ભાગ · અધ્યાય ૨૪૩

હેમકલ્ગી રાજા દ્વારા અશ્વપટ સરોવરકાંઠે પરશુરામ મંદિર નિર્માણ

શ્રીકૃષ્ણ કહે : રાધા, સૌરાષ્ટ્રમાં સ્વર્ણાંગદના વંશમાં હેમકલ્ગી રાજા થયો. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહાભક્ત હતો. તે પૂજામાં બેસતો ત્યારે સાક્ષાત્ પ્રભુ પધારતા. તેની રાણી કુમુદાક્ષી તે પણ પ્રભુપારાયણ રહેતી. પ્રભુના નૈવેદ્યમાં દૂધપાક, મગસ, અડદીયા વગેરે ધરીને પ્રભુ, પાસે સખી સાથે કિર્તન કરતી કે, શ્રીબાલકૃષ્ણ જનસૌખ્યકારી, શ્રીકાંભરેયો જનપાપહારી - હે ગોપીઓમાં વિચરનારા, આપેલું ગ્રહણ કરનારા, ભક્તોને તારનારા, દુ:ખ નાશ કરી જ્ઞાન આપનારા, માયાને ટાળનારા એવા હે પ્રભુ, તમે અમારા અંતરાત્મામાં વાસ કરો. આ સ્તૂતીથી પ્રસન્ન થયેલા બાલકૃષ્ણ પ્રભુએ હેમકલ્ગી રાજાને નિર્ભય બખ્તર આપ્યું. તે કવચ પહેરી રાજા કૃષ્ણનારાયણનું ભજન કરતો પૃથ્વીમાં અને સર્વલોકમાં ગતિ કરતો. યમરાજા, સંકર્ષણ, વરૂણ, શંકરના ગણો વગેરે કોઇ તે રાજાને કયાંય જતાં અટકાવી શકતા નહિ. એકવાર વિમાન બેસી રાજા સર્વ તીર્થો કરતો દંડકારણ્ય, ધર્મારણ્ય, નૈમિષારણ્ય ફરીને વિમાન અશ્વપટ્ટ સરોવર કાંઠે ઉતાર્યુ. ત્યાં તેજસ્વી વિમાન અને રાજાને જોઇને પરશુરામ આકાશમાર્ગે ત્યાં આવ્યા. રાજા રાણીએ બાલકૃષ્ણનું સ્મરણ કરી પાણી પીધું ત્યાં જટા-જનોઇ-કુહાડીને ધારણ કરતા ક્રોધવાળા પરશુરામ ત્યાં આવી હેમકલ્ગી રાજાને કહેવા લાગ્યા, તું ક્ષત્રિય મારી કુહાડીથી બચી ગયો છો પણ તને હમણા જ યમલોકમાં મોકલું છું. રાજાએ બ્રાહ્મણનો અપરાધ ન થાય તેમ પગે લાગી કહ્યું, વિપ્રો પૂજ્ય છે, તમે પૂજ્ય છો પણ તમે કુહાડી દેખાડીને બળ ન બતાવો અને ક્ષત્રિયથી પરાભવ ન પામો. હું ક્ષત્રિય વિપ્રનો, ગુરુમૂર્તિનો પરાભવ કરવા નથી ઈચ્છતો. હે વિપ્ર તમે ક્રોધ કરી પુણ્યનો નાશ ન કરો. એમ કહી રાજા પરશુરામની પૂજા કરવા લાગ્યા. ત્યાં તો પરશુરામે ક્રોધથી કુહાડી મારવા માટે ઊચી કરી. ત્યાં રાજાએ તરત શ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરતાં પ્રભુએ આપેલા સુદર્શન ચક્રના તેજથી પરશુરામને બાંધી લીધા. પરશુરામનું તેજ હણાઇ ગયું અને જડ જેવા થઇ ગયા અને પૃથ્વી પર પડી ગયા.

રાજા કહે, હે વિપ્ર મને ક્ષમા કરો, તમે ક્રોધનો ત્યાગ કરો. પરશુરામ કહે, ચક્રના તેજથી હું બળું છું મને મુકી દે. પાશને કવચને અને ચક્રને હું નમસ્કાર કરું છું. હે રાજા, તું મારી પાસે વરદાન માંગ. રાજા કહે તમે આજથી ક્યારેય પણ હરિભક્ત ક્ષત્રિયને મારતા નહીં. ક્ષત્રિય અને વિપ્રથી પણ જન્મ પામેલા ભક્તને મારવો નહીં. બીજું વરદાન આ અશ્વપટસરોવર કાંઠે તમે મૂર્તિરૂપે વાસ કરો. પરશુરામ કહે : તથાસ્તુ. એમ કહીને અદૃશ્ય થયા પછી હેમકલ્ગી રાજાએ પૂર્વકાંઠે મંદિર કરી પરશુરામની પ્રતિષ્ઠા કરી પૂજા કરી. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંદિરે જઇ પ્રભુની પૂજા કરી. પોતાની રાજધાની હિમાવતી નગરી ગયો. તે પરશુરામતીર્થ - હેમકલ્ગી તીર્થ થયેલું છે. ત્યાં જે સ્નાન, દાન કરશે તે સર્વદોષથી રહિત થઇ ધનસંપત્તિ પુત્ર પ્રાપ્ત કરી ભુક્તિ અને મુક્તિને પામશે.