ભાગ · અધ્યાય ૧૧૦–૧૧૧

મહાયજ્ઞને અંતે શ્રીહરિએ સર્વેને પારિતોષિકો આપ્યા - નદીઓ તીર્થરૂપ કરી

આ અધ્યાય 110–111 સંયુક્ત છે

શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ ઋષિઓ પાસે શરણમંત્ર, રક્ષણમંત્ર, બ્રહ્મમંત્ર સર્વને આપીને ભોજનપ્રસાદ આપતા હતા. પછી યજ્ઞને અંતે શાલાવતી નદીમાં, અને બ્રહ્મપુત્રા નદીમાં અવભૃથ સ્નાન કરતા હતા. પછી શ્રીહરિએ બ્રહ્માદિ દેવોને, ઋષિઓને પારિતોષિકો આપ્યા. બ્રહ્માએ શ્રીહરિની સ્તુતિ કરી - સર્વના સ્વામિ અવતારોના અવતારી પરમબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કુંકુમવાપીમાં પ્રગટ થયેલા કૃષ્ણવલ્લભ સ્વામિને નમો નમ:. આ સ્તુતિથી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ ત્યાંના વૈષ્ણવ ભક્તોને ત્યાંના રાજ્ય સોંપ્યા. લાશહા પ્રદેશ પ્રીત ઋષિને આપ્યો. કારૂરાજ્ય કુર્મઋષિને આપ્યું. ઇલાવ્રતનું આધિપત્ય બ્રહ્માને આપ્યું. પન્નામાં નદી કાંઠાનું આધિપત્ય વિષ્ણુને આપ્યું. પ્રાગ્જ્યોતિષના આધિપતિ શિવને નીમ્યા. પ્રાચીન દેશ વિનાયકોને આપ્યો. ચીપીંગ રાજ્ય શ્યામ ઋષિને આપ્યું. મલયાલયમ મલય ઋષિને આપ્યું. મંગુજા દેશનું રાજ્ય મંકણક ઋષિને આપ્યું. મંચુર દેશના ગુરુ મંકીરય ઋષિ ભૂતાન રાજ્ય રુદ્રગણોને આપ્યું. તે સર્વને કેસર ચંદન તિલક કરી મુગટ ધારણ કરાવ્યો પછી સર્વે બ્રહ્માદિ દેવો તથા ઋષિઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ પ્રાર્થના કરી.

શ્રીકૃષ્ણ કહે : રાધા, સ્તુતિથી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ પરમધામમાં રહેલું દિવ્ય અલૌકિક કિશોર સ્વરૂપનું દર્શન બ્રહ્માદિ દેવો, ઋષિઓ, વૈષ્ણવોને કરાવ્યું. સર્વ સુખથી ભરેલા સર્વગંધરસથી યુક્ત, અમૃતના સાગર, અપાર દયાવાળા, વસ્ત્ર અલંકારો, સુવર્ણ આભૂષણોથી શોભતા, બ્રહ્મપત્ની, રાધાલક્ષ્મી, માણિકી, પ્રભા, પાર્વતી યુક્ત, અવતારો મુક્તોથી સ્તુતિ કરાયેલ, સગુણ, નિર્ગુણ, ઇશ્વરોથી વંદન કરાયેલા કંભરાપુત્ર બાલકૃષ્ણનું દર્શન કરી પિતૃકન્યાઓ વીસ અને તેની દશ હજાર દાસીઓ શ્રીહરિને વરતી હતી. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ બ્રહ્મપુત્રી નદી, સીંધુ, તેરી, આમુરા, હોમાંગા, શીક્ષાંગા, પન્ના, મીનકંગુ, ઈરાવતી, લાટીશા, કાનીશા, માપીંગા, સીક્યાંગા, તારી વગેરે અનેક નદી સમુદ્રમાં સ્નાન કરી, તીર્થરૂપ બનાવીને સર્વ નદીઓને બ્રહ્મપત્નીઓ સાથે ગણતરી કરી. શ્રીહરિએ કારાકોરમ પર્વતનું રાજ્ય, સીંધુ રાજ્ય, કરમેરા પ્રદેશ, અર્યમાં પિતૃને આપ્યો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : હે ભક્તજનો, આ સર્વે તીર્થોમાં સ્નાન કરી જલપાન કરનારા સાધુ-સાધ્વીને, અનાથ બાળકોને ભોજન દાન કરાવનારા તથા વસંતપંચમીએ યજ્ઞ કરી, લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરાવી, અનેક પ્રકારના દાન આપનારાને વૈકુંઠ, ગોલોક અને પરમધામની પ્રાપ્તિ થશે તથા આ નદી તીર્થોમાં માઘસ્નાન, કુંભસ્થાન કરશે તેને દરિદ્રતા તથા કોઇ પીડા નહીં થાય.