અશ્વપટ સરોવરકાંઠે ઉર્જવ્રત ઋષિ દ્વારા લક્ષ્મીનારાયણ સંહિતાની કથા
શ્રીકૃષ્ણ કહે : રાધા, કુંકુમવાપી ક્ષેત્રમાં અશ્વપટ સરોવરકાંઠે ચોવીસ અવતારો તથા લક્ષ્મીનારાયણ નરનારાયણ, તે સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવ્યા તેથી ત્યાં તે સર્વના તીર્થો થયેલા છે. તે સર્વે તીર્થો મોક્ષ કરી ધામમાં વાસ આપનારા છે. પછી છઠ્ઠા વર્ષના માગશર માસમાં અનેક ઋષિઓ તથા તીર્થો દેવીઓ નદીઓ વગેરે આવી અશ્વપટ સરોવરમાં સ્નાન કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનના દર્શન કરી, લોમશ ઋષિના દર્શન કરી સુદ બીજે અશ્વપટ સરોવરકાંઠે વૃક્ષની છાયામાં ઉર્જવ્રત ઋષિ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચતા હતા ત્યાં ગયા. ત્યાં માર્કન્ડેય, પંચશીલ, લોમશ, જમદગ્નિ, હનુમાન, જાંબુવાન, વિભીષણ, વ્યાસ, પ્રહલાદ, બલિ, ઋભુ, ગાલવ વગેરે ઋષિ તથા બાલકૃષ્ણ પ્રભુ માતા- પિતા સાથે હજારો નરનારીઓ સાથે બેઠા હતા.
ત્યારે ઉર્જવ્રત ઋષિએ મંગલાચરણ કર્યું, જ્યારે જીવ ઇશ્વરોની સૃષ્ટિ ન હતી, ધામો ન હતા ત્યારે આ એક જ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ હતા. સર્વે રૂપે રહેલા એવા બાલકૃષ્ણ પ્રભુને નમો નમ: જે પ્રભુ, કંભરા-ગોપાલને ત્યાં પ્રગટ થઇને સંત રૂપે રહેલા આદિ મધ્ય અને અંતમાં રહેલા એવા તમોને નમો નમ: ભગવાન ભાઇ, સંતોકબેન, શુક અને વલ્લભ ભાઇ સાથે રહેનારા એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમો નમ: શિષ્યમંડળમાં અગ્રણી સ્વયંપ્રકાશ તથા ગુરુ લોમશ ઋષિને નમો નમ: પૂર્વે આ પ્રભુએ જ બ્રહ્માને જ્ઞાન આપ્યું. આ પ્રભુએ જ સર્વ અવતારો ધારણ કરી, દૈત્યો દાનવોનો નાશ કરી દેવો ઋષિ મુનિઓને સુખી કર્યાં એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરો. સાંખ્યયોગ, વેદાંત, મિમાંસા, ન્યાયના પ્રવર્તક તમને નમો નમ: અન્વય વ્યતિરેકરૂપે રહેલા અંતર્યામિ, સર્વના જીવનપ્રાણ, સર્વનું રક્ષણ કરનારા, સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, પૂજનભક્તિ આ ષટ્કર્મ કરનારા પર પ્રસન્ન રહેનારા એવા તથા વિદ્વાનો તમને બ્રહ્મ પરબ્રહ્મ પણ કહે છે. એવા તમને નમો નમ: પૃથ્વી જળ તેજ વાયુ આકાશ વગેરે ચોવીશ તત્ત્વો રૂપે તમે જ રહેલા છો. જડ ચેતન સ્થાવર જંગમ રૂપે પણ તમે જ છો. પવિત્રોમાં પવિત્ર મંગલોમાં મંગલ તમે છો. બ્રહ્મા, વિષ્ણુ, શંકર તમે છો. એવા તમારી મૂર્તિમાં અનંત ધામો રહેલાં છે. અનંત મુક્તો રહેલા છે. એવા હે કિશોર સ્વરૂપ પ્રભુ અમારા ઉપર પ્રસન્ન થાઓ. ઉર્જવ્રત ઋષિની સ્તુતિ પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા બાલકૃષ્ણ પ્રભુએ સર્વને દિવ્ય દૃષ્ટિ આપી અલૌકિક મૂર્તિના દર્શન કરાવ્યા. સર્વે ઋષિમુનિઓ, નરનારીઓએ પ્રભુને આવા દિવ્ય પૂર્વે કોઇ દિવસ નહીં જોયેલા. એવા દર્શન કરી આશ્ચર્ય પામ્યા. એવી રીતે અશ્વપટ સરોવરકાંઠે ત્રણ માસ સુધી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા થઇ, ત્યાં સંહિતાતીર્થ, ઋષિતીર્થ તથા કોટિતીર્થ થયેલા છે.