાયણની શોભાવાળા રથમાં પધરાવીને તે રથને સાઇઠ માનવો વહન કરતા હતા. પ્રભુ રાજમાર્ગ પર ચોકમાં સર્વ નરનારીઓને દર્શન આપી રાજમહેલમાં આવ્યા. દૂધપાન કરી સિંહાસને બેસી સર્વને ઉપદેશ આપવા લાગ્યા, રાજા-પ્રજાએ પરમેશ્વરનું પૂજન સદા કરવું. હું બંનેમાં રહેલો છું. તેથી તમો ભુક્તિ અને મુક્તિ બંને પર વિજય મેળવશો. નિર્માની જીતેન્દ્રિય ધીરજવાળો ક્ષમાવાળો શાશ્વત ગતિને પામે છે. સત્યવ્રતવાળો બ્રહ્મનું ચિંતન કરનારો સંતોષી યજ્ઞ કરનારો મારા લોકને પામે છે. મારા ધાર્મિકજનો જ્યાં વસે છે. ત્યાં હું ગુપ્ત રીતે તેના રક્ષણ માટે વાસ કરૂં છું. રાજા-શ્રીમંત પ્રજાજનોએ અનાથ, કૃપણ, વૃદ્ધ, સ્ત્રી અને સેવા કરનારા તેની અન્નવસ્ત્રથી સેવા કરવી. પાપ નાશ કરનારા, મોક્ષ આપનારા, શુધ્ધ સાધુ, ગુરુમાં વનનાં હિંસક પશુઓ પણ વિશ્વાસ કરે છે.
ત્યાગી એવા સાધુની સેવાથી મોક્ષ થાય છે. માટે ધનવાન પુરૂષોએ પોતાના શહેરમાં ત્યાગી-તપસ્વી સાધુઓને વાસ આપવો તથા રાજાઓએ સર્વદોષનો નાશ કરનારા લોકરક્ષણ માટે સાધુને રાખવા. ધર્મનું પાલન કરનારો રાજા પણ સાધુ કહેવાય છે. અધર્મી રાજા નરકમાં જાય છે. માટે બુધ્ધિથી સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરે ત્યારે સુખી થાય છે. એક તૃપ્તિવાળો વનમાં આનંદથી રહે છે. બીજો અસંતોષી વનમાં દુ:ખી થાય છે. તૃપ્તિવાળો આત્મામાં પ્રસન્ન રહે છે, સાધુની જેમ રહેતો સર્વ દુ:ખથી રહિત થાય છે. કામ, ક્રોધ, હર્ષ, ભયનો, દંભનો ત્યાગ કરી સાધુની સેવા કરી શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી. માતાપિતા, ગુરુની પૂજા કરવાથી આલોકમાં યશ મળે છે. દશ શાસ્ત્રી કરતા એક આચાર્ય મહાન છે. દશ આચાર્ય કરતાં એ વિદ્યા આપનારા શિક્ષક મહાન છે. દશ શિક્ષક કરતા એક પિતા મહાન છે. દશ પિતા કરતાં એક માતા મહાન છે. માતાને પૃથ્વી સમાન કહી છે. માતાપિતા કરતાં આત્મા- પરમાત્માનું જ્ઞાન આપનારા, મોક્ષ આપનારા ગુરુ સર્વથી મહાન છે. માટે ગુરુનું અપમાન ન કરવું તથા માતા, પિતા, મિત્ર અને સ્ત્રીનું અપમાન, દ્રોહઘાત ન કરવો કારણ કે તેનું પ્રાયશ્ચિત નથી. શ્રીહરિનો ઉપદેશ સાંભળી સર્વ રાજી થયા. પછી પ્રભુએ ભોજન કર્યું. રાજાએ પૂજન કરી રાજકન્યા પ્રભુને અર્પણ કરી. રાજા-પ્રજાએ જય જયકાર કરી વિદાય આપી.