ભાગ · અધ્યાય ૨૪૨

પંકિલ ઋષિએ અશ્વપટ સરોવરકાંઠે વામન મંદિર કરી વાસ કર્યો

શ્રીકૃષ્ણ કહે : રાધા, પૂર્વે વિપ્રકન્યા દાક્ષી, બાલપણમાં માતાપિતા મૃત્યુ પામવાથી ઋષિમંડલમાં રહી વેદશાસ્ત્રોનો યોગનો અભ્યાસ કરી બ્રહ્મચારીણી રહી વામદેવ ઋષિની સેવા કરતી, તેને હનુમાનની જન્મકથા સાંભળીને, પોતાને પણ માનસપુત્રની ઈચ્છા થઇ. તેથી તેણે જ્ઞાની સમાધીવાળા યોગી વામદેવ ઋષિ પાસેથી સ્પર્શસૃષ્ટિથી પુત્ર ગ્રહણ કર્યો. ગર્ભ વિના યુવાન પુત્રને જોઇને દેવી પ્રસન્ન થયા. તે પુત્ર આકાશમાં ગતિ કરી, ચાર દિશામાં સંધ્યા કરી, માતા-પિતાને પગે લાગી પછી ફળફુલનો આહાર કરી કાદવમાં વાસ-આસન કરતો તેથી માતાએ તેનું નામ પંકિલ પાડ્યું. એકવાર વામદેવની શિષ્યા પાંચ બહેનો ગંગામાં સ્નાન કરી જતી હતી ત્યાં રસ્તામાં કાદવમાં બેઠેલા સમાધીવાળા તેજસ્વી યોગી પંકિલ ઋષિને જોઇને પગે લાગી. પંકિલ ઋષિ મોટી બહેનને આસન આપી પગે લાગી, ચરણ રજ માથે ચડાવી. ઋષિએ યોગસિધ્ધિથી સર્વ સામગ્રી પ્રાપ્ત કરી પાંચેય બહેનોની પૂજા કરી ભોજન કરાવ્યું. પછી બહેનોએ આશીર્વાદ આપ્યા, તું પાંચ કલ્પ સુધી જીવી ભક્તિ કરી સર્વધામમાં ગતિ કરનારો થા. તેથી તે પંકિલ ઋષિ સર્વરૂપને ધારણ કરી સર્વલોકમાં ગતિ કરતા.

એકવાર અનેક ઋષિઓના આશ્રમવાળા કમળોથી શોભતા દિવ્ય અશ્વપટસરોવર તથા કુંકુમવાપી ક્ષેત્રને જોઇને પંકિલ ઋષિ ત્યાં નિવાસ કરવાનું મન થયું. તેથી કુંકુમવાપીમાં આવી અશ્વપટસરોવરમાં સ્નાન કરી જલ પીધું ત્યાં પરમ શાંતિ થઇ. ત્યાં અનેક સાધુ, ત્યાગી સાધુ, મહર્ષિઓને રોજ દર્શને આવતાં જતા જોઇ આશ્ચર્ય પામી ત્યાં વાસ કર્યો. ક્યારેક પંકિલ ઋષિ ગોપબાળકનું રૂપ લઇને કંભરાપુત્ર બાલકૃષ્ણના દર્શન કરવા જતા. એકવાર કન્યાનું રૂપ લઇ લોમશ ઋષિના આશ્રમમાં આવ્યા. લોમશ ઋષિએ પૂછ્યું, તું કોણ છો ? પંકિલ કહે, હું વામદેવ ઋષિની કન્યા છું મેં અહીં આશ્રમની કન્યાના દર્શન કરવા કન્યાનું રૂપ ધારણ કર્યું છે. એમ કહી સ્વરૂપ બદલી પંકિલ ઋષિ લોમશ ઋષિને પગે લાગ્યા. લોમશ ઋષિ પણ પૂર્વ યોગથી જાણીને તેને ભેટ્યા પછી લોમશ ઋષિ પાસેથી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામીને સ્વાહા” એ મંત્ર ગ્રહણ કરી જપ કરવા લાગ્યા અને અશ્વપટ સરોવરના જલમાં વાસ કર્યો. બીજે દિવસે લોમશ ઋષિ આવી કહે, પંકિલ ઋષિ અહીં આશ્રમ બાંધો.

પંકિલ ઋષિ કહે : મારી આયુષ્ય પાંચ કલ્પની છે, મેં પાણી અને કાદવમાં ધૂળમાં જ આસન કર્યું છે. અને બલિરાજાએ યજ્ઞ કર્યો ત્યારે વામન ભગવાને આવી ત્રિલોકી લઇ લીધા પછી મને આજ્ઞા કરી છે કે, તું અહીં મારું મંદિર કરી મારો સેવક થઇને વાસ કરજે માટે અહીં મારે મંદિર કરવું છે. એમ કહીને પંકિલ ઋષિએ યોગ ઐશ્વર્યથી વામન મંદિર કરી ત્યાં પોતે સેવકરૂપે વાસ કર્યો. તેથી ત્યાં અશ્વપટ સરોવર કાંઠે વામનતીર્થ, પંકિલતીર્થ, કન્યાતીર્થ થયેલું છે. ત્યાં સ્નાન દાન વામન પૂજા કરનાર પૃથ્વીના સ્વર્ગના રાજ્યને મેળવશે અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન સ્મરણ કરી પરમધામને પામશે. તથા કન્યાઓ તેમજ સાધુ સાધ્વીને ભોજન આપનાર રાજસુય યજ્ઞ ફળને પામશે. પંકિલ ઋષિની પાંચ બહેનો દિવ્ય દૃષ્ટિથી અનાદિશ્રીકૃષ્ણનારાયણને જાણીને વરવાની ઈચ્છાથી કુંકુમવાપી ક્ષેત્ર આવી કંભરાલક્ષ્મીની પૂજા કરી પછી બાલકૃષ્ણનું ષોડ્શોપચારથી પૂજન કર્યું ત્યાં પંકિલ ઋષિએ પાંચ બહેનોના હાથ શ્રીહરિના હાથમાં આપી કન્યાદાન કર્યું. પાંચે કન્યાઓએ પ્રભુને વરમાળા પહેરાવી. શ્રીહરિએ તેના સંકલ્પ પૂર્ણ કર્યા.