ભાગ · અધ્યાય ૯૨–૯૩

જીવ-ઇશ્વર-માયા-બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન - ઉપદેશ

આ અધ્યાય 92–93 સંયુક્ત છે

એકવાર અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ એ ત્રણે વાસુદેવ નારાયણને પૂછ્યું જીવ ઇશ્વરનું જ્ઞાન કેમ થાય ? આત્મા શું છે ? સંસાર-માયાથી મુક્તિ કેમ થાય ? પરબ્રહ્મ શું છે તે કહો. વાસુદેવ નારાયણે હૃદયમાં શ્રીહરિનું ધ્યાન કર્યું. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. પછી ગોલોક વૈકુંઠના દર્શન થયા, પછી અમૃતધામ, શ્વેતદ્વિપ, ક્ષીરસમુદ્રના દર્શન થયા. સર્વે ધામમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કર્યા પછી કુંકુમવાપી અશ્વપટ સરોવરના દર્શન થયા. લોમશ આશ્રમ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ તથા કંભરાલક્ષ્મી, ગોપાલકૃષ્ણના દર્શન થયા તથા પ્રભા, પાર્વતી, લક્ષ્મી, માણિકી, રાધા, મંજુલા, સગુણા, હંસા, જયા, લલિતા વગેરે એકસોબાર બ્રહ્મપત્નીઓનાં દર્શન કરી દિવ્ય, તેજસ્વી, અલૌકિક કિશોરમૂર્તિના દર્શન કરી શ્રીહરિની મૂર્તિમાં સર્વે અવતારોના દર્શન કર્યા પછી તે રહસ્યજ્ઞાન નાના ભાઇઓને કહેવા લાગ્યા. જે પરબ્રહ્મ પરમાત્માને દેવો જાણી શકતા નથી, તે પ્રભુને ઋષિમુનિઓ જ્ઞાનથી જાણીને બ્રહ્મરૂપ થાય છે. તે પરબ્રહ્મને ભજીને પૂર્વે ધામમાં ગયેલા મુક્તો તેને સંસારમાં આવવું પડતું નથી. આ આત્મા શુદ્ધ, સ્વચ્છ, સૂક્ષ્મ અને સનાતન છે. તેમાં અંતર્યામિ પરમાત્મા રહ્યા છે. તે જીવાત્માને પાપ પુણ્યના કર્મ ફળ ભોગવાવે છે અને કર્મફળને ભોગવતો પોતાને સુખી-દુ:ખી માને છે, પણ અંતરાત્મામાં રહેલા પરમાત્માને જાણતો નથી, જોતો નથી, તેથી કર્મના સુખ-દુ:ખ પામે છે. અને તે પરમાત્માથી આ માયાની સૃષ્ટિ થાય છે.

જીવાત્મા અહંમમત્વ, રાગદ્વેષ, અવિવેક વગેરે દોષોથી અજ્ઞાનથી ઘેરાયેલો રહે છે ત્યાં સુધી સંસારથી માયાથી મુકાતો શ્નથી પણ માયાના દોષકર્મ તેનાથી રહિત એવો હું ચેતન આત્મા નિર્વિકારી પરમાત્માનો અંશ છું, ભક્ત છું. એમ માની આત્મામાં રહેલા પરમાત્માને શુભ-અશુભ કર્મો અર્પણ કરતો રહે તો તે કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી ભસ્મ થઇ, અને તે કર્મ ભોગવવા પડતા નથી, ત્યારે આત્મામાં પ્રકાશ થાય છે અને અક્ષર જેવો શુદ્ધ થાય છે. જ્યારે પોતાના આત્મામાં સર્વને જુવે છે અને સર્વમાં પોતાના આત્માને જુવે છે. ત્યારે મુક્ત સ્થિતિ પામી પરમાત્મા સાથે એકપણાને પામે છે. જન્મ, જરા, દુ:ખ, વ્યાધિ સર્વનું એક જ આ ઔષધ છે જે આત્માને બ્રહ્મવિજ્ઞાન થાય ત્યારે માયિક વૃત્તિ નિવૃત્તિ પામે છે અને બ્રહ્મ સંપત્તિ પ્રાપ્ત થાય છે. જેમ નદીઓ સમુદ્રને પામીને એકરૂપ થઇ જાય છે, તેમ શુદ્ધ એવો આત્મા પોતાની અંદર રહેલા પરબ્રહ્મની ઉપાસનાથી શુદ્ધ અક્ષર જેવો થઇને, પરબ્રહ્મમાં એકતાને પામે છે ત્યારે સાક્ષાત્ પ્રત્યક્ષ દર્શન અદ્વૈત એકજનું થાય છે.

વાસુદેવ નારાયણ કહે : હે ભાઇઓ, આ તમને પરબ્રહ્મનું જ્ઞાન કહ્યું. તે જ્ઞાન જેને થાય છે તેને માયાનું પ્રપંચ વાસના રહેતી નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મોહ અને વાસના રહે છે. માટે મોહ તજીને આત્મામાં રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વે રસમય સર્વેરૂપે રહેલા પરમધામમાં રહેલા શ્રીહરિને સેવકો સેવાભક્તિથી પ્રાપ્ત કરે છે. તપસ્વીઓ નથી જોઇ શકતા, તે પરમાત્માને ઉપાસના કરનારા તત્ત્વચિંતકો જાણી શકે છે. માયામાં મોહ પામેલા દેવો જે પરબ્રહ્મને નથી જાણી શકતા નથી તે પ્રભુને ભક્તો ભક્તિથી મેળવે છે. માટે હે અનિરુદ્ધ, તારામાં જે સર્જન ઐશ્વર્ય છે તે પરબ્રહ્મ પરમાત્માનું છે. હે પ્રદ્યુમ્ન, તારામાં જે પોષણ કરવાનું જે ઐશ્વર્ય છે, તે પુરુષોત્તમ નારાયણનું છે હે સંકર્ષણ, તારામાં જે સંહાર શક્તિ છે, તે પરમેશ્વરની છે. જે માયાથી પર રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણને જે જાણે છે, તેને ધામમાં જઇને ફરી આલોકમાં આવવું પડતું નથી.

વાસુદેવ નારાયણ કહે : સર્વે અવતારો, ઇશ્વરો, માયા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેના અંશ છે જેની આજ્ઞામાં રહીને બ્રહ્માંડોના કાર્ય કરે છે એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ તેની મન, વાણી, શરીરથી સેવાભક્તિ કરવી. તે પ્રભુ મૂર્તિ રૂપે રહે છે, ગુરુરૂપે રહે છે, સાધુમાં દિવ્યરૂપે વાસ કરે છે, માતા-પિતા રૂપે થાય છે, સતી, પતિ રૂપે થાય છે, આચાર્યરૂપે આવે છે. આ આઠ સ્વરૂપો સદા તારનારા છે. એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ અત્યારે કુંકુમવાપી ક્ષેત્રમાં કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણને ત્યાં અનેક જીવાત્માઓનો મોક્ષ કરવા પ્રગટ થયેલા છે. એવા પ્રભુના આપણે દર્શન કરીએ છીએ. તે પ્રભુની કૃપા છે અને આપણા ભાગ્ય છે. એમ કહીને વાસુદેવ નારાયણ વિરામ પામ્યા. એટલે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ત્રણેએ માનવરૂપે રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું હૃદયમાં ધ્યાન કર્યું.