શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પંદર અને સોળમો જન્મજયંતિ મહોત્સવ
આ અધ્યાય 234–235 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં અતિ પ્રેમવાળી સર્વ બ્રહ્મપત્નીઓ શરદપૂનમના રાસોત્સવ પછી બાલકૃષ્ણ પ્રભુને જ સર્વે ક્રિયામાં સંભારતી અને વિરહાતુર થતી. પ્રાર્થના કરતી, હે પ્રભુ અમારે મંદિરે ક્યારે પધારશો. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની પંદરમી જન્મજયંતિ મહોત્સવ આસો વદ આઠમ આવી. શ્રીહરિએ વિશ્વકર્માને મંડપ રચવા આજ્ઞા કરી. વિશ્વકર્માએ કૃષ્ણવલ્લભને પગે લાગી અશ્વપટ સરોવરકાંઠે અનેક શોભાવાળો મહામંડપ તૈયાર કર્યો. બાલકૃષ્ણના શિષ્ય સ્વયંપ્રકાશ અવતારો અને ઇશ્વરોની સભા નિર્માણ કરાવતા હતા. પછી ગોપાલકૃષ્ણે શીવ-પાર્વતી, ગણેશ, લોમશ ઋષિ, સનત્કુમાર વગેરેને કહ્યું, તમે જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિમાં આમંત્રણ આપી આવો. અનાદિશ્રીકૃષ્ણનારાયણની જન્મજયંતિમાં સર્વે આવજો. મુક્તો સર્વધામમાં આમંત્રણ આપી આવ્યા. શંકર ભગવાન સત્યલોકમાં, પાર્વતીએ સાધ્વીઓને, લોમશ ઋષિ સર્વઋષિઓને, લક્ષ્મી સર્વદેવીઓને, સનત્કુમાર સર્વલોકમાં આમંત્રણ આપી આવ્યા. સર્વે મહેમાનો પરિવાર દાસદાસી પાર્ષદો સાથે આવ્યા.
શ્રીહરિ સવારમાં સ્નાન કરી માતાપિતા, વૃદ્ધોને, ગુરુને પગે લાગી હાથી પર બેસીને મંડપમાં આવ્યા. નરનારીઓ જયકાર કરતા હતા. સ્ત્રીઓ ગીતો ગાતી હતી. લોમશ ઋષિઓ વેદમંત્રો બોલતા હતા. શ્રીહરિની પૂજા કરી આશીર્વાદ આપ્યા. માતાએ તિલકચાંદલો કરી ચોખાથી વધાવ્યા. પિતાએ મુગટ ધારણ કરાવ્યો, બ્રહ્મપત્નીએ ચાંદલો કરી પુષ્પહાર પહેરાવી આરતી ઉતારી. ધામના મુક્તોની મુક્તાણીઓ આવી બાલકૃષ્ણની પૂજા કરી, આરતી કરી. પછી સર્વે અવતારોએ, રાધાકૃષ્ણે, લક્ષ્મીનારાયણે, ચતુર્વ્યુહ તથા ઇશ્વરોએ પણ પ્રભુની પૂજા આરતી કરી યથાયોગ્ય આસને બેઠા. બ્રહ્માદિદેવો, લોકપાલો, દિક્પાલો પ્રભુની પૂજા આરતી કરી ભેટ મુકી આસને બેઠા. સાધુ, સાધ્વી, સિધ્ધો, વિદ્યાધરો, ચારણ, ગાંધર્વો, કિન્નરો સર્વેએ પૂજા કરી. ભગવાન, પોપટ, વલ્લભ વગેરે દાન આપતાં હતાં. છડીદાર હેમંત-ભગવંત શ્રીહરિના મહા કિર્તનનો નાદ કરતા હતા. એ રીતે બપોર સુધી પૂજન, ગીત, સાકર, ખારેક, પ્રસાદ વગેરે થયા પછી સર્વે આમંત્રિત મહેમાનોને મિષ્ટાન્ન ભોજન, ભક્ષ્ય ભોજન, લેહ્ય, ચોસ્ય જમાડ્યા. સર્વે સૃષ્ટિના વાસી સભામંડપની શોભા જોઇ આશ્ચર્ય પામતા હતા. અક્ષરધામતુલ્ય સભા અને શોભા દેખાતી હતી. જ્યાં જુએ ત્યાં કૃષ્ણવલ્લભ શ્રીહરિ જ દેખાતા હતા. પછી સર્વને દાન આપી. વિદાય આપી સૌરાષ્ટ્રના ભક્તો રોકાયા, રાત્રે ધૂન કિર્તનો, રાસનૃત્ય, ઉત્સવ, ગીતો પ્રભુ પાસે ગાતા હતા. શ્રીહરિએ સર્વને પારિતોષિક આપ્યા. રાત્રિ વિરામ કરી સવારે જાગી ભક્તોને વિદાય આપી. વિશ્વકર્માને હાર-મુગટ આપી વિદાય આપી. હે રાધા, એ રીતે અનાદિ શ્રીકૃષ્ણનારાયણની પંદરમી જન્મજયંતિ મહોત્સવ ધામધૂમથી સર્વએ ઉજવ્યો.
ત્યાં એક તામજ્ઞાક્ષી નામે ચંડાલ આવ્યો. તે ધર્મ, કર્મથી રહેતો, ચોરી-હિંસા કરતો નહીં. પાંચ દીકરા - બે દીકરી - બે પોતે નવ જણાં, ખાવાનું અન્ન નહીં મળવાથી રાત્રે પ્રભુ પાસે આવી કહેવા લાગ્યો, હે પ્રભુ અમને અન્ન નહીં મળવાથી મારી પત્ની અને બાળકો અશ્વપટસરોવરમાં આપઘાત કરવા માટે પડ્યા છે. અમારું રક્ષણ કરો. તરત બાલકૃષ્ણ પ્રભુ રાત્રે સરોવર જઇ સર્વને બહાર કાઢી અગ્નિ કરી, તાપણી કરી, સર્વની રક્ષા કરી પછી સર્વેને મિષ્ટાન્ન, ભોજન આપ્યું. પછી પ્રભુએ સવારે તે ચંડાલ કુટુંબને બોલાવી સર્વે સાધન સામગ્રીથી ભરેલું એક ઘર આપી કહ્યું : તું ગામમાં વાળવાની સેવા કરજે જેથી તારો નિર્વાહ થશે. એમ કહીને મંત્ર આપ્યો અને ભજન કરવાનું કહ્યું. તે રીતે ચંડાલે વાળવાની સેવા કરી કુટુંબ નિર્વાહ કરતો અને ભજન ભક્તિ કરતો. તેની એક પુત્રી દૂધીદેવી બ્રહ્મચારીણી રહી ભક્તિ કરીને ચંડાલોની દેવી થઇ. આ રીતે ચંડાલ કુટુંબ ભક્ત થયું. શ્રીકૃષ્ણ કહે : રાધા, કૃપાળુ ભગવાને આ રીતે ચંડાલનો પણ ઉધ્ધાર કર્યો.
શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સોળમો જન્મજયંતિ મહોત્સવ ઉત્તમ ધામધૂમો વડે ઉજવાયો હતો. તેમાં સર્વ સૃષ્ટિઓના રાજાઓ, દેવો, ઇશ્વરો, પ્રજાઓ પણ આવ્યા હતા. અનેક પેટાઉત્સવો, મહાદાનો, મંત્રજપો, હોમહવનો, દક્ષિણાઓ વગેરે થયા-અપાયા હતા, ઉત્સવવિસર્જન કરાયો હતો.