ભાગ · અધ્યાય ૧૯૮

કાષ્ટક રાજાની તુન્નયામાનપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુ કાષ્ટક રાજાની પ્રાર્થનાથી તેના રાજ્યમાં જવા માટે લોપનાદ ઋષિ સાથે વિમાનમાં બેઠા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભાદરવા સુદ પડવાને દિવસે કાષ્ટક રાજાની તુન્નયામાન પુરીમાં વિમાનમાંથી ઉતર્યા. રાજા-પ્રજાએ જયઘોષથી, વાજીંત્રોથી સ્વાગત કરી ચંદન, ચોખા, પુષ્પહારથી પ્રભુની પૂજા કરી હીરાનો હાર પહેરાવ્યો. શ્યામ અશ્વ પર બેસાડીને પૂરમાં પધરાવ્યા. પ્રધાનોએ, શ્રીમંતોએ દરવાજામાં શ્રીહરિની આરતી ઉતારી. ગોરી પ્રજા, નરનારીઓ પ્રભુનું પૂજન કરતી હતી. સર્વને દર્શન આપી શ્રીહરિ રાજમહેલે આવી બગીચામાં સભા કરી ઉપદેશ આપ્યો, સંસારસાગર સુખદુ:ખથી ભરેલો છે. તેમાં દોષરૂપી મદાર રહેલા છે. તે તરવા માટે ગુરુરૂપી વહાણની જરૂર પડે છે. અખંડ ભગવાનને ધારી રહેલા સંતો ડૂબેલાને તારી મોક્ષ કરે છે. તેથી સંત, આચાર્ય, ગુરુ અને અતિથિને માનવા, પૂજવા. પાપીનો નિગ્રહ, સાધુનું રક્ષણ કરવાથી, ભક્તિ, સેવાયજ્ઞ, દાનથી હું વશ થાઉં છું. દુષ્ટનો સંગ તજી સાધુનો સમાગમ કરવો. દુ:ખમાં ભાગ લેવો તે મિત્રનું-સાધુનું લક્ષણ છે. મનમાં જુદું, વાણીમાં બીજું, કાર્યમાં જુદું તેને દુષ્ટ સ્વભાવ જાણવો. રાગ, દ્વેષ, હર્ષ, શોકથી રહિત નિરહંકારી વિવેકવાળા થવું. સર્વ નાશવંત સ્વભાવવાળું છે એવું જાણી સાધુ થવું. રાજા, ધનવાનો, ધન વિનાના સર્વનું જીવન ચાલે છે. એવું જાણી ચિંતા તજી સુખી રહેવું. રાજાને ઉપાધિ વધારે, ધનિકને ઓછી, નિર્ધનને જરા પણ ધન સાચવવાની ચિંતા નહીં, એમ સમજે તો સુખિયો રહે. કાળ સર્વને માટે સમાન છે. એક પુરૂષ ધર્મપાલન કરી કલ્યાણની ઈચ્છાથી ભક્તિ કરી પરલોકમાં સુખ મેળવે છે, એક પુરૂષ અતિલોભથી ધનને પુરૂષાર્થ માને છે પણ જ્ઞાનીઓ નાશવંત ધનને નિષ્ફળ ગણે છે. શ્રીહરિનો ઉપદેશ સાંભળી સર્વે રાજી થયા. પ્રભુએ મહેમાનોને ભોજન કરાવ્યા.