ભાગ · અધ્યાય ૮૭

શ્રીહરિના અપરાધના ફળસ્વરૂપ અધર્મજીવ રાક્ષસની અધોગતિ

શ્રીકૃષ્ણ કહે : રાધા, ભક્તો શ્રીહરિના ગુણ ગ્રહણ કરે છે અને અસુરો પ્રભુમાં અવગુણ જુવે છે. વિશ્રવાનો ખર પુત્ર. તેનો ખેચરીમાં અધર્મ જીવ નામે રાક્ષસ થયો. તે કેડભાંગલો, કોડી જેવી આંખો, કપટી, વિશ્વાસઘાતી અતિ ઇર્ષ્યાળુ હતો. એકવાર નદીએ રમવા ગયો અને ચમારના છોકરાને મારી માંસ ખાધું દારૂ પીધો તેથી છોકરાઓએ ભેગા થઇ પકડી બાંધી તેને કુંડમાં નાખ્યો. પછી કુંડમાંથી કાઢી જંગલમાં મૂકી આવ્યા. ત્યાં આ અધર્મજીવ રાક્ષસ પશુ-પક્ષીનું ભક્ષણ કરતો. ક્યારેક બાળકોને લઇ જઇ ખાઇ જતો. ત્યાં ભક્તરાજ વિભીષણ આવ્યા. શ્રીહરિ સ્મરણ ભજન કરતા કરતા કહે : વનમાં શું રખડે છે. નારાયણ હરિકૃષ્ણનું ભજન કર. વિભીષણનું વચન સાંભળી અધર્મજીવ રાક્ષસ કહે : કોણ નારાયણ ? કોણ હરિ ? કોણ કૃષ્ણ ? વિભીષણ કહે : દુ:ખને હરે તેથી હરિ પરબ્રહ્મ કહેવાય છે. મનુષ્યોના સમુદાયમાં અંતર્યામીપણે વાસ કરે તેને નારાયણ કહે છે. દુ:ખ કાપી સુખ આપે તે કૃષ્ણ કહેવાય છે.

અધર્મજીવ રાક્ષસ કહે : કોઇનું ધન સ્ત્રી હરણ કરવાથી હરિ, પાણીમાં વાસ કરવાથી સર્પ કે માછલો હશે તેથી નારાયણ, કાળુ પાપ કરનારો તેથી કૃષ્ણ કહેવાતા હશે. વિભીષણ કહે : અરે પુત્ર, તું પ્રભુના નામના અવળા અર્થ કેમ કરે છે. તે પ્રભુ તો પુરુષોત્તમ પરમાત્મા ભગવાન પરમધામમાં મુક્તોથી સેવાયેલા છે. અધર્મજીવ કહે, નારી ચિહ્નવાળો હશે માટે ભગવાન અને અતિ તામસી હશે માટે પુરુષોત્તમ કહેવાતા હશે. વિભીષણ કહે : પુત્ર તે સર્વે અવતારોને ધારણ કરે છે. ગોલોક વૈકુંઠ ધામના પતિ છે. તેને યોગીઓ આત્મામાં જોઇ શકે છે. તે મોક્ષ આપનારા છે માટે તેનું ભજન કર. અધર્મજીવ રાક્ષસ કહે : સર્વને છેતરવા માટે અનેક સ્વરૂપ ધારણ કરનારો હશે માટે વ્યૂહ અવતાર કહેવાતા હશે, મોટો પોઠિયો અથવા પોઠિયાને હાંકનારો હશે માટે ગોલોક પતિ કહેવાતા હશે, ઘરબાર વિનાનો હશે તેથી વૈકુંઠપતિ કહેવાતા હશે.

એવી રીતે વિભીષણે અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીહરિના અનેક નામોગુણો કહ્યાં. ત્યારે અધર્મજીવ રાક્ષસે શ્રીહરિના સર્વે નામના અવળા અર્થ કર્યા અને ગુણમાં અવગુણ જ બતાવ્યા. એટલે વિભીષણે જોરથી માથામાં ગદા મારી પણ તે અધર્મજીવ રાક્ષસ મર્યો નહીં અને સિંહલદ્વિપમાંથી ભાગી કપટી મનુષ્ય થઇ શેત્રુંજી નદીકાંઠે ત્રિવયખ્યપુરે આવી વાસ કર્યો. શ્રીહરિનો સંતનો દ્વેષી ખળ થઇને અનેકને છેતરતો અને અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાથે વૈર રાખતો. તે એકવાર કુંકુમવાપી ક્ષેત્ર આવ્યો. લોમશ આશ્રમમાં જઇ શ્રીહરિની નિંદા કરવા લાગ્યો. ત્યારે શંકરે શ્રીહરિની નિંદા સાંભળીને સેવક ભૈરવને મોકલ્યો. તે કુંકુમવાપી આવી ચામડાની દોરીથી બાંધીને અધર્મજીવન રાક્ષસ પિશાચને વિષ્ટાના ખાડામાં નાખ્યો. તેના મોઢામાં મળમૂત્ર કર્યા અને ત્રિશૂળથી મૂઢમાર માર્યો. પછી જ્યાં ગીધડા બેઠા હતા ત્યાં વૃક્ષની ડાળીએ ઊધો બાંધ્યો. એવી રીતે શંકરના સેવક ભૈરવે બે મહિના સુધી તે રાક્ષસને દંડ આપ્યો. ભૂખ્યો, તરસ્યો મરીને યમપુરીમાં ગયો. એક હજાર વર્ષ કુંભીપાકમાં પડ્યો. એ રીતે રાક્ષસ પોતાના પાપે અધોગતિને પામ્યો.

શ્રીકૃષ્ણ કહે : રાધા, મારા અને મારા એકાંતિક ભક્તના અપરાધ કરનારાની સદ્ગતિ થતી નથી. અપરાધ કરનાર જ્યારે શરણે આવે છે ત્યારે તેનો અપરાધ ક્ષમા થાય છે અને તેની સદ્ગતિ થાય છે. પરમેશ્વરને શરણે નહીં આવનારાની કરોડો જન્મો સુધી સદ્ગતિ થતી નથી. તે અધર્મજીવ રાક્ષસ મરી ગયો એ જાણી વિભીષણ રાક્ષસની માતાને લઇને સૌરાષ્ટ્રમાં આવી શ્રીહરિને પ્રાર્થના કરી, હે પ્રભુ આ રાક્ષસની સદ્ગતિ કરો. શ્રીહરિ કહે : જન્માન્તરે મારા હાથે મરશે ત્યારે તેની સદ્ગતિ થશે. પછી શ્રીહરિએ લોમશ ઋષિ પાસે તેની માતાને અને વિભીષણને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર અપાવ્યો. એક માસ ત્યાં વાસ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી વિભીષણ અને ખેચરી દિવ્ય થયા.