ભાગ · અધ્યાય ૨૫૬

જીવાત્મા સંસારને ત્યજી ધામમાં જવા પ્રયત્ન કેમ કરતો નથી ?

અશ્વપાટલ રાજાએ પૂછ્યું : જીવાત્મા ક્ષર સંસારને તજી અક્ષરમાં જવા કેમ પ્રયત્ન કરતો નથી ?

લોમશ ઋષિ કહે : જીવાત્મા કર્મને આધિન થઇને પાપ પુણ્યથી પોતાને બાળક, યુવાન, વૃદ્ધ, નપુંસક માની કર્મ કરતો રહે છે અને તેના ફળ ભોગવતો રહે છે. તે કર્મ પાપ-પુણ્ય મિશ્રિતથી જીવ સાથે ચોંટી જડાઇ ગયા હોવાથી પોતાને નાતિ, જાતિ, જાડો, પાતળો, સુખી, દુ:ખી માને છે. તે કર્મપાશથી બંધાઇને સુખ માટે, ભોગ માટે, વધારે મેળવવા તૃષ્ણાથી ભેગુ કરવા ચારેકોર દોડે છે. તેથી નવું કર્મ બાંધી રાગદ્વેષથી ક્ષર એવા સંસારને મુકી શકતો નથી. દેહ પરાયણ થઇને શરીર સંબંધી જ કર્મ કરી વારંવાર દેહધારણ કરી સુખદુ:ખને પામે છે અને અજ્ઞાનથી, મોહથી સંસારનું બંધન વૃદ્ધિ પામે છે. એવી રીતે હજારો જન્મ ધારણ કરવા છતાં તેની સંસારથી મુક્તિ થતી નથી. પુણ્યકર્મથી દેવ અને માનવ જન્મ ધારણ કરે છે અને સ્વર્ગ અને પૃથ્વિના શારીરિક પંચવિષયના ભોગને ભોગવે છે. પાપકર્મ કરીને દૈત્ય, દાનવ, માનવ, યજ્ઞ, રાક્ષસ, સ્થળચર, વનચર, ભૂચર, ખેચું, જળચર, વગેરે પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ વેલીના અનંત જન્મમાં દુ:ખને ભોગવે છે. એટલે અજ્ઞાનથી ક્ષર એવા સંસારમાંથી નીકળી શકતો નથી. તેમાં જો સદ્ગુરુ મળે, શાસ્ત્રોનો અભ્યાસ કરે, સત્સંગ કરે, શ્રીહરિની કથા સાંભળે, સંતપુરૂષની સેવા મળે તો પ્રભુ કૃપાથી તેના આત્મામાં મુક્ત સમાન વર્તન થવા લાગે ત્યારે શ્રીહરિનું ધ્યાન ભક્તિ કરી આત્માને પરમાત્મામાં જોડે, ત્યારે અક્ષર-બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરે છે. માટે જ્યાં સુધી શ્રીહરિનો આશ્રય અને સત્સંગ કરતો નથી ત્યાં સુધી સંસારનો લય થતો નથી. તેથી તપથી, જ્ઞાનથી, વિવેકથી આત્માને શરીરથી જુદો માની અમાયિક જ્ઞાનથી સત્પુરૂષના માર્ગે ચાલે છે ત્યારે પ્રભુકૃપાથી આત્મા, અનાત્માનો વિવેક થવાથી મુક્ત-સ્થિતિ પ્રાપ્ત કરે છે. પછી તેને શ્રીહરિ વિના કોઇપણ વસ્તુ પદાર્થ પંચવિષયમાં પ્રીતિ થતી નથી. અને અતી પશ્ચાતાપ કરે છે કે, અરે મેં અત્યાર સુધી મોહથી, તૃષ્ણાથી, અજ્ઞાનથી, ભગવાનને નહીં જાણીને માયામાં, કર્મમાં બંધાઇને કાળને આધિન થયો, છેતરાયો. હવે હું સદ્ગુરુ અને શ્રીહરિની કૃપાથી વિવેકવાળો થયો. હવે હું શ્રીહરિની દૃઢ ભક્તિ કરી પરમપદને પામીશ. હે રાજા, જીવાત્માને જ્યારે આવું વિવેકજ્ઞાન થાય છે ત્યારે તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું આચરણ કરે છે ત્યારે તેને કાળ, કર્મ, માયાનો ભય રહેતો નથી.

ન્યાયવાળાને, દોષ રહિતને, પરોપકારીને, સંતસેવા કરનારને, વિરક્તને, સહન કરનારને, શાંત તપસ્વી સેવકને, આલોક પરલોકમાં ભય રહેતો નથી. એવો જ્ઞાની અને ભક્તિવાળો આત્મા પાપ, પુણ્યથી રહિત થઇને, જન્મમૃત્યુથી રહિત થઇને, નિર્લેપ થકો માયાપાર અક્ષરગતિને પામે છે. એવો મુક્ત થયેલો આત્મા અગ્નિથી જેમ ચૂલો લેપાતો નથી, પાણીથી કમળને લેપ લાગતો નથી. તેમ સંસારમાં તેને માયાનો લેપ લાગતો નથી. નટ જેમ તેલપાત્ર ભરીને દોરડા પર ચાલે છે અને એક ધ્યાનથી તેલને ઢોળાવા દેતો નથી. તેમ જ્ઞાની યોગી ભક્ત એક ધ્યાન પરમાત્મામાં રાખીને સંસાર પાર ઉતરે છે. તેમ હે રાજા, તું પણ સર્વ સંસારના માયિક પંચવિષયના પદાર્થમાંથી ચિત્તવૃત્તિ પાછી વાળી આત્મામાં એક પરમાત્માને જ ધારીને ચિંતવન કર્યા કર. તો તું પણ શાંતિને પામીશ.