દિનમાનાર્ક રાજાની અપશનાવિકાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, દિનમાનાર્ક રાજાએ પ્રભુને પોતાના નગરમાં પધારવાની પ્રાર્થના કરી. તેથી શ્રીહરિ હારિત ઋષિ સાથે વિમાનમાં બેસી સમુદ્ર ઓળંગી ગરીમાં દેશમાં અપશનાવિકાપુરીમાં વિમાનને ઉતાર્યું. દિવ્ય અલૌકિક બાલકૃષ્ણને જોઇને રાજારાણી, કુમારો, પ્રજા સર્વેને સમાધિ થઇ. સમાધિમાં અતિ તેજમાં ઇશ્વરો, ધામો અને અવતારો જોયા. કોટી ગોપ-ગોપીઓથી સેવાયેલા, ગોલોકમાં કૃષ્ણ ભગવાનને જોયાં. પરમધામમાં મુક્તોથી સેવાતા અનાદિશ્રીકૃષ્ણનારાયણને જોયા. સર્વ સમાધિથી જાગ્યા ત્યાં બાલકૃષ્ણ ભગવાનને આગળ રહેલા જોઇને આશ્ચર્ય પામ્યા. પછી પ્રભુનું સ્વાગત કરી હાર પહેરાવ્યા. ગોરી પ્રજાએ લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણવલ્લભને ચંદન-પુષ્પોથી વધાવ્યા. પછી શ્રીહરિને યંત્રવાળા રથમાં બેસાડ્યા. રાજાએ છત્ર, રાણીએ વીંજણો, કુમારે છડી, કુમારીઓ ચામર ધારણ કરી સેવામાં રહ્યા. બીજા રથમાં શંકરને, ત્રીજા રથમાં કંભરામાતાને ગોપાલપિતાને, અન્ય રથોમાં ઋષિમંડળને, પડદાવાળા રથમાં શ્રીહરિની પત્નીઓને બેસાડ્યા.
રાજમાર્ગ પર ચોકમાં, બજારમાં, નગરના નરનારીઓ બાલકૃષ્ણ પ્રભુનું દિવ્યસ્વરૂપ જોઇને ચંદનપુષ્પથી અક્ષતસુંગધીથી પૂજા કરી, વસ્ત્ર અલંકારોની વગેરે ભેટ આપતા હતા. પછી રાજમહેલે આવી દૂધપાક ભોજન કરી રાજારાણીએ પૂજા કરી. બે રાજકન્યાઓએ પ્રભુને વરમાળા પહેરાવી, પછી પ્રભુએ ભાદરવા સુદ ચોથને દિવસે ગણેશની પૂજા કરી લાડુ જમાડ્યા. પ્રભુ પાંચમે સવારે દૂધ પીને સભામાં બેઠા. રાજા-પ્રજા જય જયકાર કરી આસને બેઠા. શ્રીહરિએ સર્વને આશીર્વાદ આપી રાજાને પ્રસાદીનો હાર આપ્યો. પછી સર્વને ઉપદેશ આપ્યો, મનુષ્યોએ લોભ, તૃષ્ણા તજી ભગવાન ભજી લેવા. તેમાં ઊટ, સિંહ, નદી, વૃક્ષ વગેરેના દૃષ્ટાંતો આપ્યા. તેથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદમાન તજી મારો, મારા સાધુ-સાધ્વીનો આશ્રય કરી સુખી થવું. પછી પ્રભુએ રાજકુટુંબને, પ્રજાને મંત્ર આપી આશીર્વાદ આપ્યા. શ્રીહરિ વિમાનમાં બેસી સમુદ્ર ઉલ્લંઘી કેનાટક પ્રદેશમાં આવ્યા. વિનાપાર સરોવર પાસે વિમાન ઉતાર્યું. ત્યાં લાલાસન યોગી આવ્યા.