ભાગ · અધ્યાય ૨૫૭

આત્મા દેહથી કઇ રીતે નીકળે છે ? - કોની ઉપાસનાથી કયાં ધામની પ્રાપ્તિ ?

અશ્વપાટલ રાજાએ પૂછ્યું : પાપપુણ્યથી રહિત થયેલો શુધ્ધ આત્મા દેહથી કઇ રીતે નીકળે છે અને ક્યાં જાય છે ?

લોમશ ઋષિ કહે : યોગ, તપ, ભક્તિ, પુણ્ય, પાપ, કર્મ, માયા કે વાસનાના બળથી આ જીવાત્મા શરીરના જે ભાગમાંથી નીકળે છે, તે દેવલોકને પામે છે. આત્મા પગમાંથી નીકળે તો વિષ્ણુલોકને પામે છે. પીંડીમાંથી નીકળે તો વસુને પામે. સાથળમાંથી નીકળે તો પ્રજાપતિને પામે. ગુદાથી નીકળે તો મિત્ર દેવને પામે. લિંગ કે યોનિમાંથી નીકળે તો સત્યલોકને પામે. પેડુમાંથી નીકળે તો મેરુના સ્થાનને પામે. નાભીમાંથી નીકળે તો સ્વર્ગમાં જાય. પડખામાંથી નીકળે તો મરૂતના લોકને પામે. હાથથી નીકળે તો ઇન્દ્રલોકને પામે. છાતીમાંથી નીકળે તો રુદ્રલોકમાં જાય. ડોકમાંથી નીકળે તો મનુષ્યલોકને પામે. મુખથી નીકળે તો વિશ્વંદેવને પામે. કાનમાંથી નીકળે તો દિશાના દેવને પામે. નાકથી નીકળે તો વાયુલોકને પામે. નેત્રથી નીકળે તો સૂર્ય ચંદ્રને પામે. ગંડસ્થળથી નીકળે તો અગ્નિલોકને પામે. ભૃકુટીમાંથી નીકળે તો અશ્વિનીકુમારને પામે. લલાટમાંથી નીકળે તો પિતૃલોકને પામે. અને જો મસ્તકના બ્રહ્મરંધ્રમાંથી નીકળે તો સુષુમ્ણા માર્ગે સનાતન બ્રહ્મલોકને પામે છે.

હે રાજા, આત્મા ઉપાસના બળથી જીવાત્મા પાપ-પુણ્યને ભેદી અને ઉર્ધ્વગતિમાં જાય છે. તેમાં શિવની ઉપાસનાવાળા કૈલાશમાં જાય છે. વિષ્ણુની ઉપાસનાવાળા શ્વેત દ્વિપને પામે છે. નરનારાયણની ભક્તિથી બદ્રિકાશ્રમમાં જાય છે. યજ્ઞ કરનારા સ્વર્ગમાં જાય છે. પિતૃભક્ત પિતૃલોકને, બ્રહ્મચર્યથી સિધ્ધલોકને, તપથી સત્યલોકને પામે છે. મહાવિષ્ણુની ઉપાસનાથી વૈકુંઠને પામે છે. નારાયણની ભક્તિથી મહાવૈકુંઠ, રાધાકૃષ્ણની ઉપાસનાથી ગોલોકને પામે છે. માયા-પ્રકૃતિને આદ્યાશક્તિની ઉપાસનાથી માયાના આઠ આવરણમાં ગતિ થાય છે. ભૂમાપુરૂષની ઉપાસનાથી અવ્યાકૃતધામમાં જાય છે. વાસુદેવની ભક્તિથી અમૃતધામને પામે છે. અવતારોની ઉપાસનાથી તે તેને પામે છે. અક્ષરની ઉપાસનાથી અક્ષરધામને પામે છે. પરબ્રહ્મની ઉપાસનાથી પરમધામને પામે છે. ઉપાસના ભક્તિ વિના તામસી કર્મથી દૈત્ય, દાનવ, રાક્ષસ અને પશુ પક્ષીના જન્મને પામે છે. રાજસી ધર્મથી શ્રીમંત, દેવ, વસુ, ગાંધર્વ, લોકપાલ, સ્વર્ગ વગેરેને પામે છે. સાત્વિક કર્મથી સાધુ બ્રાહ્મણ થાય છે. અને ગૃહસ્થાશ્રમમાં રહેલા જો જ્ઞાનાગ્નિથી સર્વકર્મને બાળી નાખે તો સંન્યાસીની જેમ પરમગતિને પામે છે.