થર્કુટ રાજા દ્વારા દ્વિતીય મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ
શીબી રાજાના યજ્ઞમાં બીજે દિવસે હજારો નિસ્તેજ, દુબળા નરનારીઓ પ્રભુ પાસે આવી કહે : અમારો ઉદ્ધાર કરો. શ્રીહરિ કહે : તમે કોણ છો ? તેમણે કહ્યું, અમે સર્વે અસદ્ગતિ પામેલા પ્રેતો છીએ. શ્રીહરિએ તે સર્વને પ્રસાદી જલ પાઇને તેનો મોક્ષ કર્યો. પછી શીબી રાજા સાથે શ્રીહરિ વિમાનમાં બેસી બીના નદી કાંઠે થર્કુટ રાજાના રાજ્યમાં આવી, પચાસ યોજનમાં રહેલા મહામંડપને જોઇને આશ્ચર્ય પામ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણના આગમનને જાણીને પ્રજા, રાજા સર્વે જયઘોષ કરવા લાગ્યા અને પુષ્પ ચંદન ચોખાથી વધાવવા લાગ્યા. થર્કુટ રાજા મેષાયન ઋષિ સર્વએ શ્રીહરિને હાર પહેરાવ્યા. માગશર સુદ પાંચમે યજ્ઞનો આરંભ થયો. લોમશ ઋષિએ બાલકૃષ્ણનું અને થર્કુટરાજા યજમાનનું કાંડુ બાંધ્યું. સર્વનું પૂજન કરી, પ્રથમ યજ્ઞ કર્યો. તેવો જ બીજો યજ્ઞ પૂર્ણ કરીને શ્રીહરિએ થર્કુટ રાજાની છાતીમાં ચરણાવિંદ આપી કહ્યું, તમારો વંશ અવિચળ રહો, તમારી પ્રજા સુખી રહો અને મારી ભક્તિવાળી હો. પછી સર્વ મહેમાનોને દીન-અનાથોને ભોજન પ્રસાદ કરાવી દાન આપી રાજાને કહ્યું, અહીં મંદિર કરી મારી મૂર્તિ છ પત્નીઓ સાથે પધરાવજો. આ તીર્થમાં સર્વ સ્નાન કરજો. લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચજો. હું નારાયણ સ્વામિ સર્વનો મોક્ષ કરનાર છું.
સર્વ પ્રકારે મારી ભક્તિ કરવી. મારા ભક્તોને સદા દિવ્ય માનવા. દોષની નિવૃત્તિ માટે મંદિરમાં વાસ કરી, દાસની જેમ સર્વ સેવા કરવી. હિંસા ન કરવી. પરસ્ત્રી ગમન ન કરવું, માંસ ન ખાવું, દારૂ ન પીવો, આત્મઘાત ચોરી ન કરવી, ખોટું કલંક ન દેવું, કોઇની નિંદા ન કરવી, તે પુણ્યનો નાશ કરે છે. નાસ્તિકોનો સંગન કરવો. સંત સેવા કરવી કારણ કે સંત મારી દિવ્ય મૂર્તિ છે. મારી આજ્ઞાપાલન કરનારા આલોકમાં સુખી રહે છે. તેને ત્યાં અષ્ટ સિદ્ધિઓ વાસ કરે છે. ભક્તિ અતિશય કરવી. ભોગ અતિ ન કરવો. નિદ્રા અતિ ન કરવી. સેવા અતિ કરવી. વસ્તુ પદાર્થની તૃષ્ણા અતિ ન રાખવી. એવી રીતે સર્વને ઉપદેશ આપીને સર્વને મંત્ર - “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” વગેરે મંત્રો આપી રાજાના આવાસમાં વિશ્રામ કર્યો.