ભાગ · અધ્યાય ૫૯

ભાલ દેશના સુધન વણિક અને પ્રેત અંતે પ્રભુના ધામમાં ગયા

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ચરિત્ર કહું. ભાલ દેશનો સુધન વણિકને સૌરાષ્ટ્રમાં યાત્રાએ આવતા રસ્તામાં ચોર લોકોએ લૂંટી લીધો. તે એક વૃક્ષ નીચે વિરામ કરતો હતો. ત્યાં એક પ્રેત આવ્યો. વણિકને પૂછ્યું, તું કોણ છો ? વણિકે સર્વે લૂંટાયાની વાત કરી. પ્રેતે કહ્યું, સર્વને કર્મ પ્રમાણે સુખ-દુ:ખ આવ્યા જ કરે છે. ક્યારેક શ્રીમંત થાય, ક્યારેક રંક થાય. માટે શોક ન કર, ત્યાં પ્રેત માટે આકાશમાંથી ભોજન આવ્યું. એટલે વણિકે પૂછ્યું, તું કોણ છો ? પ્રેત કહે : હું ગયા જન્મમાં એક શેઠનો રસોયો-બ્રાહ્મણ હતો. શેઠે દાન કરવાની છૂટ આપી, ખૂબ ધન આપતો પણ હું લોભી કોઇને દાનમાં કાંઇ ન આપતો. એકવાર સૂર્યગ્રહણમાં શેઠે લાખો રૂપિયાનું દાન આપ્યું અને મેં લાજશરમે એક બ્રાહ્મણને સિદ્ધાની થાળી આપી એક ધોતિયું આપ્યું. તે પુણ્યે અત્યારે મને અન્ન-વસ્ત્ર મળે છે, પણ અતિ લોભથી કોઇને દાન ન દીધું તેથી હું પ્રેત થયો છું, પણ હે વણિક અત્યારે અશ્વપટ સરોવરકાંઠે કુંકુમવાપી ક્ષેત્રમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયેલા છે. ત્યાં ભાદ્ર શુક્લ એકાદશીએ મારા નામે શ્રદ્ધા તર્પણ કરી દાન કરજે એમ કહીને વણિકને ઘણું ધન પ્રેતે આપ્યું. વણિકે કુંકુમવાપી આવી પ્રેતશ્રાદ્ધ કરી દાન કર્યા. ત્યાં વિમાન આવ્યું. પ્રેત પ્રભુનું ચરણામૃત પીને ગોલોક ધામમાં ગયો. તે વણિક પણ લોમશ ઋષિ પાસે મંત્ર ગ્રહણ કરી ભજન કરી અંતે પ્રભુના ધામમાં ગયો.