ભાગ · અધ્યાય ૨૬

શ્રીબાલકૃષ્ણ પ્રભુ દ્વારા સાલવંશના અસુરોનો નાશ - ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ત્રીજા વર્ષના શ્રાવણ માસનો ચમત્કાર કહું સાંભળ. શ્રાવણ માસમાં સર્વે બ્રાહ્મણો અશ્વપટ સરોવર કાંઠે લોમશ ઋષિ આદિ હજારો ઋષિઓ પંચગવ્યથી સ્નાન કરી પિતૃ તર્પણ કરી, દેવો પૂજન કરી, હવન કરી, નવી જનોઇ ધારણ કરતા હતા. તે દિવસે રૂદ્રયાગ, વિષ્ણુ યાગ કરી, મહા રસોડામાં ચૂરમાના લાડુ, મોતિયા લાડું, દૂધ-પાક, પૂરી, શીખંડ, દાળ-ભાત, ભજીયા, શાક, અથાણા તૈયાર થતા હતા. ત્યારે બપોરે એક ગાઉ દૂરથી અવાજ આવવા લાગ્યો. લોમશ ઋષિ દિવ્યદૃષ્ટિથી જાણી ગયા કે, દૈત્ય પત્નીઓ અસુરો સાથે સાલમાલનું વેર વાળવા શસ્ત્રો લઇને આવે છે. તે દૈત્યો બોલતા હતા કે, આ બાલકૃષ્ણે આપણા પિતાને મારી નાખ્યો છે. માટે તેને મારી નાંખો. લોમશ આશ્રમને સળગાવી દો, સર્વે બ્રાહ્મણોનો વિનાશ કરો. એમ બોલતા આકાશમાંથી જયા યજ્ઞ ભૂમિમાં આવ્યા. ત્યાં લોમશ ઋષિએ અથર્વમંત્રથી તેને જડ જેવા બનાવી ત્યાં ઊભા રાખી દીધા.

પછી લોમશ ઋષિએ પ્રભુને સંભાર્યા એટલે અનાદિશ્રીકૃષ્ણનારાયણ કિશોર સ્વરૂપ ધારણ કરી ગરૂડ પર બેસી આવ્યા. સર્વે દૈત્યો પથ્થર, વૃક્ષો, શ્રીહરિ સામે ફેંકવા લાગ્યા. શ્રીહરિએ સુદર્શન ચક્ર મૂકી સર્વ સાલવંશના અસુરોનો નાશ કરી. તેનું તેજ પોતામાં લીન કર્યું. શાલ માલાસુરની સર્વે પત્નીઓ કન્યાઓ વૃક્ષ, વડ નીચે રહીને સ્તુતિ કરવા લાગી, હે પરમેશ્વર આ સર્વે અસુરોનો ઉદ્ધાર કરો અને અમારું રક્ષણ કરો ! તમારું શરણ આપો. અનાદિશ્રીકૃષ્ણનારાયણે ચક્રના તેજથી સર્વના પાપ બાળી પવિત્ર કરી. દિવ્ય સ્વરૂપો ધારણ કરાવી લોમશ આશ્રમમાં વાસ આપ્યો. લોમશ ઋષિએ તે સર્વેની પંચગવ્યથી શુદ્ધિ કરી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” એ મંત્ર આપી તુલસી, કંઠી, માળા આપી. પછી સર્વે બ્રાહ્મણોએ યજ્ઞ પૂર્ણ કરી પ્રસાદ જમી સર્વને પ્રસાદ આપ્યો. વસ્ત્ર આભૂષણોના દાન આપ્યા.

પછી સર્વ દૈત્ય, પત્નીઓએ લોમશ ઋષિને પૂછ્યું, કયા કર્મથી કલ્યાણ થાય ? લોમશ ઋષિ કહે : અહિંસા, સત્ય, દાન, ચોરી ન કરવી, દયા રાખવી, સદા નિર્માનિપણે રહેવું તથા તપ, સાધુની સેવા, પવિત્રપણું, બ્રહ્મચર્ય, શમ, દમ. આ તેર ધર્મો નરનારીઓ પાલન કરવાથી આલોક પરલોકમાં સુખી થાય છે. પ્રભુ ભક્તિ, ગુરુની સેવા, ભિક્ષા ભોજન, તે પણ શાશ્વત સુખ આપે છે. ગુરુપત્ની, ગુરુપુત્રની સેવા કરવાથી મૃત્યુને જીતે છે. બ્રાહ્મ મુહૂર્તમાં શ્રીહરિનું સ્મરણ ધ્યાન કરવું તથા સંત ભક્ત દેવને સંભારવા તેથી ઘણા મોક્ષમાં ગયા છે. સર્વ અવતારોને ધારણ કરનારા અક્ષરથી પર એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ તથા અગણિત મુક્તો અમારો મોક્ષ કરો. મંગલ પ્રભાત કરો. કૃષ્ણનારાયણ લક્ષ્મીનારાયણ તથા મુક્તો-ભક્તો અમારું મંગલ પ્રભાત કરો. વાસુદેવ નારાયણ, માણિકી, પાર્વતી, પ્રભા અમારુ મંગલ પ્રભાત કરો. હીરણ્યગર્ભ, શંકર, બ્રહ્મા, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, શુક્ર, ધર્મ, ઇશ્વરો, ગણેશ, શનિ, ઋષિ, પિત્રુઓ અમારું મંગલ પ્રભાત કરો. સર્વ તીર્થો, પતિવ્રતા, રૂકમાંગદ, ધ્રૂવ, યજ્ઞ, પુંડરીક, પ્રહલાદ, સુવ્રત, અંબરીશ, દિવોદાસ, શુક, શ્રીકૃષ્ણવલ્લભ અમારો મોક્ષ કરો. અમારું મંગલ પ્રભાત કરો. આ સ્તોત્રનો પાઠ નિત્ય કરવો. દેવાલય દેવવૃક્ષ વિદ્વાન ગુરુ વૃદ્ધને પ્રદક્ષિણા કરવી. સત્પુરુષોનો સમાગમ કરવો. જે પોતાના માટે જપ તપ સ્વાધ્યાય નહીં કરતા દંભથી કરે છે તે બિલાડો કહેવાય છે. તે પરલોકમાં સુખી થતો નથી. સંપત્તિ હોવા છતાં જે ખાતો નથી આપતો નથી તે ઉંદર કહેવાય છે. જેના ઘરમાં ભગવાનની ભક્તિ નથી કથા નથી વ્રત નથી તે પરલોકમાં સુખી થતા નથી. માટે સર્વ શ્રીહરિમાં અર્પણ કરી શ્રીહરિનું સ્મરણ કરનારા ક્યારેય પણ કર્મોથી લેપાતા નથી.