બ્રહ્માની બોત્તેર હજાર કન્યાઓ બાલપ્રભુના દર્શને ગઇ
શ્રીકૃષ્ણ કહે : રાધા, બ્રહ્માની ત્રણે પુત્રીએ પૃથ્વીના સર્વે પર્વતોને જોયા. સર્વ દેશોને જોયા, સર્વ રણ, નદીઓ, સમુદ્રો, સરોવરો વગેરે તીર્થો જોઇને સત્યલોકમાં ગઇ. પિતાને પગે લાગી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ચરણામૃત, પુષ્પ, પ્રસાદી આપી અને નારદનો ઉપકાર માન્યો તથા પ્રભુનો મંત્ર બોલ્યા. તે સાંભળીને બ્રહ્માની બીજી બોંતેર હજાર કન્યાઓએ પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા જવા ઈચ્છા કરી અને પિતાને કહ્યું, અમારે પણ પ્રભુના દર્શને જવું છે. બ્રહ્મા કહે : તમને ધન્ય છે; જે પ્રગટ પ્રભુના દર્શન કરી રાધા- લક્ષ્મી સમાન થવાય છે. ભક્તિથી, તપથી, વૈરાગ્યથી, યોગ, યજ્ઞથી જે પ્રાપ્ત થાય છે. તે પ્રભુ આજ સહેજે પ્રાપ્ત થયા છે. તે સર્વે ધર્મમય છે. સર્વે પુત્રીઓની દર્શને જવાની ઈચ્છા જાણી. બ્રહ્માએ નારદજીને બોલાવી કહ્યું, સર્વે ઐશ્વર્ય, સમૃદ્ધિ, સિદ્ધિવાળા, સર્વ અસ્ત્ર- શસ્ત્રવાળા વિમાનમાં આ સર્વે કન્યાઓને અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શને લઇ જાઓ. સાથે સનતકુમાર, ધર્મરાજ અને રુદ્રને જવાની આજ્ઞા કરી. તે સમયે નારદના હાથમાંથી વીણા પડી ગઇ, તે અમંગળ થયું એટલે નારદ મંત્ર બોલ્યા “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” પછી મંગલયાત્રા શરૂ કરી વિમાનમાં બેસી સત્યલોકથી લોકાલોક થઇ પશ્ચિમ ભૂમિમાં આવ્યા.