રણજીત રાજાના મીનાર્કકૃષ્ણપતન રાજ્યમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, યુકાસના નદીકાંઠે મીનાર્કકૃષ્ણપતનનો રાજા રણજીત આલાયસ ઋષિ સાથે આવી શ્રીહરિને પોતાને પૂર પધારવાની પ્રાર્થના કરી. શ્રીહરિ અવતારો, ઇશ્વરો, લોમશ ઋષિ, રાધા, લક્ષ્મી વગેરેને સાથે લઇ વિમાનમાં બેસી મીનાર્કકૃષ્ણપતન આવ્યા. રાજા-પ્રજાએ સ્વાગત કરી વધાવ્યા. રાજકુટુંબે શ્રીહરિની પૂજા કરી દૂધપાન કરાવ્યું અને વીસ રાજકન્યાનું દાન કર્યું. પછી શ્વેત હાથી પર બેસી નગરમાં ફર્યા. નરનારીઓને દર્શન આપ્યા. પૂજા ગ્રહણ કરી રાજમહેલે આવી સભા કરી ઉપદેશ આપ્યો, મેં સર્જેલું બ્રહ્માંડ નાશ થવાનું છે. અવિનાશી આત્મા કર્મ ફળને ભોગવે, આત્મામાં રહેલા પરમાત્માને ઓળખે તો નિજાનંદવાળો થાય પછી શરીરના કર્મને ભોગવી પરલોકમાં શાંતિને સુખને પામે છે. તે શાંતિને સુખ પુણ્યથી, દાનથી, પરોપકારથી વૃદ્ધ અને સત્પુરૂષોની સેવાથી મળે છે. તેથી ઉત્તમ વૈકુંઠ ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. તેથી પણ ઉત્તમ મારા પરમધામમાં પાર્ષદોના મંડળમાં રહે છે. મારા યોગને પામે તે ધામમાં દિવ્યસ્વરૂપે થાય છે. ગોલોકમાં હું કૃષ્ણરૂપે છું. વૈકુંઠમાં નારાયણરૂપે છું. કૈલાશમાં શંકર રૂપે છું. સર્વ રૂપે હું થયો છું. અને સર્વને સુખ આપું છું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પંચ વિષય મારે યોગે દિવ્ય થાય છે.
આ લોકમાં બીજાની નિંદા કરવી નહીં, સાંભળવી નહીં, બુધ્ધિપૂર્વક ક્લેશને સહન કરવો. જેને મિત્ર અને દાસવર્ગ જ્ઞાની અને હિતવચન કહેનારો હોય તે સુખી થાય છે. સેવાધર્મ પરાયણ રહેનારો સુખી થાય છે. શ્રીહરિને ભજતો, તપમાં રહેનારો, સાત્વિક ભાવથી કંદમૂળ ખાનારો, જંગલનો જોગી સદા સુખી રહે છે. એવી રીતે શ્રીહરિએ રાજાને પ્રજાને જ્ઞાન આપી રાજાને રાજનીતિનો ધર્મ સમજાવી સર્વને પોતાના દિવ્યસ્વરૂપનું દર્શન કરાવ્યું. પછી રાજકુટુંબને તથા હજારો જનોને મંત્ર આપી વૈષ્ણવો કર્યા. પછી પ્રભુએ રાજાપ્રજાની પૂજાભેટ લઇને વિમાનમાં બેસી યજ્ઞ મંડપમાં આવી દૂધપાન કર્યું. રાત્રે મહોત્સવ થયો. ધૂન, કિર્તનો, રાસોત્સવ થયો. ઋષિમુનિઓ લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના આખ્યાનો કહેતા હતા. પછી વિશ્રામ કરી શ્રીહરિ સવારે જાગી નિત્યકર્મ કરી સુવર્ણના આસને બેઠા. આઠમના દિવસે લોમશ ઋષિએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી સર્વે બ્રહ્મપત્ની મુક્તોનું પૂજન કર્યું. પછી સર્વે અવતારો, ઇશ્વરો, શક્તિઓ, તેત્રીસ કરોડ દેવોનું પૂજન કર્યું પછી અગ્નિપૂજા, કુંડપુજા કરી સર્વેને બલિ ભોજન આપી તૃપ્તિ પમાડ્યા. પછી યજ્ઞમાં આવેલા લાખો કરોડો મહેમાનો બ્રહ્મપત્ની અન્નપૂર્ણાદેવી, લક્ષ્મી, સરસ્વતી, પાર્વતીએ સર્વને ભોજનથી તૃપ્ત કર્યા.