ભાગ · અધ્યાય ૨૪૦

બાલપ્રભુના વીતિહોત્ર યોગીને સહસ્ત્ર ઋષભદેવરૂપે દર્શન

શ્રીકૃષ્ણ કહે : રાધા, હિમાલયમાં રહેતા મહાયોગી વીતિહોત્ર હિમાલયમાં તપ કરતા હતા. દિવ્યદૃષ્ટિથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ જ્યાં જ્યાં યજ્ઞો, ઉત્સવો, જન્મજયંતિઓ ઉજવતા તે સર્વે દેખાતા. તે યોગી કંભરાપુત્ર બાલકૃષ્ણના દર્શન કરવા કુંકુમવાપી માગશર ત્રીજે આવ્યા. અશ્વપટ સરોવર કાંઠે વડલાની નીચે ધ્યાનમાં બેઠા. અને મનમાં સંકલ્પ કર્યો કે, અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારા ગુરુ ઋષભદેવરૂપે આવી હજાર સ્વરૂપે મને ભેટે તો હું તેનો દાસ થઇ તેની પાસે રહી મોક્ષ મેળવું. આવો દૃઢ નિશ્ચય કરી સમાધિમાં બેઠા.

જેનાથી આત્માની પુષ્ટિ થાય અને ભવસાગર તરાય જેનાથી મહાશાંતિ થાય એવા ગુરુનો આશ્રય કરવો. જેનાથી શીક્ષા મળે, ઐશ્વર્ય ચમત્કાર દિવ્યભાવ જોવા મળે, એવા ગુરુનો આશ્રય કરવો. જેનાથી ચિત્તવૃત્તિ શાંત થાય, વાસનાનો નાશ થાય, આત્મામાં પ્રકાશ થાય એવા ગુરુનો આશ્રય કરવો. લૌકિકગુરુ આલોકના કાર્યો સફળ થાય, એવા આશીર્વાદ આપે છે. અલૌકિક ગુરુ ભગવાન આપી મોક્ષ આપે છે. માતાપિતા ગુરુ કહેવાય છે. શરીરની રક્ષા કરનારા, ભાષા જ્ઞાન આપનારા, શિક્ષા કરનારા, વિદ્યાકલા શીખવનારા તે સર્વ ગુરુ કહેવાય છે. પણ શ્રીહરિનો મંત્ર આપી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, યોગ, સિધ્ધિ, બ્રહ્મસ્થિતિ તે પ્રાપ્ત કરાવે એવા ગુરુ અતિ શ્રેષ્ટ છે. અંધકારરૂપી અજ્ઞાનનો નાશ કરી, જ્ઞાનરૂપી પ્રકાશ આપી પરમાત્મા પાસે પહોંચાડનારા મોક્ષદાતા ગુરુ સર્વશ્રેષ્ટ છે. યોગી, ધર્મ, જ્ઞાનિ, બ્રહ્મચારી, વૈરાગ્યવાળા, સાધુ સ્વભાવવાળા, સર્વસ્વ આપનારા એવા ગુરુ શ્રીહરિ પોતે જ છે. તે સર્વ ઇશ્વરોના ઇશ્વર છે. અવતારોના અવતારી છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામીશ્રીકૃષ્ણવલ્લભ કંભરા ગોપાલપુત્ર પોતે જ સર્વ પ્રજાના ભક્તોના પરમગુરુ છે. આવો નિશ્ચય વિચાર કરી તે યોગી ધ્યાનમગ્ન થયા.

સર્વજનો તેજસ્વી યોગીને જોઇને આશ્ચર્ય પામતા બોલતા આ મુક્ત કયા ધામથી આવ્યા છે. તે યોગીના દર્શન કરવા ઋષિમુનિઓ, દેવો, પિતૃઓ, ઇશ્વરો ધામના મુક્તો પણ આવવા લાગ્યા. બાલકૃષ્ણ પ્રભુ વીતિહોત્ર યોગીનો સર્વ રહસ્ય દૃઢ નિશ્ચય જાણી, તેની પાસે જઇ તેને જગાડી એક હજાર સ્વરૂપ ધારણ કરી શ્રીહરિ તેનો સંકલ્પ પૂર્ણ કરી તેને ભેટતાં હતાં. તે યોગી પણ હજાર સ્વરૂપ યોગકળાથી ધારણ કરી પ્રભુને ભેટ્યા. શ્રીહરિ તરત સર્વસ્વરૂપ સંકેલી એક ઋષભદેવરૂપે જટાવાળા, વસ્ત્ર વિનાના તેની સામે ઉભા રહ્યા. તે યોગી સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ તમે ગુરુ છો. ઋષભદેવ તમે છો, બ્રહ્મ પરબ્રહ્મ અવતાર અવતારી અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વ તમે જ છો. હે પ્રભુ, સર્વે દેવ-દાનવ, માનવરૂપે તમે જ રહેલા છો. ચરાચર જગતરૂપે પણ તમે થયેલા છો. દીન, અનાથ, દરિદ્રોના રક્ષણ અને પોષક તમે છો. શરણે આવેલા આશ્રિતોના સંકલ્પ પુરા કરનારા તમે છો. નર-નારી, ગર્ભબીજ, ઇન્દ્રિયો, ફળ, પુષ્પ, નિદ્રા, જાગ્રત, રતિ, પ્રીતિજ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય તમે જ સર્વરૂપ છો. હે પ્રભુ સર્વ તત્વરૂપે રહેલા તમને નમો નમ:. વીતિહોત્ર યોગીની સ્તુતિથી પ્રસન્ન થયેલા શ્રીહરિએ મૂળરૂપે દર્શન આપી કહ્યું, વરદાન માંગ. યોગી કહે, અહીં તમારા ચરણમાં વાસ આપી તમારી ભક્તિ આપો. અને અંતે તમારા ધામમાં વાસ આપો. શ્રીહરિ કહે, તથાસ્તુ. એમ કહીને વડલામાં અદૃશ્ય થયા. તે અશ્વપટ સરોવર કાંઠે વડલામાં ઋષભ તીર્થ થયેલું છે. ત્યાં સ્નાનદાન કરશે તે સર્વ સિધ્ધિ પામશે. અને તેના નાના મોટા સર્વ પાપ નાશ થાશે. આ અધ્યાયની જે કથા કહેશે, સાંભળશે તે તીર્થના ફળને પામશે તથા ભુક્તિ અને મુક્તિ પામશે.