પરીશાન રાજાના રાજ્યમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
આ અધ્યાય 187–189 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, ફેરૂનસ ઋષિની પ્રાર્થનાથી શ્રીહરિ પરીશાન રાજાના રાજ્યમાં જવા તૈયાર થયા. પરીશાન રાજાના રાજ્યમાં સેનાએ નદીકાંઠે વિમાનને ઉતાર્યું. સર્વેએ જય શબ્દોથી વધાવ્યા. તે સમયે નરનારીઓએ શ્રીહરિને ચકોરપક્ષી ચંદ્રને જોવે તેમ જોઇ રહ્યાં હતા. સ્વાતિજલ મળે અને ચાતક પક્ષી જેમ આનંદ પામે તેમ સર્વે બાલકૃષ્ણ ને જોઇને આનંદ પામ્યા. બાળકો જેમ સાકરથી, સતી પતિથી આનંદ પામે તેમ સર્વે પ્રભુથી આનંદ પામતા હતા. પતંગિયા તેજથી, સમુદ્ર પૂર્ણિમાના ચંદ્રથી આનંદ પામે તેમ સર્વજનો શ્રીહરિને જોઇને આનંદીત થતા હતા.
તે સમયે શ્રીહરિની અપાર શોભા હતી. મુગટ, કુંડળ, વસ્ત્ર, આભૂષણો, પુષ્પોના હાર વગેરે શોભતા, ડાબા હાથમાં ગજરાથી શોભતા, શુલમીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિક બાણવાળા જમણા હાથથી અભય દાન આપતા એવા તેજસ્વી દિવ્યમૂતિર્ શ્રીહરિની જોઇ સર્વે અતિ આનંદ પામ્યા. પછી રાજાએ પ્રભુના પગ ધોઇ ચરણામૃત પીધું. પછી હજારો બંદૂકોવાળા તોપોવાળા સલામી આપતા સૈનિકોથી સ્વાગત કરી શ્રીહરિને હાથી પર બેસાડીને નગરમાં ફેરવતા હતા. નરનારીઓ જય જયકાર કરતા હતા. ઋષિઓ વેદમંત્રોનો ઘોષ કરતા હતા. નગરમાં જનો પ્રભુને અનેક ભેટો આપી પૂજા કરતા હતા. નાળિયેરી, શ્રીફળ, સોપારીથી પૂજા કરતા હતા. ધનાઢ્યો ધનથી, ભક્તો ભક્તિથી, દીનજનો માનસથી સેવા પૂજા કરતા હતા. એ રીતે આખી નગરીમાં શ્રીહરિને પધરાવ્યા તે સમયે નરનારી, બાળકો સર્વ કંભરાપુત્ર બાલકૃષ્ણનું રૂપ જોઇને દેહનું ભાન ભૂલી જતા હતા. પછી પ્રભુને રાજાએ પોતાના મહેલમાં વિશ્રામ કરાવ્યો.