શ્રીહરિ દ્વારા નિંભાડામાં બિલાડીનાં બચ્ચાંઓનું રક્ષણ
શાપને કારણે અતિ કષ્ટથી બિલાડાના યોગથી બિલાડીને પાંચ બચ્ચાં થયાં. તેનું રક્ષણ કરવા કુંભારના કાચા ઘડામાં તે બચ્ચાંને રાખ્યા. કુંભારે કાચા ઘડાઓ ભઠ્ઠીમાં મૂકી અગ્નિ લગાવ્યો. બિલાડીએ બહારથી આવી જોયું તો બચ્ચાં અને ઘડો ન મળે તેથી વિહ્વળ થઇ રૂદન કરવા લાગી. બચ્ચાના હેતથી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરવા લાગી. હે હરિ, હે સ્વામિ ગર્ભમાં તમે રક્ષણ કરો છો. તમે સર્વસ્થાનમાં રક્ષણ કરવા સમર્થ છો. જો હું તમારી ભક્તા હોઉં તો મારા બચ્ચાંનું રક્ષણ કરજો. એમ સ્તુતિ ભજન કરતી ત્યાં બેઠી હતી. રાત્રિ દિવસ નિંભાડો અગ્નિવાળો હોવા છતાં અગ્નિ ઠરી ગયો ત્યારે નિંભાડામાંથી બચ્ચા બોલતા રમતા બહાર આવ્યા. બિલાડી બચ્ચાને હેતથી ચાટવા લાગી અને ધવરાવ્યા. પછી રાત્રિ-દિવસ શ્રીહરિનું નારાયણનું ભજન કરવા લાગી. હવે મારે ક્યાંય જવું નથી. જે પ્રભુએ મારા બચ્ચાનું રક્ષણ કર્યું છે તે પ્રભુ અહીં ખાવાનું આપશે. ત્યાં કુંભાર આવ્યો. ઘડા પાકી ગયા અને આ બચ્ચાં જીવતાં રહ્યાં તે સર્વજનો જોવા આવ્યા. ત્યાં ભઠ્ઠીમાં ભગવાનના ચરણ જોયા. તેથી સૌએ માન્યું પ્રભુએ રક્ષણ કર્યું છે. પછી નરનારાયણ ભગવાને દર્શન આપી બિલાડીના દેહમાંથી મુક્ત કરી ફરી સનત ઋષિનું રૂપ આપ્યું. ત્યાં દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી. તે માર્જારપુર નામે ગામ થયું.