ભાગ · અધ્યાય ૨૨૪

પરાંગવ્રત રાજાની આશાસનાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અલંત્રાત ઋષિ સાથે પરાંગવ્રત્ત રાજાએ આવી પ્રભુને પોતાના પુરમાં પધારવા પ્રાર્થના કરી. શ્રીહરિ સર્વ સાથે વિમાનમાં બેસી આશાસનાપુરીમાં પધાર્યા. રાજાપ્રજા, નરનારીઓએ પુષ્પહારથી સ્વાગત કર્યું. શ્રીહરિને હાથી પર સોનાની અંબાડીમાં બેસાડીને શહેરમાં પધરામણી કરાવી. નરનારીઓએ પૂજા કરી. પછી પ્રભુ રાજમહેલે આવ્યા. રાજારાણીએ પૂજાઆરતી કરી ભોજન કરાવ્યા. બે રાજકન્યાએ પ્રભુને કંઠમાં વરમાળા પહેરાવી પછી પ્રભુએ સર્વને કહ્યું, આવતી કાલે પાંચમથી એકાદશી સુધી બ્રાહ્મીલ દેશમાં યજ્ઞ થશે. ત્યાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હું હાજર રહીશ. હું યજ્ઞરૂપ છું. સર્વ યજ્ઞથી હું પ્રસન્ન થાઉં છું. હું સર્વમાં રહેલો છું. પણ જેમ અમાસનો ચંદ્ર દેખાતો નથી તેમ અજ્ઞાનરૂપી અંધકારવાળાને હૃદયમાં હું દેખાતો નથી. જેમ પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ પ્રકાશ કરે છે તેમ ભક્ત જ્યારે ભક્તિથી પૂર્ણ થાય ત્યારે હૃદયમાં હું પ્રકાશ કરું છું. રાહુથી ગ્રહણ કરાયેલો ચંદ્ર જેમ પ્રકાશ કરતો નથી, તેમ માયાવાળાને આત્મામાં પ્રકાશ થતો નથી, અતૃપ્તને શાંતિ નથી, અશાંતને સુખ નથી, સુખશાંતિ વિના મોક્ષ નથી.

પહેલું દુ:ખ વિષયોનું, 2-ઇન્દ્રિયોનું, 3-મનનું, 4-વાસનાનું, 5-કર્મનું, 6-દુર્ગુણનું, 7-ઘરમાં ક્લેશનું, 8- દરિદ્રતાનું, 9-શરીરમાં રોગનું, 10-પરવસતાનું, 11-અપકીર્તિનું, 12-બુધ્ધિ ઓછીનું, 13-અપુત્ર કુટુંબનું, 14-દાસપણાંનું, 15-અપંગનું, 16-શત્રુનું, 17-શરીરનું, 18-શરીરના વિકારોનું. આ સર્વ સર્વ દુ:ખો નરકરૂપ છે. જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી તૃષ્ણા ટળતી નથી. જ્યાં વિષય છે ત્યાં-ત્યાં તૃષ્ણા છે. જ્યારે ભગવાનનો આશરો નામ સ્મરણ ભક્તિ કરે છે ત્યારે પાપ તૃષ્ણા અને વિષયમાંથી વૃત્તિ તૂટે છે. પછી રાજારાણીએ પૂજા કરી ભેટ મુકી પ્રભુને વિદાય આપી.