ભાગ · અધ્યાય

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો દુગ્ધપાન ઉત્સવ - રાક્ષસ-રાક્ષસીઓની મુક્તિ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના બીજા માસે માગશર નવમીને દિવસે દુગ્ધપાનનો ઉત્સવ થયો. તે કથા કહું તે સાંભળ. માતા કંભરાલક્ષ્મી મંગલા ગાયનું દૂધ, સાકર નાંખી શંખમાં ભરી પ્રભુને પાતા હતા. ત્યારે સ્વર્ગથી હજારો ગાયો આવી. કંભરા માતાને કહે : અમારું દૂધ શ્રી બાલકૃષ્ણને પાવ. માતા કહે : આ બાળક અતિ દૂધપાન કરે તો અપચો થાય. ગાયો કહે : અમે અભાગી શ્રીહરિની સેવા ન પામ્યા. ત્યાં આકાશમાં ગોલોકથી, વૈકુંઠથી, અવ્યાકૃત, અમૃતધામ, અક્ષરધામથી શ્રીહરિની ઈચ્છાથી કરોડો ગાયો આવી. તેના આંચળમાંથી દૂધ સ્ત્રવીને નદી ચાલી તે અશ્વપટ સરોવરમાં મળી ગઇ તે દુગ્ધતીર્થ થયું. સર્વ ગાયોએ સ્તુતિ કરી, હે પ્રભુ તમારા ઉદરમાં તો બ્રહ્માંડ રહેલું છે. માટે અમારો દૂધ પાવાનો સંકલ્પ સફળ કરો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ સર્વ ગાયોની પ્રાર્થના સાંભળી કરોડો સ્વરૂપ ધારણ કરીને આચંળમાંથી થતી અલૌકિક દૂધની ધારાને પાઇને તે દૂધ પ્રસાદી, દેવોને, પિતૃઓને અને કન્યાઓને આપી. પછી એક રૂપે થયા. ત્યારે સર્વ ગાયોએ પ્રાર્થના કરી કે, હે પ્રભુ અમને તમારી પાસે સેવામાં રાખો. શ્રીહરિએ તે સર્વેના બે સ્વરૂપો કરી એક કન્યારૂપે લોમશ આશ્રમમાં રાખી, બીજી ગાય રૂપે સ્વસ્થાને મોકલી.

તે સમયે અજંતા ગુફામાં રહેતા દૈત્યો અને રાક્ષસો તેની પત્નીઓ ગાયોનું રૂપ લઇને સ્તનમાં ઝેર ચોપડીને આવી. બાલકૃષ્ણ પ્રભુ તેનો દુષ્ટ ભાવ જાણી પ્રાણ સહિત તેનું સ્તનપાન કરવા લાગ્યા. તે રાક્ષસીઓ ત્રાસ પામી, પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે, હે પ્રભુ અમે સર્વ તમારા બાળકો છીએ. અમને માફ કરો. હે પ્રભુ ઝેરને અમૃત તમે બનાવો છો, હે પ્રભુ અમે ક્રુર કર્મ કરનારા છીએ. અમે પૂર્વજન્મમાં મરુદેશમાં બ્રાહ્મણ હતા. વેદ ભણેલા જપ, તપ કરનારા, દાન નહીં લેનારા, આકાશમાં ગતિ કરનારા, તીર્થો કરનારા હતા.

એકવાર મરુદેશમાં વૃષ્ટિ ન થવાથી દુકાળ પડ્યો. ખાવા-પીવા ક્યાંય મળે નહીં. એટલે ત્યાંથી નીકળતા તીર્થ કરનારા યાત્રાળુઓને લૂંટી લેતા. એકવાર ગાલવઋષિના આશ્રમમાં એક બ્રાહ્મણ દંપતી આવ્યા. તે પ્રભુના ભક્તિ, ધર્મવાળા હતા. તેને અમે લૂંટી લીધા. તે દંપતી “ૐં નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” એ મંત્રનો જપ કરતાં એક વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાં કોઇ દિવ્ય પુરુષ આવી તે દંપતીને ખાવા-પીવાનું આપી ગયો. અમે તે ખાવા-પીવાનું પણ તેની પાસેથી લઇ લીધું. ત્યારે તે દિવ્ય પુરુષે અમને શાપ આપ્યો, તમે ક્રૂર, પાપી, નિર્દય, રાક્ષસ યોનિને પામી માંસ અને પશુનો આહાર કરનારા થાવ. તે દિવ્ય પુરુષ ગાલવઋષિ હતા. પછી અમે અપરાધની ક્ષમા માંગી અને કહ્યું, અમારો મોક્ષ થાય સુખ થાય એમ કરો. ત્યારે ગાલવઋષિએ કહ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણ સૌરાષ્ટ્રમાં પ્રગટ થશે. તેનો તમને યોગ થશે, ત્યારે મોક્ષ થશે. પછી અમારી પર પથ્થર વૃષ્ટિ થઇ, અને અમે મરણ પામીને રાક્ષસ યોનિને પામ્યા. હે પ્રભુ, ત્યારથી અમે તમારું ચિંતવન કરીએ છીએ, ક્યારે તે પ્રભુ પ્રગટ થશે, ક્યારે અમારો મોક્ષ થશે, તેથી હે પ્રભુ, હવે અમારો મોક્ષ કરો. પછી બાલપ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણ તે દૈત્યો રાક્ષસોને દેવતારૂપ કર્યા. રાક્ષસીઓના બે સ્વરૂપો કરી. એક રૂપે ધામમાં મોકલ્યા. બીજે રૂપે કન્યાના શરીરો ધારણ કરાવી લોમશ ઋષિના આશ્રમમાં વાસ આપ્યો. માતા-પિતાએ કન્યાઓ પાસેથી પ્રભુનું આ દિવ્ય ચરિત્ર જાણ્યું.