બાલપ્રભુ દ્વારા સીતા-રામરૂપે ભાણવીર્ય રાજાની રક્ષા
અશ્વપાટલ રાજએ પૂછ્યું : ગુરુ, સોમતીર્થ ક્યારે થયું ?
લોમશ ઋષિ કહે : શેત્રુજ્ય ગોપનાથનો રાજા ભાણવીર્ય હતો. તે રામકૃષ્ણનું ભજન કરી ધર્મથી પ્રજાનું પાલન કરતો. એકવાર ભાલદેશનો રાજા ક્ષમાભૃત સૈન્ય લઇ યુદ્ધ કરવા આવ્યો અને કહેવડાવ્યું મારી સાથે યુદ્ધ કર અથવા રાજ્ય આપી દે. ભાણરાજાએ ધર્મનો નીતિનો ભક્તિનો બોધ ઘણો આપ્યો. છતાં તે શત્રુરાજા માન્યો નહીં ને કહ્યું ધર્મનો બોધ કરવો તે ક્ષત્રિયોનું કામ નથી. ધર્મનો ઉપદેશ તો દુર્બળ વિપ્રો, ઋષિ-મુનિઓ આપે, ક્ષત્રિયો તો બળથી યુદ્ધ કરી રાજ્ય મેળવે.
ભાણભક્ત રાજા કહે : આ રાજ્ય રામનું છે, મારું નથી. યુદ્ધ કરી મનુષ્યની હિંસા કરવી તે પાપ છે. માટે તૃષ્ણા તજી ભગવાન ભજી લે. જેથી તારું અને પ્રજાનું સારું થાય. શત્રુરાજા કહે, ઇશ્વર છે જ નહીં. યુદ્ધ કર કાં શરણે થા. નહીં તો તને પકડીને કેદ કરીશ. ભાણભક્ત રાજા કહે, પરમેશ્વરે સર્વને માટે સર્વ નિર્માણ કરેલું છે. પાપ-પુણ્ય, સ્વર્ગ મોક્ષ સર્વે પ્રભુએ બનાવ્યું છે. તો નીતિથી રાજ્ય કરી પ્રભુની ભક્તિ કરી મોક્ષ મેળવી લે. શત્રુરાજા કહે, રાજાનો ધર્મ મોક્ષમાર્ગ અને જ્ઞાનમાર્ગ ત્રણેય જુદા છે માટે તું રાજ્ય આપી દે. એમ કહી સર્વને કેદ કરી રાજ્ય લઇ લીધું. ભાણવીર્ય કુટુંબ સાથે બાલકૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, એમ ભજન કરવા લાગ્યા. ભક્તિથી વશ થયેલા લક્ષ્મીનારાયણ સીતા સાથે રામરૂપે અશ્વપટ સરોવર આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણને સાથે લઇ શત્રુરાજા ક્ષમાભૃત સાથે યુદ્ધ કરી તેને બાંધીને ભાણવીર્ય ભક્તરાજાને રાજ્ય પાછું અપાવ્યું. ભક્તરાજાએ રામસીતાએ દર્શન આપી અશ્વપટ સરોવર કુંકુમવાપી આવી ત્યાં વાસ કર્યો તે રામતીર્થ સીતાતીર્થ થયેલું છે. પછી લોમશ ઋષિએ ભાણ ભક્તરાજાને, કુટુંબને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. તે ભાણતીર્થ થયેલું છે.