શ્રીબાલકૃષ્ણ પ્રભુનો દ્વિતીય અને તૃતિય જન્મજયંતિ મહોત્સવ
આ અધ્યાય 19–21 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણને એક વર્ષ પૂરું થયું. ત્યારે બીજા વર્ષના જન્મજયંતિ મહોત્સવમાં પિતા ગોપાલકૃષ્ણ સાતમને દિવસે આમંત્રણ પત્રિકા લખીને સર્વે ધામના ઇશ્વરો, દેવો, ઋષિ-મુનિઓ, સાધુ-સાધ્વીઓ, સતી, પતિવ્રતાઓ, ભક્તોને મોકલતા હતા. તે પત્રિકામાં લખ્યું હતું - કુટુંબ, સગા, દાસ-દાસી સાથે મારા પુત્રને આશિર્વાદ આપવા અને લેવા આવજો. પ્રભુના પાર્ષદોએ, દૂતરૂપે ચૌદ લોકમાં, સર્વે ધામોમાં, તે પત્રિકા પહોંચાડી દીધી. સર્વે પોતાના ધામથી શ્રેષ્ટ વસ્તુ લઇને વિમાનમાં બેસી અનાદિશ્રીકૃષ્ણનારાયણના જન્મજયંતિ મહોત્સવમાં આવવા લાગ્યા. કુંકુમવાપીમાં લોમશ ઋષિ અને ગોપાલકૃષ્ણ સર્વે તૈયારી કરવા લાગ્યા. દૂધ, દહીં, ઘી, મધના કુંડો, ગોળ, સાકર, અનાજના પર્વત સમાન ગંજ કરાવ્યા. રસોડાની મહાદેવીએ કડાઇ, તાવેથો, સાંબેલું વગેરે રસોઇના સાધનો તૈયાર કરાવ્યા.
પ્રભુની આજ્ઞાથી બાર રાશીદેવીઓ સેવા કરવા આવી. તેમાં મેષ રાશી દેવીએ નવા અનાજ, દાળ, શાકભાજી, ફળ-ફૂલ, હીરા, રત્નમણિ, પુષ્પહાર વગેરે તૈયાર કરી પ્રભુને અર્પણ કર્યા. વૃષભ રાશી દેવીએ, ગોલોકથી હજારો કામધેનુ ગાયો લાવી, દૂધ, દહીં, છાશ, માખણ, ઘી તથા વાહનો લાવી. શ્રીહરિને આપ્યા. મિથુન રાશી દેવીએ શય્યા, આસન વગેરે તથા સંગીતના સાધનો રાજવૈભવો વગેરે ભગવાનને આપ્યા. કર્ક રાશી દેવીએ અનેક રસો, શામો, રાજગરો વગેરે પ્રભુને આપ્યા. સિંહ રાશી દેવીએ વનની કસ્તૂરી, ગંધ, ચામરી, રેશમી ગરમ ઉનના વસ્ત્રો, મૃગચર્મ, વાઘચર્મ, હાથીચર્મ, સિંહચર્મ, ખીણના રસો વગેરે પ્રભુને અર્પણ કર્યાં. કન્યા રાશી દેવીએ સર્વ શોભાઓ યુક્ત સુવર્ણના પાત્રો આપ્યા. તુલા રાશી દેવીએ શહેર બજારમાં સર્વવસ્તુ રૂપે અખૂટ રહેતી હતી. વૃશ્ચિક રાશી દેવીએ પૃથ્વીમાં રહેલા ગળ્યા-ખાટાં, તીખા, તૂરા, કડવા અને ખારા. આ છ રસો ભગવાનને અર્પણ કર્યાં. ધન રાશી દેવીએ ધનુષ્ય, બાણ, હાથી, અશ્વરથ, શિલિકા, ગાડા વગેરે વાહનો પ્રભુને અર્પણ કર્યાં, મકર રાશિ દેવએ સમુદ્ર રત્નોની ભેટ આપી. કુંભ રાશિ દેવીએ સુવર્ણના કરોડો ઘડા આપ્યા. મિન રાશી દેવીએ પૂજાના સોળ ઉપચાર આપ્યા. પછી વિશ્વકર્માને બોલાવી મહામંડપની રચના કરાવી. તેમાં ધર્મસભા, ઇન્દ્રસભા, બૃહસ્પતિ સભા, શુક્રસભા, બ્રહ્મસભા, વિષ્ણુસભા, શિવસભા તથા સુવર્ણના હજારો સિંહાસનો, દિવ્ય ચિત્ર-વિચિત્ર પંખીઓની શોભાવાળો, સર્વ દેવોથી શોભતો એવો મહામંડપ બનાવ્યો. તેવો મંડપ જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિમાં ક્યાંય પણ નહતો. ત્યાં અક્ષરબ્રહ્મ સર્વ શોભાને વધારતા હતા. સપ્તમીની રાત્રિએ મહામંડપમાં પ્રકાશ એટલો હતો કે રાત્રિ દેખાતી નહીં. સર્વે ઋષિ-મુનિ આસને બેસી જપ કરતા, વેદ પાઠ કરતા, લાક્ષ્મીનારાયણ સંહિતાનો પાઠ કરતા હતા.
બ્રહ્મા યજ્ઞકુંડમાં ઘી, જવ, તલ, ડાંગર વગેરે હવિષ્યાન્નનો હોમ કરતા હતા. માતા કંભરાલક્ષ્મી, પિતા ગોપાલકૃષ્ણ આગળ યજમાન સ્થાને બેઠા હતા. લોમશ ઋષિ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ષોડ્શોપચારથી વેદ વિધિથી પૂજન કરાવતા હતા. પુરુષોત્તમ નારાયણ પાસે બ્રહ્મમુક્તો ગોલોકના મુક્તો, વૈકુંઠના મુક્તો, બ્રહ્મ મુક્તો તથા અનંત ધામનામુક્તો બેઠાં હતા. હે રાધા, ત્યારે પ્રભુ પાસે હું (કૃષ્ણ) અને તું (રાધા) બંને બેઠા હતાં. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ બીજા વર્ષમાં પ્રવેશ કરતા હોવા છતાં કિશોરસ્વરૂપ ધારણ કરી ત્યાં મહામંડપમાં રહેલા સર્વને પોતાની દિવ્યમૂર્તિનું અલૌકિક દર્શન કરાવતા હતા. પોતાની મૂર્તિમાં અનેક અવતારો, અનેક ધામોનું દર્શન કરાવી, મહાઆશ્ચર્ય પમાડતા હતા તથા શરીરમાં રહેલા અગણિત ચિહ્નોના દર્શન કરાવી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતાની મૂર્તિનું અલૌકિક સુખ આપતા હતા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, અવતારી પરમાત્મા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરમધામમાં જેમ બિરાજે છે તેમ જ અહીં શોભતા હતા. દિવ્ય સ્વરૂપને ધારણ કરીને પિતાંબર પહેરી ખંભે ખેસને ધારણ કરતા સુવર્ણનો મુગટ અલંકારોથી શોભતા હતા. દિવ્ય સુવર્ણના સિંહાસન પર બેઠા હતા. તેની પાસે લોમશ ઋષિ બેઠા હતા. તેની પાસે માતા-પિતા બેઠા હતા, ત્યારે સર્વ દેવો પ્રભુની પૂજા કરવા આવતા હતા, તે સમયની શોભા પૂર્વે કોઇ દિવસ જોઇ ન હતી, ન સાંભળી હતી. તેમાં સૌ પ્રથમ કંભરાલક્ષ્મીએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુનું પૂજન કંકુ, ચોખા, ચંદન, કસ્તૂરી, અબીલ, ગુલાલ, પુષ્પ, ફૂલહાર, ફળ, જળ, સાકર, ગંધ, સુગંધથી કરતા હતા. લોમશ ઋષિ આશિર્વચન કહેતા હતા, મુક્તો આ બાલકૃષ્ણનું સ્વસ્તિ કરો. અક્ષરબ્રહ્મ આ બાલપ્રભુને દીર્ઘાયુ આપો. લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ આ બાળકનું કલ્યાણ કરો. વાસુદેવાદિ, ચતુર્વ્યુહ આ બાળકનું સ્વસ્તિ કરો. શંકર આદિ દેવો, ઇશ્વરો, આ બાલપ્રભુનું સ્વસ્તિ કરો. ઋષિ, પિતૃ, સિદ્ધ સાધુ, પતિવ્રતા સતી, સાધ્વી, કુમારી, સર્વે તીર્થો, દેવ-દેવીઓ, વૃક્ષવેલી, નદી, સમુદ્રો, પર્વતો, ખીણો, દૈત્યો, દાનવો, અસુરો, રાક્ષસો, ભૂતપ્રેત, પિશાચ, માતૃકાઓ, સર્વે આ બાળકનું સ્વસ્તિ કરો. હનુમાન, ગરૂડ, નંદ-સુનંદ, પાર્ષદો આ બાલપ્રભુનું સ્વસ્તિ કરો. રાધા, લલિતા, પદ્મા, જયા, સરસ્વતી, માણિકી, શ્રી, કમલા, પાર્વતી, પ્રભા, રતિ, શારદા, વિરજા, ગંગા, લક્ષ્મી, સતી, નર્મદા, સાવીત્રી, મંજુલા, હંસા, અમૃતા, દુર્ગા, મંગલા, સગુણા. આ સર્વે બ્રહ્મપત્નીઓ તથા સોળ હજાર તથા કરોડો અબજો શક્તિઓ તે આ બાલકૃષ્ણ પ્રભુનું સ્વસ્તિ કરો. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, ધર્મભક્તિ, કંભરા, ગોપાલ, મુક્તા, ચંપા, જયા, હૈમી, રમા, શાંતા, વજ્ર, દયા, ભાનું, દિવાળી, ઉજી તે સર્વે શ્રીહરિનું સ્વસ્તિ કરો.
આ પ્રમાણે લોમશ ઋષિએ સ્વસ્તિ વાંચન કરાવી, પાણી છાંટી પ્રભુને તિલક ચાંદલો કર્યાં. માતાએ મુખમાં મિષ્ટાન્ન આપી દુખણા લીધા અને આશિર્વાદ આપ્યા. પુષ્પમાળા પહેરાવી. પછી પિતાએ પૂજા કરી આશિર્વાદ આપ્યા, શાશ્વત આયુષ્યવાળા થાવ. લોમશ ઋષિએ મંત્રોથી આશિર્વાદ આપ્યા, યોગ ઐશ્વર્યથી શાશ્વત આયુષ્યવાળા થાવ. તેજબળ, વૈરાગ્ય, માતા-પિતા ગુરુની સેવાથી શરણાગતોની રક્ષા કરનારા થાવ. સમદૃષ્ટિવાળા, સંતોષવાળા, દાનધર્મવાળા થાવ. એવી રીતે સર્વેએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણની પૂજા કરી આશિર્વાદ આપ્યા.
પછી પરમધામમાં રહેલી શ્રીહરિની દિવ્ય પત્નીઓએ બાલકૃષ્ણની દિવ્ય પુષ્પહાર સુગંધીથી પૂજા કરી, આરતી કરી, દુ:ખણા લઇ, ચરણામૃત પીધું. પછી અક્ષર અને અક્ષર મુક્તોએ, મુક્તાણીઓએ પ્રભુની પૂજા કરી. પછી રાધાકૃષ્ણે, બાલકૃષ્ણની પૂજા કરી, પછી વૈકુંઠવાસી, અવ્યાકૃત ધામ, અમૃતધામ, અન્ય ધામના મુક્તો, શ્રી બાલકૃષ્ણની પૂજા કરી. પછી અવતારો, ઇશ્વરો, મહેશ્વરો, દેવો, બ્રહ્માંડોના અધિપતિ, ચૌદલોકના વાસી, સર્વે બાલકૃષ્ણની પૂજા કરી આશિર્વાદ આપતા હતા. એકસો એક વાટની આરતી ઉતારી, પુષ્પાંજલિ કરી, દુ:ખણા લીધા. અનાદિશ્રીકૃષ્ણનારાયણની બીજી જન્મજયંતિમાં આવેલા સર્વેનો લોમશ ઋષિએ સત્કાર કરી કહ્યું. શ્રીહરિ તમને આશિર્વાદ આપે છે, તમે સર્વે પૂજ્યપણાને પામો. પછી સર્વેને ભોજન કરાવ્યા. સર્વે સેવાકરનારાને દાન, પારિતોષિકો આપ્યા. પછી સર્વે પોતાના વિમાનોમાં બેસી પોતાના સ્થાનમાં ગયા. સર્વ કન્યાઓ લોમશ આશ્રમમાં ગઇ. બાલકૃષ્ણ પ્રભુએ નિંદ્રા ગ્રહણ કરી. આ દિવ્ય મહોત્સવને જે સંભારશે તે સર્વે મોક્ષ ભાગી બનશે.
શ્રીબાલકૃષ્ણ પ્રભુનો તૃતિય જન્મજયંતિ મહોત્સવ ઉત્તમ ધામધૂમો વડે ઉજવાયો હતો. તેમાં સર્વ સૃષ્ટિઓના રાજાઓ, દેવો, ઇશ્વરો, પ્રજાઓ પણ આવ્યા હતા. અનેક પેટાઉત્સવો, મહાદાનો, મંત્રજપો, હોમહવનો, દક્ષિણાઓ વગેરે થયા-અપાયા હતા, ઉત્સવવિસર્જન કરાયો હતો.