રાયગામલ રાજાની રીગાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુ રાયગામલ રાજાની પ્રાર્થનાથી લાતવાયુ મુની સાથે વિમાનમાં બેસી દ્યુના નદીકાંઠે રીગાનગરીમાં વિમાનને ઉતાર્યું. પ્રજાએ જયઘોષ કરી પુષ્પોથી પ્રભુ શ્રીહરિને વધાવ્યા. રાયગામલ રાજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણને હાર પહેરાવ્યો. રાણીએ ચરણ ધોઇ પાણી પીધું. કન્યાઓએ ગંધ અક્ષત પુષ્પોથી પ્રભુની પૂજા કરી. રાજાએ શ્રીહરિને ચાર દાંતવાળા ધોળા હાથીની અંબાડીમાં બેસાડીને રીગાનગરીમાં પધરામણી કરાવી. કુમારોએ છત્ર ચામર ધારણ કર્યા હતા. નરનારીઓ પૂજા કરી અને ભેટ આપી. પછી રાજમહેલમાં આવ્યા. રાજાએ પૂજન કરી પાંચ કન્યાઓનું દાન કર્યુ.
પછી ભોજન કરી સભામાં શ્રીકૃષ્ણવલ્લભ સર્વને ઉપદેશ દેવા લાગ્યા, ભક્તોએ ભાગવતધર્મનું પાલન કરવું તેથી સર્વ અર્થ સિધ્ધ થાય છે. કેવળ ધનપરાયણ રહેનારા ધન-સંપત્તિને હિંસામાં વાપરવાથી ધન નાશ પામે છે. પૃથ્વીનું રક્ષણ ખેતી કરવાથી જેમ થાય છે તેમ ધર્મરૂપી આંચળમાંથી અર્થરૂપી દૂધ સ્ત્રવે છે. ભૂત પ્રાણીનું રક્ષણ કરવું તે દયાધર્મ છે. ભય પામેલાનું રક્ષણ કરનારા દશ હજાર વર્ષ સ્વર્ગમાં વાસ કરે છે. દેવતા, પિતૃઓ, સંતો દાનધર્મથી જીવે છે. દાન કરવું ગૃહસ્થનો ધર્મ છે. સર્વપ્રકારના દાન કરનારો, બીજાને સુખી કરનારો શાશ્વત સુખને પામે છે. પ્રાણસમાન દાન નથી તેનાથી ઉત્તમ અભયદાન, મોક્ષદાન છે, તે હું બાલકૃષ્ણ કૃષ્ણવલ્લભ ત્રણ પ્રકારના દાન આપું છું. ધનદાન, પ્રાણદાન અને મોક્ષદાન. તેથી સર્વે મનુષ્યે રાગદ્વેષરૂપી પાપને તજવા જેથી મોક્ષનો ઘાત ન થાય. મોક્ષનો ઘાત થવાથી આત્મઘાત થાય છે. મોહ અને પ્રમાદને તજવા તેથી આલોક પરલોકમાં સુખી રહેવાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ સૂર્ય વગેરે પાપી અને પુણ્યશાળી માટે સમાન છે. પણ દેહધારીએ પાપ પુણ્યને તો ભોગવવા જ પડે છે. તેથી જ્ઞાન મોક્ષ અને ભગવાન આપનારા ગુરુ, સંત, સાધ્વીની પૂજા કરવી. મનુષ્ય જન્મથી મોક્ષ ન મેળવ્યો તો કાંઇ ન થયું. બળદથી ન ખેતી થઇ, તો ભારવાહક થયો શું કામનો, દૂધ ન આપે ઇ ગાય શું કામની, વંધ્યા પત્નીનો શું અર્થ, રક્ષણ ન કરે તે રાજા શું કામનો, લાકડાનો હાથી શું કામનો, એમ આ શરીરથી, ધનથી સંતસેવા ન થઇ તો શું કામનું. નપુંસક જન્મ, ખાર ભૂમિ, પાણી વિનાના વાદળા, બાણ વિનાનો ક્ષત્રિય વ્યર્થ છે. દાન વિના વ્રત, સ્નેહ વિના ભક્તિ વ્યર્થ છે તેમ જ્ઞાન વિના ગુરુ વ્યર્થ છે. પ્રભુનો દિવ્ય ઉપદેશ સાંભળી સર્વે પ્રસન્ન થયા. પછી રાજાએ પ્રભુની પૂજા કરી સુવર્ણ અંલકારો ભેટ આપ્યા.