ભાગ · અધ્યાય ૧૮

પિતૃકન્યાઓની ઉત્પત્તિ અને વાસ - કર્મ પ્રમાણે દંડ

શ્રીકૃષ્ણ કહે : રાધા, ભાદરવા માસમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન પૂજન કરવા અર્યમાદિક પિતૃઓની હજારો કન્યાઓ અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, ચંદન, કસ્તૂરી, કપૂર વગેરે પૂજા, સામગ્રી, સુવર્ણ પાત્રમાં ભરી આવી. બાલકૃષ્ણ પ્રભુ પણ કિશોર સ્વરૂપ ધારણ કરી લોમશ ઋષિના આશ્રમમાં આવ્યા. સર્વ પિતૃ કન્યાએ પૂજા કરી હાર પહેરાવી પગરજ મસ્તકે ચડાવી. સત્યલોકની કન્યાઓએ હંસ જેવું વિમાન પ્રભુને ભેટ આપ્યું. અપ્સરાઓએ સોના-ચાંદીના તારવાળી મખમલની મોજડી અર્પણ કરી, અર્થમાં કન્યાએ સુવર્ણ છત્ર આપ્યું. કુબેર કન્યાએ સુવર્ણ સિંહાસન આપ્યું. પર્વત કન્યાએ સુવર્ણ દંડ આપ્યો. ઇન્દ્ર કન્યાએ સોનાની છડી અર્પણ કરી. વાયુ કન્યાએ વીંઝણો આપ્યો. ઋતુ કન્યાએ પુષ્પના તોરા, ગજરા આપ્યા. વિશ્વકર્મા કન્યાએ સુવર્ણનો મુગટ, કુંડળ, ટુપીયો, હાર, કંદોરો, બાજુબંધ, વેઢ, વીંટી, કડાં, પોંચી, ઘુઘરીવાળા તોડા પ્રભુને પહેરાવ્યા. વૃક્ષ કન્યાએ વસ્ત્રો અર્પણ કર્યાં. શ્રવણ પિતૃ કન્યાએ પાણીથી ભરેલા ઘડા આપ્યા. સંવત્સર પિતૃ કન્યાએ પ્રભુને દૂધપાક, પુરી, શાક, ભોજન આપ્યા. કાળ કન્યાએ અભયચક્ર આપ્યું. અગ્નિ કન્યાએ બાલપ્રભુને થાળી-વાટકી, કળશો, તપેલી ચમચો વગેરે પાત્રો આપ્યા. પ્રેત કન્યાએ મુખવાસ, તાંબુલ આપ્યા. પૃથ્વીની ખનિજ કન્યાએ માંગલિક વસ્તુ તથા ધાતુઓ આપ્યા.

પછી સર્વે કન્યાઓએ પ્રભુને ભોજન કરાવ્યા. સ્વાદુ ફળ, જમાડ્યા. ઠંડા પીણા પાયા. પ્રભુ પણ લાખો કન્યાઓના સંકલ્પ પૂર્ણ કરવા, લાખો સ્વરૂપો ધારણ કરીને, સર્વ કન્યાઓના ભોજન, શ્રાદ્ધ જમીને સર્વે પિતૃઓને, દેવોને, ઋષિઓને, મુનિઓને, સર્વે દેવીઓને, તૃપ્તિ પમાડ્યા. પછી સર્વેને દાન, દક્ષિણાઓ આપીને સાંજે શ્રીહરિએ સૂર્યપુત્ર ધર્મરાજાને બોલાવ્યા. ધર્મરાજાએ આવી શ્રીહરિને પગે લાગી કહ્યું, પ્રભુ શું આજ્ઞા છે ? શ્રીહરિએ કહ્યું, આજનો દિવસ ઉત્તમ છે તેથી યમપુરીના સર્વે જીવોને, નારકી પાપી જીવોને, મારી પ્રસાદી આપી સ્વર્ગ અને મોક્ષમાં મોકલો. એમ કહી શ્રીહરિએ દૂધપાકની પ્રસાદી ધર્મરાજાને આપી. ધર્મરાજા તે પ્રસાદી યમપૂરીના સર્વે જીવોને આપી. સર્વે જીવોએ પ્રસાદી જમી. પ્રગટ પ્રભુની કૃપાથી કોઇ સ્વર્ગે ગયા, કોઇ સત્યલોકમાં ગયા, કોઇ મોક્ષમાં ગયા.

શ્રીકૃષ્ણ કહે : રાધા, એ રીતે કૃપાળુ ભગવાન પોતાના યોગમાં આવેલા અનંત જીવ આત્માઓને પોતાના ધામમાં લઇ જાય છે. રાધિકા કહે : હે કૃષ્ણ, અર્થમાં પિતૃઓ, દેવપિતૃઓ, ઇશ્વરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ સર્વે શ્રાદ્ધ ભોજન કરનારા છે તથા અધોગતિમાં ગયેલા ભૂત-પ્રેત, પિશાચ, કુરમંડ, વૈતાલ તે પણ શ્રાદ્ધ ખાનારા છે, પરંતુ તમે તેની કન્યાઓને શ્રાદ્ધ ભોજનની વાસનાવાળી કહી, તે પ્રેત કન્યાઓ ક્યાં વાસ કરે છે ? શ્રીકૃષ્ણ કહે : રાધા, ગોલોકધામમાં મારી મૂર્તિમાંથી ડાબા ભાગથી મેં નારીવર્ગ પ્રગટ કર્યો. તે રાધા, લક્ષ્મી, સતી, ગંગા, સરસ્વતી, વિરજા, શ્રીયમુના, દુર્ગા, સાવિત્રી તે સર્વે શ્રાદ્ધમાં ભોજન કરવા આવે છે. જે વાસનાવાળી સ્ત્રીઓ, વાસનાવાળી વિધવાઓ, ધર્મ-વ્રતથી રહિત, વાસનાવાળી પુત્રવધૂઓ, વાસનાવાળી કુમારિકાઓ, વાસનાવાળા વૃદ્ધો, કુટુંબ વિનાની, વંશ વિનાની, નિરાધાર, નિરાશ્રયી, અકાળે મૃત્યુ પામેલી, અકસ્માતથી મૃત્યુ પામેલી, ગર્ભ, પ્રસૂતિ, દોષથી મરેલી, અભિચાર મંત્રોથી મરણ પામેલી, મલિન મંત્રોવાળી, બળાત્કારથી મૃત્યુ પામેલી, આયુધથી મરેલી, યક્ષ રાક્ષસે મારેલી, યોનિ રોગથી મરેલી, પરાધિનથી મરણ પામેલી, ભૂત-પ્રેત પિશાચ વગેરેની છાયાથી મરેલી, આવી સ્ત્રીઓ, ધર્મથી, પુણ્યથી, વ્રત ઉત્સવથી રહિત હોવાથી મરીને પિત્રીઓ થાય છે.

તેમાં જે સ્ત્રીઓ વિવાહિતા, નિર્વંશ વાસનાવાળી હોય તે યમપુરીમાં રહે છે. વાસનાવાળી કુમારીઓ સત્ય, મહર, જન, તપલોકમાં રહે છે. પુણ્યવાળી નિર્વંશ તે સ્વર્ગમાં વાસ કરે છે. તે અપ્સરાઓ થાય છે, તથા ભૂતડી, પ્રેતડી, પિશાચી, ડાકિની, શાકિની, વૈતાલી, કૃષ્માંડીની, વૈનાયકી, ભૈરવી, રંડી, કૃત્યી, ષંઢી, સૂતકી, શવિ, ચિતા, સ્મશાની, નનામ્નિ આ સર્વે વાસનાવાળી ભૂવલોકમાં વાસ કરે છે તથા નાગણી, ભીક્ષુકી, કિડી, માછલી, મઘરી, કાગડી, ગીધડી, અને રાક્ષસી. આ સર્વે પૃથ્વી પર અને પાણીમાં રહેનારી વાસનાવાળી નિર્વંશ મરણ પામેલી પિત્રીઓ છે. આ સર્વ પિત્રીઓને અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને પ્રસાદી આપી વાસના રહિત કરી, પાપ નષ્ટ કરી, સ્વર્ગ અને મોક્ષ આપ્યો.

શ્રીકૃષ્ણ કહે : રાધા, તે રાત્રે એક મહાચમત્કાર થયો. લોમશ આશ્રમમાં રાક્ષસો આવ્યા. એક માથા વિનાનો, બીજો નેત્ર વિનાનો, ત્રીજો નાક વિનાનો, ચોથો કાન વિનાનો, પાંચમો પગ વિનાનો, છઠ્ઠો પાતળો, સાતમો અવળા પગવાળો, આઠમો પાછળ મોઢાવાળો, આંધળો, બહેરો, મૂંગો, લંગડો, કોઢીયો, વાયુરોગી, જલોદરી, નપુષંક, કેડ ભાંગલો, આવા કેટલાય અન્ન, પાણી વિના દુ:ખી થતા, રાડો પાડતા, પ્રેતરૂપે આવ્યા. લોમશ ઋષિએ પૂછ્યું, તમે કોણ છો ? પ્રેત કેમ થયા છો ? પહેલો કહે : મેં બ્રાહ્મણનું મસ્તક કાપ્યું તેથી માથા વિનાનો પ્રેત થયો. બીજો કહે : મેં ચોરી કરવામાં બીજાના નેત્રો ફોડી નાખ્યા તેથી હું અંધ થયો. ત્રીજો કહે : મેં પત્નીનું નાક કાપ્યું તેથી હું નક્ટો થયો. ચોથો કહે : મે વિપ્રના કાન કાપ્યા તેથી હું બહેરો થયો, પાંચમો કહે : મેં પ્રવાસીના પગ ભાંગી લૂંટી લીધો તેથી લંગડો થયો. છઠ્ઠો કહે : મેં લાકડીથી ગાયની કેડ ભાંગી તેથી હું કેડભાંગલો થયો. સાતમો કહે : મેં પત્નીને વગર વાંકે બાંધી દુ:ખ આપ્યું તેથી અવળા પગવાળો થયો. આઠમો કહે : મેં બકરીના બચ્ચાને ડોક મરડી મારી નાખ્યું તેથી પાછળ મોઢાવાળો થયો. નવમો કહે : મેં શિકારમાં એક મૃગની આંખ ફોડી નાખી તેથી અંધ થયો. દશમો કહે : મેં ભગવાન અને ભક્તની નિંદા સાંભળી તેથી બહેરો થયો.

એવી રીતે જેણે જેણે જે જે દુ:ખો આપ્યા હતા તે સર્વે દુ:ખ પોતે પામીને, વાસનાવાળા, પુણ્યથી, ભક્તિથી રહિત હોવાથી સર્વે પ્રેતપણાને પામ્યા અને રાક્ષસો થયા છીએ. તે સર્વે પ્રેતો રાક્ષસોને અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનનો શરણં મંત્ર લોમશ ઋષિએ આપ્યો. એ મંત્રનો જપ કરતા સર્વે પ્રેતો બાલકૃષ્ણ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને પોતાનું ચરણામૃત પાઇને પ્રેતદેહ ત્યજાવી દિવ્ય દેહ ધારણ કરાવી વૈકુંઠધામ મોકલ્યા. શ્રીકૃષ્ણ કહે : રાધા, આ કથા જે વાંચશે, સાંભળશે તે સર્વે પાપથી રહિત થઇને સર્વ સંપત્તિવાળો થઇ મોક્ષ મેળવશે.