ભાગ · અધ્યાય ૬૮

શ્રીબાલકૃષ્ણ પ્રભુને સર્વએ દાન આપ્યા - પ્રભુએ દિવ્ય દર્શન આપ્યા

શ્રીકૃષ્ણ કહે : રાધા, સર્વે પર પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે કુબેર, કલ્પવૃક્ષ, રમા, પૃથ્વી, ચિંતામણી પાસે ભેટો સર્વેને અપાવતા હતા. અવતારોને મુગટ, કુંડળો આપ્યા. મુક્તોને દિવ્ય માળા આપી. ઇશ્વરોને હાર આપ્યા. બ્રહ્માદિને સિંહાસનો આપ્યા. પિતૃઓને અક્ષયપાત્રો આપ્યા. દેવોને રત્નોના હાર દીધા. દૈત્ય, દાનવ, અસુરોને વાહનો આપ્યા. માનવોને ધન આપ્યું. નાગને મણિ, પશુને ભોજન, પક્ષીને ફળ, ફૂલ, આપ્યા. વિપ્રોને રૂપિયા, સાધુ-સાધ્વીને વસ્ત્રો વગેરે દાન આપ્યા. સતીઓને વસ્ત્ર-અલંકારો સૌભાગ્યનું દાન આપ્યું. જેને જે ઈચ્છા હતી તેને તે વસ્તુ પ્રાપ્ત થઇ. સર્વે કર્મચારી, દાસ- દાસીઓને યથાયોગ્ય પારિતોષિકો આપ્યા. બહેન, પુત્રી, કન્યા, દેવીઓને યથાયોગ્ય વસ્ત્રધન આપ્યા. કંભરાલક્ષ્મીએ સર્વે સ્ત્રીઓને વસ્ત્ર આભૂષણો આપ્યા.

એ રીતે સર્વે ઋષિઓને લોમશ ઋષિ યથાયોગ્ય ધન આપતા હતા. બાલપ્રભુના બહેન સંતોક તે પણ સ્ત્રીઓને વસ્ત્રનું દાન આપતા હતા. પછી પિતા ગોપાલકૃષ્ણ સભામાં બોલ્યા, મારા પુત્રના જનોઇ મહોત્સવમાં આવેલા સર્વેને ધન્યવાદ આપું છું. મારાથી સેવામાં કાંઇ અધુરું રહ્યું હોય તો ક્ષમા માગું છું. તમે સર્વે મારે ત્યાં પધાર્યા તેથી હું યશભાગી થયો છું. પછી રાધાકૃષ્ણે અનાદિશ્રીકૃષ્ણનારાયણ, બાલકૃષ્ણની પૂજા કરી ગોપવેશ પહેરાવી મુગટ ધારણ કરાવી, બંસી હાથમાં આપી. ચિંતામણિ કામધેનુ ગાય આપી, પછી લક્ષ્મીનારાયણે બાલકૃષ્ણની પૂજા કરી મુગટ કુંડળ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, ગરૂડ, વિમાન આપ્યા. વાસુદેવાદિ અવતારોએ પ્રભુની પૂજા કરી. પ્રગટ પુરુષોત્તમની મહાવિષ્ણુ, ભૂમાપુરુષ, વૈરાટનારાયણ, સદાશિવ વગેરેએ પૂજા કરી તિલક, ચાંદલો, સુવર્ણ મોતીના હાર પહેરાવ્યા. દિશાના દેવો બ્રહ્માદિ દેવોએ બાલપ્રભુની પૂજા કરી સુવર્ણપાત્રો, કળશ, કમંડલુ આપી પુષ્પહારો પહેરાવ્યા. ઋષિ-મુનિઓએ છત્ર, ચામર ધરાવ્યા. દેવોએ પ્રભુની પૂજા કરી વાહનો દીધા. સૂર્ય-ચંદ્રે બાલપ્રભુની પૂજા કરી મણિ, રત્નમાળા આપ્યા. સર્પોએ પૂજા કરી મણિ મોતી આપ્યા. દૈત્યો, દાનવો, અસુરોએ પ્રભુની પૂજા કરી વૈભવો આપ્યા. નદી, પર્વત, સમુદ્ર, તીર્થોએ પ્રભુની પૂજા કરી મણિઓ આપ્યા. સર્વે મનુષ્યોએ પૂજા કરી વસ્ત્રો આપ્યા. વૃક્ષવેલીએ પૂજા કરી સર્વ રસો આપ્યા. પછી સર્વે અવતારો, ઇશ્વરો વગેરેએ એકસો એક ઉપચારથી બાલકૃષ્ણનું પૂજન કરી આરતી ઉતારી પ્રદક્ષિણા કરી, સ્તુતિ કરી, નમસ્કાર કરી આસને બેઠા.

પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ કૃપા કરી સર્વેને પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. પ્રથમ પરમધામ દેખાડ્યું. મુક્તો-મુક્તાણીઓ બતાવ્યા. પછી પ્રભુના મસ્તકમાં અક્ષરધામ દેખાડ્યું તેના મુક્તો-મુક્તાણીઓ બતાવ્યા. ભાલમાં હજારો અવતારો દેખાડ્યા. જમણા નેત્રમાં ગોલોક, ડાબા નેત્રમાં વૈકુંઠ બતાવ્યા. નાસિકામાં મહાવિષ્ણુ, ભ્રૂકુટીમાં કાળ બતાવ્યો. બંને ગંડસ્થળમાં પ્રધાનપુરૂષ પ્રકૃતિપુરૂષ બતાવ્યા. મુખમાં વૈરાટ, દાંતોમાં સો મુખવાળા બ્રહ્મા બતાવ્યા તથા રુદ્રો તથા વિષ્ણુઓ દેખાડ્યા. દાઢીમાં આઠ આવરણના ઇશ્વરો, ચીબુકમાં લક્ષ્મી તે સર્વે બ્રહ્મસૃષ્ટિ બતાવી. પછી કંઠ નીચે કારણસૃષ્ટિ બતાવી. હૃદયમાં, સ્તનમાં અનેક ધામો, અવતારો ઇશ્વરો બતાવ્યા. ઉદરમાં મહામાયા બતાવી. પડખામાં શ્રીલક્ષ્મી દેખાડ્યા. પેડુમાં ઇશ્વરાણીઓ દેવીઓ દેખાડ્યા, લિંગના મૂળમાં સત્યલોક વગેરે દેખાડ્યા. કેડમાં શેષ કચ્છપ બતાવ્યા. સાથળમાં દૈત્યો દાનવો, રોમમાં ઋષિ પિતૃઓ, પિંડમાં અસુરો, ગોઠણમાં મનુષ્યો, પગમાં સર્પો વગેરે દેખાડ્યા. બ્રહ્મસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, જીવસૃષ્ટિ આ ત્રણ પ્રકારની સૃષ્ટિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણની મૂર્તિમાં જોઇ સર્વે આશ્ચર્ય પામી, પુરુષોત્તમ માની અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જયઘોષ કરતા હતા. પછી સભાવિસર્જન કરી સૌ પોતાના સ્થાનમાં ગયા. આ અનાદિશ્રીકૃષ્ણનારાયણની જે કથા કહેશે, સાંભળશે, સ્મરણ, કરશે તે મોક્ષને પામશે.