ભાગ · અધ્યાય ૧૩

બાલકૃષ્ણના રક્ષણ માટે પ્રભુપત્નીઓ અને રાક્ષસીઓ વચ્ચે યુદ્ધ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અધમઉદ્ધારણ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વ દૈત્યોનો નાશ કરી ધામમાં લઇ ગયા. તે દૈત્યની પત્નીઓ પોતાના પતિનું વેર વાળવા કુંકુમવાપી આવી. દમનક પત્ની શલહા, બીજી હજારો રાક્ષસીઓ લાકડી, સાંબેલા, છરી, ચાકા, ચીપિયા, કુહાડી, દાતરડા વગેરે હથિયારો લઇ આવીને કહે : બાલકૃષ્ણ અને લોમશ ઋષિને મારી નાંખો. કન્યાઓને અનાથ કરો. અમને વિધવા કરનારને મારી નાખો. પતિ વિના જીવન સૂનું છે. પતિનું વેર વાળવું કા સતી થવું. આવું વિચારી દૈત્ય પત્નીઓ લોમશ ઋષિના આશ્રમે આવી. લોમશ ઋષિએ વિચાર્યુ, સ્ત્રીઓ સાથે પુરુષોએ યુદ્ધ ન કરવું. એમ કહી આશ્રમને ચારે બાજુ અગ્નિથી રક્ષણ કર્યું. ત્યાં દૈત્ય પત્નીઓ બાલપ્રભુને મારી નાખવા ગઇ. એટલે લોમશ ઋષિએ સર્વે કન્યાઓને રક્ષણ કવચ મંત્ર આપ્યા.

કન્યાઓએ શ્રીહરિનું સ્મરણ કરી આચમન કરી સ્વામી કવચ સંભળાવ્યું. શ્રીહરિનું મસ્તક મારા મસ્તકમાં રહો. મુખમાં મુખ, હાથમાં હાથ, છાતીમાં છાતી, ઉદરમાં ઉદર, પગમાં પગ, અમારા શરીરમાં શ્રીહરિનું શરીર રહો. ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ દિવ્ય વિમાનમાં બેસી અમારું રક્ષણ કરો. શંખ, ચક્ર, ગદા, પદ્મ, ધનુષ, બાણ, ત્રિશૂલને ધારણ કરનારા હે પ્રભુ સર્વ શસ્ત્રો થકી અમારું રક્ષણ કરો. રાક્ષસીઓથી રક્ષણ કરો, મૃત્યુ રોગથી કૃષ્ણવલ્લભ રક્ષણ કરો, તથા કંભરાલક્ષ્મી, ગોપાલકૃષ્ણ રક્ષણ કરો, તથા રાધાલક્ષ્મી, પ્રભા, પાર્વતી, રક્ષણ કરો. લોમશ ઋષિએ આ મંત્રો, કવચ, શસ્ત્રો આપી કન્યાઓને બાલકૃષ્ણભવને વાહન આપી મોકલી. ત્યાં તો રાક્ષસીઓને મારવા, પ્રભુના ઘેર રાધા, લક્ષ્મી, રમા, શ્રી, પાર્વતી, માણિકી, પ્રભા, રેવા, મંગળા, મનસા, ભાર્ગવી, સરસ્વતિ, ગંગા, મંજુ, ભુક્તિ, મુક્તિ, એકાદશી, રતિ, હંસા, સગુણા, તુલસી, કમલા, વીરજા, સતી, મૂર્તિ, ગોમતી, સ્વર્ણરેખા, જયા, નંદિની, દુર્ગા, લલિતા, સાવિત્રી, ઘેલા, પુષ્પા, કલાવતી, બદરી, માધવી, ચંપા, ષષ્ટી, પ્રીતિ, ઋતધ્વજી, મૌક્તિ, લાડકી, દેવી, મનુ, કસ્તૂરી, સીતા, હૈમી, શાંતિ, શાંતા, ચંપા, ગોદાવરી, યમી, ઉજી, સવિતા, રત્ના, મિષ્ટા, અમૃતા, ધની, ચતુરા, વજી, મુક્તા, સુશીલા, શ્યામા, અમલા, સંતોક, ચંદ્રિકા, કાંતી, કુંવરી, શિવા વગેરે કૃષ્ણ પત્નીનો જય સ્વામિ જય નાથ “ૐ નમ: અનાદિશ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” એ મંત્ર જપ બોલતી રાક્ષસીઓ સામે લડતી હતી. માતા-પિતા, સર્વે રાક્ષસીઓને જોઇને ભય પામ્યા, એટલે બાલકૃષ્ણ પ્રભુએ કિશોર સ્વરૂપ ધારણ કરી માતા-પિતાને કહ્યું, તમે ભય પામશો નહીં. આ સર્વે રાક્ષસીઓ વેર લેવા આવી છે, પણ પુરુષોએ ક્યારેય સ્ત્રીઓને મારવી નહીં. લોમશ ઋષિએ પણ કોઇ રાક્ષસીઓને મારી નથી, અને અગ્નિથી આશ્રમનું રક્ષણ કર્યું છે. પછી લોમશ ઋષિએ મોકલેલી સર્વે કન્યાઓ મંત્ર, જપ કરતી શસ્ત્રો લઇને રાક્ષસીઓ સાથે યુદ્ધ કરવા ત્યાં આવી. શ્રીહરિની આજ્ઞાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવોએ રથ, વિમાન વગેરે તથા વાહનો, હંસ, ગરૂડ, હાથી, અશ્વો વગેરે વાહનો આપ્યા. અશ્વપટ સરોવર કાંઠે કન્યાઓના અને રાક્ષસીઓના ભયંકર યુદ્ધનો આરંભ થયો. ત્યાં કોઇનો શબ્દ સંભળાતો જ નહીં.