શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પ્રેંખા ઉત્સવ - તલાજા રાક્ષસીની મુક્તિ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણને બારમે દિવસે પ્રેંખા ઉત્સવ કર્યો. તેના માટે હીરા-મોતી, સોનાના તારવાળું ચિત્ર, વિચિત્ર, કોમળ શય્યાવાળું, ઘોડીયું ગોપાળ દેવે કરાવ્યું. તેમાં જડેલા હીરામાં સૂર્ય, ચંદ્ર દેખાતા તથા અનેક ધામો દેખાતા એવું ઘોડિયું વિશ્વકર્માએ બનાવ્યું. તે વખતે હે રાધા, તું પણ દિવ્ય પ્રેંખા લઇ ગઇ હતી, તથા વૈકુંઠથી લક્ષ્મી અને અક્ષરથી બ્રહ્મપત્નીઓ પ્રેંખા લઇ ગઇ હતી. સર્વે ઇશ્વરાણીઓ બાલકૃષ્ણ માટે સોના-ચાંદીના પારણિયા લઇ આવી હતી. તે સર્વે પારણીયામાં અક્ષર, ગોલોક, વૈકુંઠ વગેરે ધામોના દર્શન સર્વને થતાં તથા બ્રહ્માંડોની રચના દેખાતી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ અનેક સ્વરૂપ ધારણ કરી સર્વ પારણિયામાં ઝૂલ્યા. કંભરાલક્ષ્મી તથા સર્વે ભક્તો અનાદિશ્રીકૃષ્ણનારાયણનો આવો દિવ્ય અદ્ભુત ચમત્કાર જોઇ આશ્ચર્ય પામ્યા.
પ્રભુ અનેક રૂપ ધારણ કરી પારણિયામાં ઝૂલતા હતા તેથી કોઇ મૂળ રૂપને ઓળખી ન શક્યા. ત્યારે લક્ષ્મી, જયા, લલિતા, પ્રભા, પાર્વતી, માણિકી જે પ્રભુની નિત્ય યોગવાળી યોગિની પત્ની હતી. તેણે બાલકૃષ્ણના જમણા અને ડાબા હાથમાં ચિહ્નો જોઇને તે ઉપરથી મૂળરૂપે રહેલા શ્રીહરિને ઓળખીને પછી તેડીને વારંવાર ચુંબન કરતી હતી. કેડ્ય પર બેસાડીને રમાડતી હતી. પછી પ્રભુએ સર્વના પારણિયા સર્વને પ્રસાદી કરી પાછા આપ્યા. તે સમયે સિંહારણ્યમાં નિવાસ કરતી તલદૈત્યની પુત્રી તલાજા તે બે સ્વરૂપ ધારણ કરી. એક રૂપે તેજસ્વી કન્યા રૂપે થઇ. બીજે રૂપે પારણિયા રૂપે થઇને શ્રીહરિ પાસે આવી. કંકુ, ચોખાથી પૂજા કરી બાલકૃષ્ણને પારણિયામાં માતા દેખે તેમ હીંચકાવા લાગી. પછી તલ દૈત્યે કૃષ્ણને મારવા મોકલેલી તે તલાજા મોટું વિકરાળ રૂપ ધારણ કરી, પારણિયામાંથી બાલકૃષ્ણને ઉપાડી આકાશમાર્ગે આઠ યોજન દૂર અરણ્યમાં એક ગુફામાં લાવી. શ્રીહરિએ તેની મારી નાખવાની ઈચ્છા જાણીને તેને ચતુર્ભુજરૂપે દર્શન દીધા. બીજે રૂપે કુંકાવાવ આવી પારણિયામાં ઝૂલવા લાગ્યા. જેથી કોઇને ખબર ન પડે શોક ન થાય. પછી તલાજા રાક્ષસી બાલકૃષ્ણને જોઇને મોહ પામી, અને વિચારવા લાગી. આ બાળકને મરાય નહીં આને તો રમાડાય. પ્રભુ પણ તેનો ભાવ જોઇ સ્તનપાન કર્યું. આઠ દિવસ પ્રભુને રાખ્યા. ત્યાં તેનો પિતા તલદૈત્ય, હજુ સુધી કેમ ન આવી કે બાલકૃષ્ણે મારી નાખી એમ વિચારી વનમાં શોધવા લાગ્યો અને ગુફામાં આવ્યો.
ત્યારે તલાજાએ શ્રીહરિની પ્રાર્થના કરી કે, હે પ્રભુ મારા પિતા મને મારી નાખશે. મારું રક્ષણ કરો, તે સમયે બાલકૃષ્ણ પ્રભુ યુવાન સ્વરૂપ ધારણ કરીને શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરી ગુફા બાહર આવ્યા. ત્યાં દૈત્ય ભયથી ભાગીને પૃથ્વીમાં પેસી ગયો. તલાજા પ્રભુના રૂપમાં મોહ પામી. તેને લઇને શ્રીહરિ કુંકાવાવ આવ્યા. તલાજાને લોમશ ઋષિના આશ્રમમાં વાસ આપ્યો. પછી શ્રીહરિએ તેને બીજે રૂપે ડાંગરમાં વાસ આપ્યો. ત્રીજું દિવ્ય રૂપ મુક્તનું આપી ધામમાં વાસ આપ્યો.
એ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણના યોગને પામી તલાજા રાક્ષસી કૃષ્ણ પત્ની થઇ, અને ચાર સ્વરૂપે રહી. જેમ શેરીની ગટરનું પાણી ગંગામાં જાય અને ગંગાતુલ્ય થાય, તેમ દૈત્ય રાક્ષસ પણ શ્રીહરિના યોગને પામી મુક્ત ભાવને પામે છે. આઠ દિવસ પછી આ ચમત્કાર તલાજાએ લોમશ ઋષિને કહ્યો. લોમશ ઋષિએ માતા-પિતાને કહ્યો. પછી શાંતિપાઠ કરાવ્યા. સર્વ દેવો આવ્યા. ભોજન કરાવ્યા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, આ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો પ્રેંખા ઉત્સવ તને કહ્યો.